બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ કેમ ગાદી છોડવી પડી ? ભારતમાં રહેશે કે લંડનમાં લેશે શરણ ?
શેખ હસીના 15 વર્ષ બાંગ્લાદેશના વડાપ્રધાન રહયા હતા.
30 ટકા અનામતના મુદ્વે હિંસક પ્રદર્શનો ફાટી નિકળ્યા હતા
નવી દિલ્હી,૫ જુલાઇ,૨૦૨૪,સોમવાર
છેલ્લા ૧૫ વર્ષથી બાંગ્લાદેશમાં શાસન કરતા શેખ હસીનાને રાજીનામુ આપીને વિદેશ ભાગવું પડયું છે. તેઓ ભારતમાં શરણ લેવા ઇચ્છે છે પરંતુ કેટલાક અહેવાલ અનુસાર તેઓ લંડનમાં રહેવા જશે. લંડનમાં તેઓ પોતાની પ્રોપર્ટી અને ઘર ધરાવે છે. બાંગ્લાદેશના અર્થતંત્રને મજબૂત કરવાથી માંડીને શેખ હસીનાના રાજકિય પતનના ઘટનાક્રમ પર દુનિયા આખીને નજર મંડાયેલી છે.
શેખ હસીનાએ ૧૯૯૬ થી ૨૦૦૧ અને ૬ જાન્યુઆરી ૨૦૦૯ થી અત્યાર સુધી દેશની બાગડોર સંભાળેલી હતી. લાંબા સમય સુધી શાસન કરવાથી તાનાશાહી જેવા અવગુણો તેમના પતનનું કારણ બન્યા છે. શેખ હસીનાના શાસન વિરુધ બાંગ્લાદેશમાં તોફાનો અને વિદ્રોહ ફાટી નિકળવાની પરિસ્થિતિ સમજવા જેવી જેવી છે. હસીનાએ પ્રશાસનમાં વિપક્ષી નેતાઓની ધરપકડ. વાણી સ્વાતંત્રતા પર દમન અને વિરોધ પ્રદર્શનોને કચડી નાખવાની નીતિ અપનાવી હતી.
વિરોધ કરનારા પર દમન આચરવામાં આવતું હતું. શેખ હસીના સરકાર પર લોકશાહી પ્રક્રિયાઓ અને લોકતાંત્રિક સંસ્થાઓને નબળી પાડી હતી. સરકારી એજન્સીઓ હસીના સરકારના ઇશારે જ વિપક્ષી નેતાઓને જેલમાં નાખતી હતી. ગત ચુંટણીમાં તો વિપક્ષોએ ચુંટણી લડવાનો ઇન્કાર કરીને બહિષ્કાર કર્યો હતો. વિપક્ષો વિનાની ચુંટણી લડીને શેખ હસીનાએ સત્તા મેળવી હતી. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનોએ પણ સરકારના ઇશારે થતી માનવ અધિકારભંગની ઘટનાઓ અને રાજકિય હત્યાઓની ગંભીર નોંધ લીધી હતી.
તાત્કાલિક તોફાનો થવાનું કારણ અનામતનો સળગતો મુદ્વો હતો. શેખ હસીના સરકારે ૧૯૭૧ના સ્વતંત્રતા આંદોલન (બાંગ્લાદેશ મુકિત સંગ્રામ)માં ભાગ લેનારા પરિવારોના લોકોને ૩૦૨ ટકા સરકારી અનામત આપવાનો લીધેલો નિર્ણય બુમરેંગ સાબીત થયો હતો. ખાસ કરીને વિધાર્થીઓ અને યુવાઓમાં રોષ ફાટી નિકળ્યો હતો. બાંગ્લાદેશની સુપ્રિમ કોર્ટે શેખ હસીના સરકારના નિર્ણયને ફેરવી નાખ્યો પરંતુ ત્યાં સુધીમાં દેશમાં હિંસાની આગ ફેલાઇ ચુકી હતી. દબાયેલા વિપક્ષોએ પણ પ્રદર્શનકારીઓને સમર્થન કરતા વ્યાપક હિંસા, આગ અને અફરા તફરીનો માહોલ ઉભો થયો હતો.
દેશના વિવિધ ભાગોમાં કરફર્યુ અને દેખો ત્યાં ઠારના હુકમો છતાં હિંસા કાબુમાં આવતી ન હતી. બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થા જેવું કશું જ નથી એવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. શેખ હસીના સરકાર પર પ્રેસની સ્વતંત્રતાને કચડી નાખવાનો પણ આરોપ હતો.ટીકાકાર પત્રકારો અને મીડિયા હાઉસને કાનુની કાર્યવાહી અથવા તો શટર ડાઉનનો સામનો કરવો પડયો હતો. શેખ હસીનાએ ખૂબજ ચતૂરાઇથી બાંગ્લાદેશમાં શાસન કર્યુ હતું. પોતે ખૂબજ લોકપ્રિય હોવાની આભા ઉભી કરી હતી. લોકપ્રિયતા ઓછી થયા પછી દમન અને ધમકીઓના જોરે શાસન આગળ ચલાવ્યું હતું. એ સમયની લોક્પ્રિય શેખ હસીના ખુદ લોકોેના ગુસ્સાનો શિકાર બની છે.