રેલવે સ્ટેશન કે શહેર જ નહીં, દેશનું નામ પણ બદલી શકાય છે, જાણો તેની જટિલ પ્રક્રિયા અને ખર્ચ વિશે

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
Nations Change Their Name

(AI Generated Image)
Nations Change Their Name Process and Cost: હાલમાં ઉત્તર પ્રદેશમાં રેલવે સ્ટેશનોના નામ બદલવાની ચર્ચા ચાલી રહી છે. અગાઉ આપણા દેશમાં ‘કલકત્તા’ અને ‘બેંગ્લોર’ જેવા શહેરોના નામ બદલીને અનુક્રમે ‘કોલકાતા’ અને ‘બેંગલુરુ’ કરાયા જ છે. સ્ટેશનો અને શહેરો શું, દુનિયામાં ઘણાં દેશોના નામ પણ બદલાયા છે. દેશનું નામ શા માટે બદલવામાં આવે છે અને એ પ્રકિયા કેટલી જટિલ અને ખર્ચાળ હોય છે, એ જાણવા જેવું છે. 

ભારતમાં બદલાયા આ નામો

ભારતમાં આઝાદી મળ્યા બાદથી દેશના 9 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના નામ બદલવામાં આવ્યા છે. ઉપર બે ઉદાહરણ જોયા એ ઉપરાંત ઉત્તરાંચલનું 'ઉત્તરાખંડ' થયું, 'ઓરિસા'નું 'ઓડિસા' થયું, 'પોંડિચેરી'નું 'પુડુચેરી' થયું. ‘બોમ્બે’નું ‘મુંબઈ’, ‘અલ્હાબાદ’નું ‘પ્રયાગરાજ’, ‘મદ્રાસ’નું ‘ચેન્નઈ’… લિસ્ટ ઘણું લાંબું થાય એમ છે.  

આ દેશોએ બદલ્યા છે નામ

ભૂતકાળમાં ‘બર્મા’નું ‘મ્યાનમાર’, ‘સિઆમ’નું ‘થાઇલેન્ડ’, ‘પર્શિયા’નું ઈરાન, ‘ઇસ્ટ પાકિસ્તાન’નું ‘બાંગ્લાદેશ’ જેવા નવા નામકરણ થયા છે. તાજેતરમાં ‘તુર્કી’એ પોતાનું નામ બદલીને ત્યાંની તુર્કી ભાષામાં જે નામ વપરાય છે એ ‘તુર્કિયે’ કરી દીધું છે અને ‘ચેક રિપબ્લિક’ હવે નવા નામ ‘ચેકિયા’થી ઓળખાવા લાગ્યું છે. 

આ પણ વાંચો: 'મને વ્હેલ ગળી ગઈ હતી, અંદરનું અંધારુ મોત સમાન હતું'

ફક્ત એક મહિના માટે બદલ્યું નામ

ઘણા દેશોએ ટૂંકા ગાળા માટે તેમના શહેરોના નામ બદલ્યા હોય એવું પણ બન્યું છે. ઉદાહરણ તરીકે, જાન્યુઆરી 2011માં ઓસ્ટ્રેલિયાના એક નાનકડા નગર ‘સ્પીડ’ના રહેવાસીઓએ એક મહિના માટે તેમના નગરનું નામ બદલીને ‘સ્પીડકિલ્સ’ રાખ્યું હતું. વધુ પડતી ઝડપે વાહન ચલાવવાથી થતાં અકસ્માતો વિશે જાગૃતિ લાવવા માટે આમ કરાયું હતું. આ અભિયાનને સમગ્ર ઓસ્ટ્રેલિયામાં વ્યાપક સમર્થન મળ્યું હતું. દુનિયાભરના મીડિયામાં એની નોંધ લેવાઈ હતી. નગરવાસીઓ આ અભિયાન બાબતે ઉત્સાહિત હતા. તે એટલે સુધી કે ‘ફિલ ડાઉન’ નામના સ્થાનિક ખેડૂતે તો એક મહિના માટે તેનું નામ બદલીને ‘ફિલ સ્લો ડાઉન’ કરી દીધું હતું!

આ કારણસર બદલાય છે દેશના નામ

મોટાભાગે એવા દેશોએ પોતાના નામ બદલ્યા છે જે ભૂતકાળમાં કોઈ બીજા દેશના ગુલામ અથવા વડપણ હેઠળ હતા. ગુલામીની કડવી યાદ ભુલાવી દેવા બીજા દેશે દીધેલા નામ ફગાવી દેવાતાં આવ્યા છે. બ્રિટિશ રાજ જ્યાંજ્યાં સ્થપાયું તે દેશ અને એના ઘણા સ્થળો/શહેરોના નામ બદલી નાંખવાની અંગ્રેજોને ટેવ હતી. ઉદાહરણ તરીકે, તેમણે ‘ઘાના’નું નામ બદલીને ‘ગોલ્ડ કોસ્ટ’ કરી દીધું હતું. 1957માં આઝાદી મળ્યા બાદ 1960માં એ દેશે પોતાનું નામ ‘ઘાના’ કરી દીધું હતું. બ્રિટિશરોની ગુલામી વેઠી ચૂકેલા ‘સિલોન’એ 1948માં આઝાદી મેળવી એ પછી છેક 1972માં તેનું નામ બદલીને ‘શ્રીલંકા’ કર્યું હતું. એ જ રીતે ફ્રેન્ચોની કેદમાંથી 1960માં મુક્ત થયેલા ‘અપર વોલ્ટા’એ 1984માં તેનું નામ બદલીને ‘બુર્કિના ફાસો’ કરી દીધું હતું.

