મોટાભાગના ચેપી રોગો આફ્રિકા અને એશિયામાંથી કેમ ફેલાય છે? જાણો કારણ
Health News : કોવિડ-19 વાયરસના ખતરામાંથી દુનિયા માંડ બહાર આવી છે ત્યાં એક નવા વાયરસનું આગમન થયું છે. આ વાયરસનું નામ એમપોક્સ(Mpox) એટલે કે ‘મંકી પોક્સ’ છે. ‘વિશ્વ આરોગ્ય સંસ્થા’ (વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન - WHO)એ આ વાયરસ આપત્તિને 'ગ્રેડ 3 ઇમરજન્સી' તરીકે વર્ગીકૃત કરી, એટલે કે તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. જાન્યુઆરી 2023થી અત્યાર સુધીમાં એના 27,000થી વધુ કેસ નોંધાયા છે અને 1100થી વધુ મૃત્યુ નોંધાયા છે. આફ્રિકામાં શરુ થયેલો આ વાયરસ કોંગો, રવાન્ડા, યુગાન્ડા, બુરુન્ડી અને કેન્યા જેવા આફ્રિકી દેશોમાં ફેલાયો અને હવે ભારતના પાડોશી દેશ પાકિસ્તાન સુધી પહોંચી ગયો છે.
આ પ્રકારના મહામારી સર્જતા વાયરસ મોટેભાગે આફ્રિકા અને એશિયા એ બે ખંડમાંથી જ ઉદ્ભવ પામે છે. મંકીપોક્સ અને કોરોના ઉપરાંત ‘ઝિકા’ અને ‘ઇબોલા’ જેવા રોગો પણ સૌપ્રથમ આફ્રિકા અથવા એશિયામાં જ દેખાયા હતા. એવું કેમ? ચાલો, જાણી એના કારણો.
આફ્રિકામાં ઉદ્ભવેલા રોગ
કોલેરા, પ્લેગ, ડેન્ગ્યુ, હિપેટાઇટીસ બી સી અને ઈ, મંકી પોક્સ, એન્થ્રેક્સ, એવિયન ઇન્ફલ્યુએન્ઝા, ક્રિમિઅન કોંગો હેમોરહેજિક ફીવર, રિફ્ટ વેલી ફીવર, યલો ફીવર અને ઝિકા વાયરસ જેવા ડરામણા રોગોની શરુઆત આફ્રિકામાં થઈ હતી.
એશિયામાં જન્મેલા રોગ
‘જાપાનીઝ એન્સેફાલીટીસ (JE) વાયરસ’, ‘બ્લેક ડેથ’ અને ‘બરમાહ ફોરેસ્ટ વાયરસ’ જેવી બિમારીઓ એશિયામાં ઉદ્ભવી હતી. એશિયામાં પણ સૌથી વધુ નવા રોગચાળા ચીનમાં જ ઉદ્ભવ્યા છે. ચીને દુનિયાને ‘સાર્સ’, ‘એશિયન ફ્લુ’ અને ‘કોરોના વાયરસ’ની ભેટ આપી છે.
આફ્રિકા અને એશિયામાં નીતનવા રોગ જન્મતા હોવાના કારણો
• એશિયા અને આફ્રિકા બંને ખંડમાં વસ્તી બહુ વધારે અને ગીચ છે. દુનિયાની કુલ વસ્તીના લગભગ 60 ટકા લોકો એશિયામાં વસે છે. આફ્રિકામાં આ આંકડો છે 18 ટકા. આમ, આ બે ખંડમાં જ દુનિયાની કુલ વસ્તીના લગભગ 78 ટકા લોકો વસે છે. વસ્તી ગીચતાને કારણે ચેપગ્રસ્ત વ્યક્તિમાંથી તંદુરસ્ત વ્યક્તિમાં બિમારી ફેલાવાની શક્યતા વધી જાય છે. ચેપગ્રસ્ત વ્યક્તિના ઘા, લોહી, શ્વસન ટીપાં અને લાળ તથા મળ-મૂત્ર જેવા પદાર્થોના સંપર્કમાં આવવાથી બીજામાં સંક્રમણ ફેલાતું હોય છે.
• એશિયા અને આફ્રિકાના દેશો સતત વિકાસ પામી રહ્યા છે. ગામડાં છોડીને શહેરો તરફ લોકોએ દોટ મૂકી છે. નવાગંતુક શહેરીજનોને સમાવવા માટે જંગલો કપાઈ રહ્યા છે, શહેરની સરહદો જંગલમાં ઘૂસ મારી રહી છે, જેને લીધે માણસો જંગલી પ્રાણીઓના સીધા સંપર્કમાં આવી રહ્યા છે. પરિણામે સદીઓથી ફક્ત જંગલના જાનવરોના શરીરમાં રહેલા જાતભાતના વાયરસનું સંક્રમણ મનુષ્યો તરફ થવા લાગ્યું છે. સંક્રમિત વ્યક્તિ અન્ય હજારોના સંપર્કમાં આવી ચેપી રોગના ફેલાવામાં નિમિત્ત બને છે.
• જેમ વસ્તી વધુ એમ ખોરાક-પાણીની જરૂરિયાત વધુ. ખોરાક માટે વિશાળ કદના બજારો બને છે જેમાં જીવતા પશુ-પક્ષીઓ લાવવામાં આવે છે. પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેનો સંપર્ક આવા બજારોને કારણે પણ વધ્યો છે. ચીન જેવા દેશોમાં તો દુનિયાના અન્ય દેશોમાં અખાદ્ય ગણાતા હોય એવા જીવ-જંતુઓ પણ ખવાય છે. ખોરાકના નામે ચિતરી ચઢે એવા જીવ, ચામાચીડિયા, સાપ બધું જ વેચાય છે. બજારમાં જગ્યાની અછત હોવાથી અલગ-અલગ પ્રકારની પ્રજાતિઓને એકબીજાની નજીક-નજીક રાખવામાં આવે છે, જેના કારણે પણ જીવલેણ વાયરસ એક પ્રાણીના શરીરમાંથી બીજામાં ફેલાય છે, અને સરવાળે મનુષ્યોમાં પ્રસરે છે.
• ચીન જેવા ઘણા એશિયન દેશોમાં માછલી અને જીવજંતુઓ રાંધ્યા વિના કાચેકાચા જ ખાઈ જવામાં આવે છે. પ્રાણીઓનું માંસ પણ ઘણી વાનગીઓમાં અડધું-પડધું જ પકાવવામાં આવે છે, જેને પરિણામે વન્ય જીવોના શરીરમાં રહેલા વાયરસ મરતાં નથી અને માણસના રૂપમાં એમને સીધેસીધું નવું ઘર મળી જાય છે.
• આફ્રિકાના ઘણા દેશોમાં ખોરાક મેળવવા માટે માણસો હજુ પણ આદિકાળથી પ્રચલિત શિકારવૃત્તિનો ઉપયોગ કરે છે. તેઓ જંગલમાં જઈને પ્રાણીઓનો શિકાર કરે છે અને પછી એને રાંધીને ખાય છે. આ રીતે પણ મનુષ્યો પ્રાણીઓના સીધા સંપર્કમાં આવીને નવાનવા રોગ નોંતરી લાવે છે.
• આફ્રિકામાં હજુ પણ આરોગ્ય-સેવાઓ વિકસિત નથી, જેને કારણે નવો રોગ સમયસર પકડાતો નથી અને પકડાય તો પૂરતા સંસાધનોને અભાવે રોગને વહેલી તકે ડામી શકાતો નથી.