અમેરિકાની ચૂંટણીમાં ગાંજાની એન્ટ્રી, આખરે ટ્રમ્પ અને કમલા હેરિસ તેને કાયદેસર કેમ કરવા માંગે છે?
US Presidential Election 2024, Marijuana : અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ઉમેદવારો મતદારોને પ્રભાવિત કરવા માટે ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગયા છે. ઉપ-રાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસ અને પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતપોતાના દાવાઓ વડે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બંને ઉમેદવારો અમેરિકામાં ગાંજાને કાયદેસર કરવાના પક્ષમાં
તાજેતરમાં ફિલાડેલ્ફિયામાં યોજાયેલી પ્રેસિડેન્શિયલ ડીબેટમાં ચર્ચા દરમિયાન કમલા હેરિસ અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો અને મંતવ્ય રજૂ કર્યા હતા. પરંતુ આ ચૂંટણીમાં મહત્ત્વના મુદાઓ માનો એક મુદો ગાંજાને કાયદેસર કરવા માટેનો પણ છે. અને સૌથી ખાસ બાબતએ છે કે, બંને ઉમેદવારો અમેરિકામાં ગાંજાને કાયદેસર કરવાના પક્ષમાં છે. ચાલો જાણીએ આવું કેમ છે?
અડધા અમેરિકામાં ગાંજો કાયદેસર
અમેરિકામાં છેલ્લા સો વર્ષથી ગાંજાના ઉપયોગ પર સંઘીય પ્રતિબંધ છે. તે ફક્ત તબીબી ઉપયોગ માટે જ માન્ય છે. છતાં પણ અમેરિકાના 24 અને કોલંબિયા જિલ્લામાં ગાંજાને કાયદેસર માન્યતા પ્રાપ્ત છે. આ રાજ્યોમાં ગાંજાના વેચાણને દારૂના વેચાણની જેમ નિયંત્રિત કરવામાં આવે છે, અને તેના પર ટેક્સ પણ વસુલવામાં આવે છે. આ માટે મારિજુઆના(ગાંજા) પોલિસી પ્રોજેક્ટનો સહારો લેવામાં આવ્યો છે કે, જે ગાંજાને કાયદેસર કરવાને સમર્થન આપે છે. કુલ અમેરિકાની વસ્તીના 53 ટકા વસ્તી એવા રાજ્યોમાં રહે છે કે, જ્યાં ગાંજાના વેચાણને કાયદેસરતા આપવામાં આવી છે.
આ સિવાય અમેરિકામાં સાત રાજ્યો એવા પણ છે કે, જેને ઓછી માત્રામાં ગાંજો રાખવા બદલ જેલની સજા આપવાનું બંધ કરી દીધું છે. હાલમાં કુલ મળીને ગાંજાના તબીબી ઉપયોગને 38 રાજ્યો અને કોલંબિયા જીલ્લા સહિત મંજૂરી આપે છે.
70 ટકા પુખ્ત વયના લોકો ગાંજાને કાયદેસર કરવાના સમર્થનમાં
સૌથી ચોંકાવનારીની વાત એ છે કે, એક સર્વે અનુસાર અમેરિકાના લગભગ 70 ટકા પુખ્ત વયના લોકો ગાંજાને કાયદેસર કરવાનું સમર્થન કરી રહ્યા છે. અગાઉ યોજાયેલી ચૂંટણીમાં ઘણાં પુખ્ત વયના લોકોએ ગાંજાને કાયદેસર બનાવવા માટે મતદાન કર્યું હતું. કદાચ આ જ કારણ છે કે, આ વખતે ચૂંટણીમાં બંને ઉમેદવારો ગાંજાને કાયદેસર કરવાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.
કમલા હેરિસનું વિરોધાભાસી વલણ
જ્યારે ગાંજાને કાયદેસર કરવાના મુદ્દા પર ડેમોક્રેટિક પક્ષના અમેરિકી ઉપ-રાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસ અલગ વલણ અપનાવી રહ્યા છે. વર્ષ 2019માં તેમણે સંઘીય રીતે ગાંજાને અપરાધીકરણમાંથી મુક્ત કરવા માટે સેનેટમાં એક ખરડો રજૂ કર્યો હતો. જો કે ગાંજા પ્રત્યે તેમનું વર્તન હંમેશા એવું જ રહ્યું નથી. વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યા અનુસાર, જ્યારે તે સાન ફ્રાન્સિસ્કો શહેરની ડિસ્ટ્રિક્ટ એટર્ની હતા, ત્યારે લગભગ 2000 લોકોને ગાંજાના સંબંધિત ગુનાઓ માટે તેમની ઓફિસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 2010માં જ્યારે તે કેલિફોર્નિયાના એટર્ની જનરલ બનવા માટેની દોડમાં હતા, ત્યારે તેમણે ગાંજાના ઉપયોગને કાયદેસર કરવાનો વિરોધ કર્યો હતો.
જયારે તેઓ રાષ્ટ્રપ્રમુખના પદની રેસમાં સામેલ થયા બાદ તેમનું વલણ ફરી બદલાઈ ગયું હતું. તેમનું કહેવું છે કે, ગાંજાના ધૂમ્રપાન માટે કોઈને જેલ થવી ન જોઈએ, આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઘણાં લોકોને માત્ર ગાંજાને પોતાની પાસે રાખવા માટે જેલમાં જવું પડે છે.
ગાંજાને કાયદેસર બનાવવા માટે મત આપીશ- ડોનાલ્ડ ટ્રમ્પ
તો બીજી તરફ રિપબ્લિકન પક્ષના રાષ્ટ્રપ્રમુખ ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનું આ મુદ્દે વલણ અલગ છે, અને બહુ સ્પષ્ટ નથી. તેમણે અગાઉ પોતાના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળના આજીવન કેદની સજા પામેલા એક ડ્રગ ડીલરને માફ કરી દીધો હતો. ત્યારબાદ 2023માં તેમણે કહ્યું હતું કે, તમામ ડ્રગ ડીલરોને મૃત્યુદંડ આપી દેવો જોઈએ. હવે તાજેતરમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે. હું 'ફ્લોરિડા બેલેટ ઇનિશિયેટિવ'માં ગાંજાને કાયદેસર બનાવવા માટે મારો મત આપીશ.' આ બધી સ્થિતિમાં હવે 5 નવેમ્બરે મતદાન બાદ જે પણ રાષ્ટ્રપ્રમુખ બનશે તેમનું ગાંજા પર શું વલણ રહેશે તે જોવું રહ્યું.