ભૂકંપ વારંવાર કેમ જાપાનને ધ્રૂજાવે છે ? શું છે આ ધરતીકંપો પાછળનું પરિબળ ‘રિંગ ઓફ ફાયર’
Image: twitter
નવી દિલ્હી,તા. 1 જાન્યુઆરી 2024, સોમવાર
જાપાન આમ તો પહેલી નજરે ખુશખુશાલ, સ્વાયત્ત, મહેનતું અને પોતાની મહત્વકાંક્ષા પર વિશ્વાસ રાખનાર દેશ. આ મજબૂત મનોબળવાળા દેશને વારંવાર કુદરતી હોનારતો જ કેમ હલાવી નાખે છે ? વારંવાર આપણે સાંભળ્યું હશે કે જાપાનની ધરા ધ્રૂજી, જાપાનમાં ભયંકર ભૂકંપ આવ્યો, જાપાનમાં સુનામી ચેતવણી.
આજે પણ જાપાનની ધરાને ધરતીકંપે ધમરોળી. જાપાનમાં આજે જમીનો અને મકાન-બિલ્ડિંગોની દિવાલોમાં તિરાડો પડી, ઉંચા-ઉંચા થાંભલાઓ ઢળી પડ્યા, અનેક ઈમારતોમાં જમીન દોસ્ત થઈ. દેશના પશ્ચિમ છેવાડે આ ધરતીકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી છે અને ગણતરીના સમયમાં જ સમુદ્રના ઉંચા મોજાઓએ વધુ તબાહી સર્જવાનું શરૂ કર્યું છે.
અલબત્ત જાપાનમાં ભૂકંપ સામાન્ય છે પરંતુ તેની તીવ્રતામાં સતત વધારો મોટા ભયાનક સંકેતો આપી રહ્યો છે. જાપાન 'રિંગ ઓફ ફાયર' પર આવેલું રાષ્ટ્ર છે જે ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ છે. સમગ્ર વિશ્વના 90 ટકા આંચકા આ વિસ્તારમાં નોંધાયા છે. ચાલો સમજીએ કે ભૂકંપનું જાપાન સાથે શું કનેક્શન છે અને અહીંનો ભૂકંપ કેમ આટલો ખતરનાક હોય છે.
જાપાનમાં દર વર્ષે અધધ 1000 ભૂકંપ :
Image: twitter |
નાના-મોટા તમામ ભૂકંપની ગણતરી કરીએ તો જાપાનમાં દર વર્ષે લગભગ એક હજારથી વધુ ભૂકંપ આવે છે, જેમાંથી માત્ર એક કે બે જ મોટી તીવ્રતા ધરાવતા હોય છે. જોકે 2024ના નવા વર્ષના પ્રથમ દિવસે જાપાનમાં આવેલ 7.6ની તીવ્રતાનો મહાવિનાશક ભૂકંપ ખૂબ જ ખતરનાક માનવામાં આવી રહ્યો છે. જો આપણે નેશનલ અર્થક્વેક સેન્ટરના ડેટા પર નજર કરીએ તો વિશ્વમાં દર વર્ષે લગભગ 20,000 ભૂકંપ આવે છે, જેમાંથી 100 એવા હોય છે જે નુકસાન પહોંચાડે છે. આમાંથી એક કે બે આફત લાવી શકે છે અને આ આફત નોતરનાર ભૂકંપોમાં જાપાન સૌથી મોખરે હોય છે
શું છે આ રિંગ ઓફ ફાયર ?
જાપાન દેશ રિંગ ઓફ ફાયર પર સ્થિત છે, જે પેસિફિક મહાસાગરનો એક વિસ્તાર છે. તેને પેસિફિક રિમ અથવા પેસિફિક બેલ્ટ પણ કહેવામાં આવે છે. આ વિસ્તારમાં જ સૌથી વધુ ધરતીકંપો અને જ્વાળામુખી ફાટી નીકળે છે. એક રિપોર્ટ અનુસાર દુનિયાના 75 ટકા જ્વાળામુખી રિંગ ઓફ ફાયર એરિયામાં આવેલા છે. આ વિસ્તાર જુઆન ડે, કોકોસા, નાઝકા, નોર્થ અમેરિકા અને ફિલિપાઈન સહિત 40,000 કિમી સુધી ફેલાયેલો છે. એલેક્ઝાન્ડર પી. લિવિંગસ્ટને સૌપ્રથમ 1906માં લખેલા પુસ્તકમાં પ્રશાંત મહાસાગરના આ વિસ્તારનો ઉલ્લેખ રિંગ ઓફ ફાયર તરીકે કર્યો હતો. આ પછી 1960ના દાયકામાં તેના વિશે ટેકટોનિક સિદ્ધાંતના રૂપમાં માહિતી આપવામાં આવી.
