જાણો, ચીન ક્રિકેટમાં કેમ ભાગ લેતું નથી ? ચીનના આ શહેરને છે ક્રિકેટ સાથે સદીઓ જુનો નાતો
વિશ્વની તગડી અર્થ વ્યવસ્થામાં ક્રિકેટ પાંગરે તે માટે આઇસીસી પ્રયત્નશીલ
ચીનમાં યોજાતી સિકસ ટુર્નામેન્ટમાં દુનિયાની ઘણી ટીમો આવે છે
બેઇજિંગ,22 ફેબ્રુઆરી,2022,મંગળવાર
ઓલિમ્પિક સહિતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઇને અઢળક મેડલ જીતતું ચીન ક્રિકેટની રમતમાં ઘણું પાછળ છે. ભારત અને તેના પાડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે જાણીતા છે પરંતુ વિશાળ આર્થિક શકિત ધરાવતા ચીન ક્રિકેટમાં અત્યાર સુધી રસ લેતું ન હતું. જો ભારતની જેમ ચીન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતુ હોતતો ક્રિકેટ જગતના જુદા જ પરીમાણો જોવા મળત એમ ઘણા માને છે.
1.42 અબજની વસ્તીમાં માત્ર 1 લાખ લોકો ક્રિકેટ રમે છે
૧૯૪૮માં ચીનમાં સામ્યવાદી પીપલ્સ પાર્ટીનું શાસન આવતા અશાંત રાજકિય માહોલમાં ક્રિકેટ રમનારાની સંખ્યા ઘટતી ગઇ હતી. ૧.૪૨ અબજની વસ્તી ધરાવતા દેશમાં માત્ર 1 લાખ જેટલા લોકો જ ક્રિકેટ રમે છે. ચીનમાં લોકોને હજુ પણ બેઝબોલ અને ફૂટબોલમાં વધારે રસ પડે છે. સરકાર પણ લોકોને યુનાઇટેડ કરતી ગેમમાં ખાસ રસ લેતી ન હતી પરંતુ ચીન સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રિકેટ માટે કૂણુ વલણ દાખવતા ક્રિકેટ રમત ધીમી ગતિએ ફેલાઇ રહયું છે. ચીનના મોટા શહેર ગ્વાગ્ઝુમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ મેદાન છે.
ચાઇનિઝ ક્રિકેટ એસોસિએશને આ સ્ટેડીયમ ૨૦૧૦માં એશિયન ગેમ્સ પહેલા તૈયાર કરવામાં આવ્યું હતું. ૧૨૦૦૦ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું મેદાન પર વુમન ટવેન્ટી મુકાબલાની પ્રથમ મેચ ૨૮ ઓકટોબર ૨૦૧૨માં બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે યોજાઇ હતી. ૩૧ ઓકટોબર ૨૦૧૨ના રોજ ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ વચ્ચે અંતિમ મુકાબલો થયો હતો. એવું માનવામાં આવે છે કે ચીનમાં 1 લાખ જેટલા લોકો ક્રિકેટ રમે છે.
૧૯૪૮ સુધી શાંઘાઇ અને હોંગકોગ વચ્ચે ક્રિકેટ મેચ રમાતી હતી
૧૮૬૬માં શાંઘાઇની ટીમ હોંગકોંગમાં ક્રિકેટ પ્રવાસે ગઇ હતી. છેક ૧૯૪૮ સુધી શાંઘાઇ અને હોંગકોગ વચ્ચે ક્રિકેટનો દાયકા જુનો નાતો રહયો હતો. આજે પણ શાંઘાઇમાં સ્થાનિક કલબો દ્વારા ક્રિકેટ રમાય છે પીપલ્સ સ્કવેર અને પીપલ્સપાર્કમાં રમાતા ક્રિકેટનું સ્થાનિક મીડિયા દ્વારા કવરેજ થાય છે. શાંઘાઇ ક્રિકેટ કલબ દ્વારા શાંઘાઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સિકસેસનું આયોજન થાય છે આ એક સિકસ ટુર્નામેન્ટ છે જેમાં દુનિયાની ઘણી ટીમો ભાગ લે છે. જેને આઇસીસીએ વન ડે ક્રિકેટ માટે પણ આ મેદાનને માન્યતા આપી છે. એક શહેર થી બીજા શહેર વચ્ચે પણ સિકસ સ્પર્ધા યોજાય છે.
ચીન ૨૦૦૪થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલનું મેમ્બર બન્યું છે
ક્રિકેટ રમત કરોડોનો કારોબાર ધરાવે છે આઇસીસી (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) પણ વિશ્વની તગડી ગણાતી અર્થ વ્યવસ્થામાં ક્રિકેટ પાંગરે તે માટે પ્રયત્નશીલ છે. એ જાણીને નવાઇ લાગશે કે ચીન ૨૦૦૪થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલનું મેમ્બર છે.
૨૦૧૭માં ચીનની ક્રિકેટ ટીમે વિશ્વ ક્રિકેટ લીગ રિજયોનલ કવોલિફાયર મેચમાં સાઉદી અરેબિયા સામે માત્ર ૨૮ રને આઉટ થઇ હતી.
મહિલાઓની એક ક્રિકેટ મેચમાં યુએઇ સામે ચીનની મહિલા ક્રિકેટ ટીમ ૧૪ રને આઉટ થઇ હતી જે આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા ક્રિકેટ ટીમનો સૌથી ઓછો સ્કોર ગણાય છે. ચીનમાં પુરુષ કરતા મહિલા ટીમ વધારે આગળ વધી રહી છે.