ભારતીયોનો દબદબો અમેરિકનોને આંખના કણાની જેમ કેમ ખૂંચી રહ્યો છે? જાણો કારણો
American And Indian Dispute : અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે MAGA (મેક અમેરિકા ગ્રેટ અગેઇન) ચળવળને લીધે બીજી વાર અમેરિકાનું સુકાન સંભાળવાનું શક્ય બન્યું છે. અમેરિકનોને લાગે છે કે અમેરિકાની વિસરાયેલી ‘ગ્લોરી’ (ગૌરવ) ટ્રમ્પ જેવો ‘સફેદ’ અને ‘સંપૂર્ણ અમેરિકન’ જ પાછી લાવી શકે છે. એ આશામાં જ અમેરિકનોએ ટ્રમ્પને સૂંડલામોઢે મત આપ્યા હતા. અલબત્ત, સત્તા કબજે કર્યા બાદનું ટ્રમ્પનું એક મુદ્દા પ્રત્યેનું વલણ અમેરિકાના એક મોટા વર્ગને પસંદ નથી પડ્યું અને એ છે એમના વહીવટીતંત્રમાં ભારતીય-અમેરિકનોની સામેલગીરી. ચાલો, મુદ્દો સહેજ વિસ્તારથી સમજીએ.
ટ્રમ્પના વહીવટીતંત્રમાં ભારતીય-અમેરિકનોની સંખ્યા
છેલ્લા થોડા વર્ષોથી ભારતીય-અમેરિકનો રાજકીય રીતે વધુને વધુ જાગૃત અને મહત્ત્વાકાંક્ષી બની રહ્યા છે, અને એની સાબિતી છે ટ્રમ્પ વહીવટીતત્રમાં સ્થાન મેળવનાર નામો. અમેરિકાની કોંગ્રેસના સભ્યોમાં અત્યારે પાંચ રાજનેતાઓ ભારતીય મૂળના છે. લગભગ 40 ભારતીય અમેરિકનોએ રાજ્યની વિધાનસભાઓમાં પ્રવેશ કર્યો છે. આ બાબતે અમેરિકામાં કોઈપણ એશિયન મૂળના જૂથ કરતાં ભારતીયોની સંખ્યા વધારે છે. વધુને વધુ ભારતીય-અમેરિકનો રાજકીય મુખ્ય પ્રવાહમાં સક્રિય થઈ રહ્યા છે.
ટ્રમ્પના રાજમાં ભારતીય-અમેરિકનોનું શું છે સ્થાન?
ટ્રમ્પના નજીકના સહયોગીઓમાં વિવેક રામાસ્વામી, શ્રીરામ ક્રિષ્નન, કાશ પટેલ જેવા ભારતીય મૂળના અમેરિકનોનો સમાવેશ થાય છે. ટ્રમ્પે સૌની ભરતી લાયકાતને આધારે જ કરી છે, પણ શ્વેત અમેરિકનોના મોટા ‘ઝેનોફોબિક’ (વિદેશીઓને નફરત કરનારા) વર્ગને આ બિન-શ્વેતોનો વ્હાઇટ હાઉસમાં થયેલો પગપેસારો ખૂંચી રહ્યો છે.
આ પણ વાંચો : PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત, ભારત-અમેરિકાના સંબંધો પર થઈ ચર્ચા
સૌથી વધુ શિક્ષિત અને સમૃદ્ધ જૂથ ભારતીયોનું છે
અમેરિકામાં જે એશિયન વસ્તી છે એનો 20 % હિસ્સો ભારતીયોનો છે. આ મુદ્દે ભારત ચીન પછી બીજા ક્રમે આવે છે, પણ 54 લાખની સંખ્યા ધરાવતો ભારતીય સમુદાય અમેરિકાનો સૌથી વધુ શિક્ષિત અને સમૃદ્ધ વંશીય સમુદાય છે. ભારતીયો વધુ કમાય છે, વધુ બચત કરે છે અને વધુ સમૃદ્ધ થાય છે એ બાબત અમેરિકનોને અગાઉ પણ ખૂંચતી હતી. પણ હવે અમેરિકન રાજકારણમાં ભારતીયોના નામના સિક્કા પડવા લાગતાં અમેરિકનો આકુળ-વ્યાકુળ થવા લાગ્યા છે અને પ્રગટપણે વિરોધ નોંધાવવા લાગ્યા છે.