વિવાદો ખતમ કરવા માટે પણ બદલાયા છે દેશના નામ 

2019માં ‘મેસેડોનિયા’એ પોતાનું નામ બદલીને ‘નોર્થ મેસેડોનિયા’ કરી દીધું હતું. આ ફેરફાર ભલે નજીવો લાગે પરંતુ તેના કારણે ગ્રીસ સાથે તેના સંબંધો સુધર્યા છે. વાસ્તવમાં, ગ્રીસમાં પણ ‘મેસેડોનિયા’ નામનો વિશાળ પ્રદેશ છે, જે ‘નોર્થ મેસેડોનિયા’ની બિલકુલ નીચે એટલે કે દક્ષિણે છે. તેથી ગ્રીસ ઘણા સમયથી પડોશી દેશને તેનું નામ બદલવા કહી રહ્યું હતું. આ બદલાવને કારણે બંને દેશ વચ્ચે સંબંધ તો બહેતર થયા જ છે, એ ઉપરાંત ‘નોર્થ મેસેડોનિયા’ 2020માં ‘નાટો’માં પણ જોડાઈ શક્યું હતું. 

આ પણ વાંચો: અમેરિકા સાથે ચર્ચા કરવા આયાતોલ્લાહ અલિ ખોમીની તૈયાર : કહ્યું દુશ્મન સાથે પણ ચર્ચા કરવામાં વાંધો શો છે ?

નવું નામ આપવાની પ્રક્રિયા 

દેશોના નામ બદલવાની પ્રક્રિયા જટિલ અને ખર્ચાળ હોય છે. સૌથી પહેલાં તો નામ બદલવા માટે દેશની અંદર જ મતદાન થાય છે. એ પછી નવું નામ સંયુક્ત રાષ્ટ્ર(યુનાઇટેડ નેશન્સ - UN)ને મોકલવામાં આવે છે. UNની 6 સત્તાવાર ભાષા (અરેબિક, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશ)માં એ નામ કેવી રીતે લખાશે, એ જણાવવું પડે છે. જો એ બધું બરાબર થાય તો પ્રાસ્તાવિક નામ UN દ્વારા મંજૂર કરાય છે અને જે-તે દેશ એ નવું નામકરણ પામે છે. 

પુષ્કળ ખર્ચ થાય છે

UN દ્વારા મંજૂરી મળ્યા પછી જે-તે દેશે એના લશ્કરી યુનિફોર્મ, દેશના ચલણ, સરકારી દસ્તાવેજો અને અન્ય ઘણીબધી વસ્તુઓ પર નામ બદલવાનું થતું હોય છે. એમાં પેપરવર્ક, વેબસાઈટ, સરકારી ઓફિસોમાં સાઈનેજ અને તમામ સરકારી ઓફિસોના લેટરહેડ પર નામ બદલવાનો સમાવેશ થાય છે. એ બધું કરવામાં પુષ્કળ ખર્ચ થતો હોય છે. 

આ પણ વાંચો: વિશ્વ પંચાયતમાં નવા સરપંચની એન્ટ્રી : G20 પરિષદમાં આફ્રિકન યુનિયનને સામેલ કરી ભારતે સમર્થકો વધાર્યા છે

આટલો ખર્ચ થઈ શકે  

દેશ જેટલો મોટો એટલો ખર્ચ વધારે. ઓછી આવક ધરાવતા દેશો માટે નામબદલો વધુ ખર્ચાળ સાબિત થતો હોય છે. એક ઉદાહરણ લઈએ તો, 2018માં આફ્રિકન દેશ ‘સ્વાઝીલેન્ડ’નું નામ બદલીને ‘ઇસ્વાટિની’ કરવામાં આશરે 6 મિલિયન ડોલરનો તોતિંગ ખર્ચ થયો હતો. એ દેશનું ક્ષેત્રફળ (17,363 ચોરસ કિલોમીટર) ભારતના ક્ષેત્રફળ કરતાં લગભગ 190 ગણું નાનુ છે. ભારતની 140 કરોડ પ્લસની સરખામણીમાં ત્યાંની વસ્તી ફક્ત 12 લાખની છે. હવે કલ્પના કરો કે ઇસ્વાટિનીને નામ બદલવામાં આટલો બધો ખર્ચ થયો તો ભારત જેવા વિશાળ દેશે નામ બદલવું હોય તો કેવો અધધધ ખર્ચ થાય.

રેલવે સ્ટેશન કે શહેર જ નહીં, દેશનું નામ પણ બદલી શકાય છે, જાણો તેની જટિલ પ્રક્રિયા અને ખર્ચ વિશે 2 - image



Google NewsGoogle News