માત્ર જાપાન જ નહીં પરંતુ આ દેશો પણ અણી પર :
રિંગ ઓફ ફાયરમાં ભૂકંપનું જોખમ માત્ર જાપાન પર જ નથી પરંતુ રશિયા, ઈન્ડોનેશિયા, ન્યૂઝિલેન્ડ, એન્ટાર્કટિકા, કેનેડા, ફિલિપાઈન્સ, મેક્સિકો, કોસ્ટા રિકા, પેરુ, એક્વાડોર, ચિલી બોલિવિયા પણ ભૂકંપના જોખમી વિસ્તારો છે. તાજેતરમાં જ ઈન્ડોનેશિયામાં પણ આવા જ ભૂકંપના કારણે તબાહી વેરાઈ હતી.
Wikipedia |
ટેક્ટોનિક પ્લેટ્સ શું છે ?
જો આપણે ભૌગોલિક સ્થિતિ વિશે વાત કરીએ તો રિંગ ઓફ ફાયરનો વિસ્તાર એ બે ટેક્ટોનિક પ્લેટોનું જંકશન છે. આ પ્લેટોના અથડામણથી જ ધરતીકંપો આવે છે. આ જ કારણ છે કે વિશ્વના 90 ટકા ભૂકંપ રિંગ ઓફ ફાયરમાં આવે છે. ભૂકંપને કારણે સુનામી આવે છે અને જ્વાળામુખી વિસ્ફોટ પણ થાય છે. ટેક્ટોનિક પ્લેટને લિથોસ્ફેરિક પ્લેટ પણ કહેવામાં આવે છે. તે ખડકનો એક પ્રકારનો સ્લેબ છે, જે મહાદ્રિપીય લિથોસ્ફિયરથી બનેલો છે. તેની પહોળાઈ 5થી 200 કિમી સુધીની હોઈ શકે છે. તેમને સૌપ્રથમ 1967માં ટેક્ટોનિક પ્લેટ્સ નામ આપવામાં આવ્યું હતું. તે મહાદ્રીપ (ખંડીય) અને મહાસાગરીય (સમુદ્રી) બંને હોઈ શકે છે.
ટેકટોનિક પ્લેટ્સ અને ધરતીકંપ વચ્ચે શું સંબંધ છે ?
પૃથ્વીના પેટાળ કે આવરણમાંથી જો કોઈ એનર્જી એટલેકે ઉર્જા છૂટે અથવા મુક્ત થાય ત્યારે તે ટેક્ટોનિક પ્લેટોને ખસેડવા માટે દબાણ સર્જે છે. રિંગ ઓફ ફાયર એ ટેક્ટોનિક પ્લેટોનું જંકશન છે તેથી જ અહીં પ્લેટો વચ્ચે ઘર્ષણની શક્યતા વધુ છે તેથી જ અહીં આવતા ભૂકંપ વધુ તીવ્ર હોય છે. કહેવાય છે કે જ્યાં સુધી ટેક્ટોનિક પ્લેટોમાંથી મુક્ત થતી ઉર્જા બહાર ન આવે ત્યાં સુધી ધરતીકંપ ચાલુ રહે છે. જો તેનું કેન્દ્ર સમુદ્રમાં હોય તો વિનાશક સુનામી આવે છે. ખાસ વાત એ છે કે આ ટેકટોનિક પ્લેટો દર વર્ષે માત્ર થોડીક સેકન્ડ જ ખસે છે, પરંતુ જ્યારે ભૂકંપ આવે છે ત્યારે તે કેટલાય મીટર સુધી આગળ વધી શકે છે.