X પર વિવેક રામાસ્વામી વિશે ઘસાતું લખાયું અને…
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મરિના મેડવિન નામની એક રૂઢિચુસ્ત અમેરિકન વકીલે 21 જાન્યુઆરી, 2025ના રોજ મૂકેલી પોસ્ટમાં લખ્યું હતું કે, ‘હું વિવેક રામાસ્વામીને જરાય સહન નથી કરી શકતી. એનો દેખાવ, એની બોલવાની રીત, એનો ચહેરો, એના ઉચ્ચારણ બધું જ મને નાપસંદ છે. એને વોશિંગ્ટન ડીસીમાંથી બહાર કાઢી મૂકવો જોઈએ.’
શ્વેત અમેરિકનો આ પોસ્ટ પર સહમતિ જતાવવા લાગી ગયા અને એમનું ‘જાતિવાદી અમેરિકન માનસ’ છતું થઈ ગયું. ઘણા લોકોએ એ પોસ્ટના કમેન્ટ સેક્શનમાં વિવેક જેવા બીજા ભારતીય-અમેરિકનોને પણ એમને અપાયેલા પદો પરથી દૂર કરવાની માંગ કરી નાંખી છે.
આ પણ વાંચો : બસ એક ગોળીની જરૂર છે...' ટ્રમ્પને જાનથી મારી નાખવાની ધમકી આપનારો પોલીસના સકંજામાં
રામાસ્વામીના અપ્રિય થવામાં કારણભૂત છે એમની પોસ્ટ
26 ડિસેમ્બરના રોજ વિવેકે X પર એક પોસ્ટ મૂકી હતી જેનો સાર કંઈક એવો હતો કે, અમેરિકાની ટોચની ટેક કંપનીઓ મોટાભાગે ‘મૂળ’ અમેરિકનોને બદલે વિદેશીઓને (ખાસ કરીને ભારતીયોને) નોકરી આપે છે, કેમ કે ભારતીયો એમના સાંસ્કૃતિક બેકગ્રાઉન્ડને કારણે વધુ કાર્યક્ષમ છે. જે (અમેરિકન) સંસ્કૃતિ ગણિતના ઓલિમ્પિયાડ ચેમ્પિયનની સરાહના કરવાને બદલે પ્રોમ ક્વીન(હાઇસ્કૂલના પ્રોમ કાર્યક્રમમાં ‘ક્વીન’ બનતી છોકરી)ને વધારે મહત્ત્વ આપે છે, એ ઉત્તમ એન્જિનિયરો ક્યાંથી પેદા કરશે?
રામાસ્વામી પર પડી પસ્તાળ
વિવેકની ઉપરોક્ત પોસ્ટ વાયરલ થઈ ગઈ હતી. અમેરિકનોને એ પોસ્ટ અપમાનજનક લાગી હતી. તેમને લાગ્યું હતું કે વિવેકે અમેરિકનોને 'આળસુ, મહત્ત્વાકાંક્ષા વિનાના અને રખડેલ’ કહ્યા છે, જેને લીધે ‘તેઓ પોતે જ મૂળ અમેરિકન છે અને અમેરિકા પર તેમનો જ હક સૌથી વધુ છે’ એવું માનનારો શ્વેત અમેરિકનોનો વર્ગ વિવેક અને એમના જેવા અન્ય જાણીતા ભારતીય-અમેરિકનો વિશે એલફેલ કમેન્ટ કરવા લાગ્યો હતો.
આ પણ વાંચો : ઘૂસણખોરોને શોધવા અમેરિકાના ગુરુદ્વારાઓમાં પણ સર્ચ ઓપરેશન, શીખ સંગઠનોમાં ભારે નારાજગી
અગાઉ પણ આવી વાતો થઈ ચૂકી છે, છતાં…
એ હકીકત તો અમેરિકન નિષ્ણાતો પણ સ્વીકારે છે કે અમેરિકાની નવી પેઢી આળસુ છે, એમનામાં મહત્ત્વાકાંક્ષા ઓછી છે, અને એ જ કારણોસર તેમને સારી કંપનીઓમાં ઉચ્ચપદે નોકરી નથી મળતી. આ મુદ્દે અમેરિકન નિષ્ણાતો ભૂતકાળમાં એમના દેશવાસીઓને ટપારી પણ ચૂક્યા છે, પણ એનો કોઈએ વિરોધ નહોતો નોંધાવ્યો. પણ, વિવેક રામાસ્વામી ભારતીય મૂળના હોવાથી એમનો વિરોધ થયો, એમ કહીને કે એક શ્યામ ત્વચાવાળો આદમી કઈ રીતે ગોરી ત્વચાવાળા અમેરિકનોને નીચાજોણું કરાવી શકે?!
