પાકિસ્તાનમાં ચીનાઓ નિશાન પર શા માટે છે ? 90 દિવસનું અલ્ટીમેટમ શું છે ? તે પછી હુમલા વધ્યા છે
- શાહબાઝ શરીફ કેબિનેટ સાથે ચીની દૂતાવાસ પહોંચ્યા
- બલુચીસ્તાનમાં તો હુમલા થતા જ રહે છે : હવે ખૈબર પખ્તુનખ્વામાં પણ હુમલા શરૂ થઇ ગયા છે : પાક અને ચીન બંને ટેન્શનમાં છે
બૈજિંગ : પાકિસ્તાનમાં છેલ્લા બે સપ્તાહમાં ચીની નાગરિકો અને તેમના દ્વારા તૈયાર કરાયેલા પ્રોજેક્ટને નિશાન બનાવતા ૩ હુમલા થયા. મંગળવારે તો એટલો ભીષણ હુમલો થયો હતો કે ચીની ઇજનેરોને લઇ જતી ગાડી ફંગોળાઈને ખાઈમાં પડી. તેમાં પાંચના મૃત્યુ થયા, ઉપરાંત મૂળ પાકિસ્તાની નાગરિક જે કેબનો ડ્રાઇવર હતો. તે પણ મૃત્યુ પામ્યો હતો. આ એટેક બલુચીસ્તાનમાં નહીં પરંતુ ખૈબર પખ્તુનખ્વામાં દાસ ક્ષેત્રમાં થયો હતો.
આ હુમલા પછી પાકિસ્તાની શરીફ સરકાર એટલા બધા દબાણમાં આવી ગઈ કે તેઓ સર્વે ચીની દૂતાવાસ પર પહોંચ્યા અને પરિસ્થિતિ વિશે માહિતી આપવા સાથે ક્ષમા પણ માગી. જો કે, આ હુમલાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી. પરંતુ તેથી પાકિસ્તાન અને ચીન બંનેનું ટેન્શન વધી ગયું છે. ચીને આ હુમલાની ઊંડી તપાસ કરવા માગણી કરી છે અને દોષિતો પર પગલાં લેવા માગણી કરી છે. જો કે હજુ સુધી શહબાઝ શરીફ સરકાર દોષિતોને પકડી શકી નથી.
આ પૂર્વે કરાચી યુનિવર્સિટીના ચીની પ્રોફેસરો ઉપર હુમલો થયો હતો. પછી જુલાઈ ૨૦૨૧માં જે હુમલો થયો તેમાં ૯ ચાઈનીઝ એન્જિનિયર્સ માર્યા ગયા હતા. બધા જ હુમલામાં એક વાત સામાન્ય હતી કે દરેકમાં ચીની નાગરિકો કે તેમણે સ્થાપેલા પ્રતિષ્ઠાનો કે તેમના પ્રતિષ્ઠાનો નિશાન ઉપર હતા.
મંગળવારે થયેલા હુમલા પૂર્વે સોમવારે સાંજે બલુચીસ્તાનના તુરબતમાં હુમલો થયો હતો, તે નેવલબેઝ ઉપર થયો હતો. તેમાં પાંચ આતંકી માર્યા ગયા હતા. તેની જવાબદારી બલૂચ-લિબરેશન-આર્મી (બીએલએ)એ લીધી હતી. આ બીએલએએ પહેલાં પણ ચાઈના-પાકિસ્તાન-ઇકોનોમિક કોરિડોર (સીપીઈસી) સાથે સંલગ્ન પ્રોજેક્ટ ઉપર હુમલા કર્યા હતા. આ હુમલાઓનો પ્રારંભ ૨૦૧૮થી થયો હતો. આ સંગઠનનું માનવું છે કે પાકિસ્તાન, બલુચિસ્તાનના સંશાધનોનું દોહન કરી રહ્યું છે અને સ્થાનિક લોકોનું ઉત્પીડન કરે છે.
બલુચીસ્તાનના મોટા ભાગના લોકો માને છે કે પાકિસ્તાને બળજબરીથી આ પ્રાંતને પોતાનામાં સમાવ્યો છે. જ્યારે બ્રિટિશ શાસન નીચેના અખંડ-હિન્દુસ્તાનનું વિભાજન થયું તે પૂર્વે ચર્ચાઓ અને મંત્રણાઓ શરૂ થઇ હતી. ત્યારે પાકિસ્તાનના સર્જક મોહમ્મદ અલી જિન્નાએ બલુચોની ઇચ્છા જાણી તેમને સાથે લેવા જણાવ્યું હતું તેમ છતાં પાકિસ્તાને સૈન્ય બળથી તેને પોતાનામાં સમાવી લીધું.
બલુચ લિબરેશન આર્મી માને છે કે, અમારૂં દમન કરવામાં ચીન, પાકિસ્તાનને સાથ આપે છે. તેને હટાવવા માટે બીએલએ દ્વારા ૯૦ દિવસની મુદત આપી હતી. આ પછી (મુદત પુરી થયા પછી) બલુચોના હુમલા વધી ગયા છે. જો કે, આ પૂર્વે ૨૦૨૩માં પણ બીએલએ દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા.