નેપાળમાં વારંવાર કેમ થાય છે વિમાન દુર્ઘટના? ઊંચા પર્વતો કે ખરાબ હવામાન...જાણો શું છે કારણ
Plane Crash In Nepal: નેપાળના કાઠમંડુમાં આવેલ ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક-ઓફ દરમિયાન થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે. શૌર્ય એરલાઇન્સના વિમાન નંબર MP CRJ 200એ રન-વે બે પરથી પોખરા માટે ઉડાન ભરી હતી. આ દરમિયાન ટેક્નિકલ ખામીના કારણે ટેક-ઑફ કર્યા પછી તરત જ વિમાનમાં આગ લાગી હતી. જેમાં વિમાનમાં મુસાફરી કરી રહેલા 19 લોકો માંથી 18ના મોત થયા છે. તો બીજી તરફ, પાઇલટનો આબાદ બચાવ થયો છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
નેપાળમાં થયેલી આ પહેલી ઘટના નથી. ગયા વર્ષે જાન્યુઆરીમાં પણ આવી જ હવાઈ દુર્ઘટના થઈ હતી, જેમાં વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટી અનુસાર સન 1955થી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 104 વિમાન દુર્ઘટના થઇ છે. જેમાંથી 44 દુર્ઘટના જીવલેણ હતી, જેમાં 900થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા હતા. અહિયાં સવાલ એ છે કે નેપાળમાં જ કેમ વાંરવાર હવાઈ દુર્ઘટના થાય છે. ચાલો જાણીએ....
આ પણ વાંચો: નેપાળના ત્રિભુવન એરપોર્ટ પર પ્લેન ક્રેશ, ટેક ઑફ વખતે આગના ગોળામાં ફેરવાઈ જતા 18 મોત
દેશની ભૌગોલિક બનવાટ યોગ્ય નથી
નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીએ વર્ષ 2019માં એક સેફટી રીપોર્ટ પ્રકાશિત કર્કયો હતો, જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે દેશની ભૌગોલિક બનવાટ એવી છે કે જેનાથી વિમાનને ટેક-ઓફ કરવામાં મુશ્કેલી થાય છે. પૂરી દુનિયામાં આવેલા 14 સૌથી ઊંચા પહાડોમાંથી 8 નેપાળમાં આવેલા છે. માઉન્ટ એવરેસ્ટ પણ અહિયાં આવેલ છે. ચોમાસા દરમિયાન નેપાળની એવિએશન ઇન્ડસ્ટ્રી માત્ર અમુક પ્રકારના એરક્રાફ્ટ પર ભરોસો રાખે છે, કે જે નાની જગ્યાઓમાં ટેક-ઓફ અથવા લેન્ડ કરી શકે છે.
નાના વિમાનો માટે મુશ્કેલી વધુ
પર્વતો વચ્ચે આવેલા સ્થળોએ પહોંચવા માટે નેપાળ એવિએશન ઓથોરીટી નાના વિમાનો પર વધુ આધાર રાખે છે. જેના કારણે વિમાનને ટેક-ઓફ અને લેન્ડિંગ કરવામાં માટે વધારે જગ્યાની જરૂર પડતી નથી. જો કે, આ પણ મુશ્કેલીનું કારણ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અનુસાર, 19 સીટર અથવા તેના જેટલી જ ક્ષમતા ધરાવતા વિમાનો ઝડપથી અસંતુલિત થઈ જાય છે અને દુર્ઘટનાનો શિકાર બને છે.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં આતંકીઓની નાપાક હરકત, ગર્લ્સ સ્કૂલની આખી ઈમારત બોમ્બ વિસ્ફોટ દ્વારા ઉડાડી
વિશ્વનું સૌથી ખતરનાક એરપોર્ટ
નેપાળનું તેનઝિંગ હિલેરી એરપોર્ટ, જેને લુક્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો દુનિયાના સૌથી ખતરનાખ એરપોર્ટમાં સમાવેશ થાય છે. હિમાલયના હિમાચ્છાદીત પર્વતોમાં માઉન્ટ એવરેસ્ટ નજીક બનેલું આ એરપોર્ટ 9,325 ફૂટની ઊંચાઈએ આવેલું છે. ખૂબ જ ટૂંકા રનવેને કારણે અહીં માત્ર નાના વિમાનો જ ઉતરી શકે છે. આમાં પણ એક તરફ ટેકરીઓ તો બીજી તરફ ઊંડી ખીણ આવેલી છે. આ જ કારણથી ઉત્તર-પૂર્વ નેપાળના આ એરપોર્ટને વિશ્વનું સૌથી ખતરનાક એરપોર્ટ કહેવામાં આવે છે.
ચેતવણી છતાં પણ જૂના એરક્રાફ્ટનો ઉપયોગ કરાઈ રહ્યો છે
નેપાળમાં હજુ પણ હવાઈ મુસાફરી માટે જૂના એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખરાબ હવામાન દરમિયાન આ એરક્રાફ્ટ વિશ્વસનીય રહેતા નથી. એક વર્ષ પહેલા ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશને નેપાળ સાથે વિમાન દુર્ઘટના રોકવા માટે ભાગીદારી કરી હતી. ત્યારથી સલામતીને લગતા ધોરણોમાં વધારો થયો છે, પરંતુ હજી પણ દુર્ઘટના થઈ રહી છે.