ચીનની કંપનીએ કર્મચારીઓને મોઢામાં આગના ગોળા નાખવા મજબૂર કરતાં વિવાદમાં ફસાઈ
આ કંપની પૂર્વોત્તર ચીનના લિયાઓનિંગ પ્રાંતમાં આવેલી છે
નોકરી ગુમાવવાના ડરથી આગના ગોળાની ઇવેન્ટમાં જોડાયા
China News | ચીનમાં બનતી હેરત અંગેજ ઘટનાઓ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચીનની એક કંપનીએ પોતાના કર્મચારીઓને આગનો ગોળો ખાવા મજબૂર કર્યા હતા. ટીમ બિલ્ડિંગની અજીબો ગરીબ ઇવેન્ટમાં કર્મચારીઓને સળગતો કાકડો મોંમાં નાખીને ઓલવવા જણાવાયું હતું. કંપનીની આ હરકતને લઇને સોશિયલ મીડિયામાં લોકોની ટીકાનો સામનો કરવો પડયો છે.આ કાર્યવાહીને લોકોએ અધિકારોનો દુરોપયોગ અને શ્રમ કાનુન તથા શ્રમિકો માટે વધુ મજબૂત બનવવાની જરુરિયાત હોવા પર ભાર મુકયો હતો.
ચીનની આ કંપની પૂર્વોત્તર ચીનના લિયાઓનિંગ પ્રાંતમાં આવેલી છે જે શિક્ષણ પ્રવૃતિ સાથે સંકળાયેલી છે. વિચિત્ર પ્રકારની ઇવેન્ટમાં ભાગ લેનારા રોગરોંગ નામના એક કર્મચારીએ ખુલાસો કર્યો હતો કે આગને મોંઢામાં નાખીને બુઝાવવા માટે તૈયાર ન હતો પરંતુ નોકરી ગુમાવવાના ડરના લીધે માનસિક દબાણમાં આવી ગયો હતો. કુલ 60 કર્મચારીઓએ આગના ગોળાની ઇવેન્ટમાં ભાગ લીધો જેમાં 6 જેટલી ટીમ પાડવામાં આવી હતી.
કંપનીના ઇવેન્ટ આર્ગેનાઇઝરે તર્ક આપ્યો હતો કે ડરને નિયંત્રણમાં રાખીને આત્મવિશ્વાસ વધારવા માટે આયોજન થયું હતું. અમે જીતવા ઇચ્છીએ છીએ અને કમાણી કરવા ઇચ્છીએ એ એવો મેસેજ આપવા માટે આ પ્રવૃતિ મહત્વની હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ચીનમાં થોડાક વર્ષ અગાઉ નાનજિંગ સ્થિતિ એક કંપનીએ પોતાના કર્મચારીઓમાં સાહસનો ગુણ વિકસાવવા કચરાના ઢગલાને ચુંબન કરવાની અને અજાણ્યા લોકોને અચાનક ભેટી પડવાની વિવાદાસ્પદ ઇવેન્ટ યોજાઇ હતી.