અમેરિકન નાગરિક હોવા છતાં અળખામણા થયા
નિષ્ણાતો એમ પણ કહે છે કે, વિવેકના કહેવાનું ખોટું અર્થઘટન કરાયું છે, તેમણે એક દેશભક્ત અમેરિકન નાગરિક તરીકે અમેરિકાની નવી પેઢીને જાગૃત કરવા માટે કઠોર શબ્દો વાપર્યા હતા. વિવેક પોતે હિન્દુ હોવા છતાં પણ પોતાને ભારતીય નહીં બલ્કે અમેરિકન તરીકે જ ઓળખાવે છે. અલબત્ત, મૂળ અમેરિકનોને એ જ નથી ગમતું કે કોઈ બિનગોરો એમને ઉપદેશ આપી જાય. આ મુદ્દામાં જાતિવાદની ગંધ અને અમેરિકનોનું બેવડું વલણ સ્પષ્ટ વર્તાય છે. ટ્રમ્પ પ્રત્યેની વિવેકની વફાદારી પણ આ કારણસર અમેરિકનોના મનમાંથી ધોવાઈ ગઈ છે. તેથી હવે એમને ગવર્નર બનવામાં કેવી સફળતા મળશે, એ જોવું રસપ્રદ રહેશે.
મસ્ક સાથેનો અણબનાવ પણ રામાસ્વામીને નડ્યો
અમેરિકાનો વહીવટીખર્ચ ઘટાડવા માટે ટ્રમ્પે ‘ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’(DOGE)ની રચના કરાવીને એનું સુકાન વિવેક રામાસ્વામી અને ઇલોન મસ્કને સોંપ્યું હતું. અલબત્ત, ઓહાયો રાજ્યના ગવર્નર બનવા માટે વિવેકે હવે DOGEની જવાબદારી છોડી દીધી છે. ટ્રમ્પને બેહિસાબ ટેકો આપનાર ‘શ્વેત દેશભક્ત’ મસ્ક સાથેનો ‘બિન-શ્વેત’ વિવેકનો અણબનાવ પણ અમેરિકનોને ખટક્યો છે. વિવેક પ્રત્યે વધી રહેલા અણગમામાં આ કારણ પણ જવાબદાર છે.
ઉષા વેન્સ અકારણ અમેરિકનોની ઝપટે ચઢી ગયા
ટ્રમ્પના શપથ સમારોહમાં જેડી વાન્સે અમેરિકાના ઉપપ્રમુખ તરીકે શપથ લીધા હતા. વાન્સના પત્ની ઉષા હિન્દુ ધર્મને અનુસરે છે. વાન્સ દંપતિને નિશાન બનાવીને જુલાઈ, 2024 માં એક અનામી X એકાઉન્ટ પર એવી પોસ્ટ મૂકાઈ હતી કે, ‘જેડી વાન્સ કેવા અમેરિકન છે જે બિન-શ્વેત, બિન-ખ્રિસ્તી સ્ત્રીને પરણ્યા છે! જેડી વાન્સ પોતાની વંશીય ઓળખને, પોતાના અમેરિકન વારસાને મહત્ત્વ નથી આપતા, તેથી જ તેમણે એવી સ્ત્રી સાથે લગ્ન કર્યા છે જે અમેરિકા રહીને પણ આપણા ધર્મને નથી અનુસરતી. આવા ગંધાતા ભારતીયો વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરશે તો એમના ભેગી ગાયને પણ હાઉસમાં લઈ આવશે!’
રૂઢિચુસ્ત શ્વેત અમેરિકનોએ ઉપરોક્ત પોસ્ટનું પણ પૂરજોર સમર્થન કર્યું હતું, જે તેમની રંગભેદી-જાતિવાદી માનસિકતાનું એક વધુ ઉદાહરણ પૂરું પાડે છે.
મેલેનિયાનો ભૂતકાળ નથી નડતો, ઉષાનો રંગ કનડે છે!
ઉષા વાન્સના વિરોધને મુદ્દે અમેરિકન મીડિયામાં ઉષા અને ટ્રમ્પના પત્ની મેલેનિયા વચ્ચે સરખામણી થવા લાગી હતી. ઉષા કેલિફોર્નિયાના જન્મેલા અમેરિકન નાગરિક છે, ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા કુશળ વકીલ છે. સામે છેડે, મેલેનિયા અમેરિકામાં નહોતા જન્મ્યા. તેઓ 1996માં સ્લોવેનિયા(તે સમયે યુગોસ્લાવિયાનો એક ભાગ)થી અમેરિકા આવ્યા હતા. તેમણે ફેશન મોડેલિંગમાં કારકિર્દી બનાવી હતી. ટેબલોઇડ્સ(અડધિયાં અખબારો)માં તેમની ચીથરાં જેવા વસ્ત્રો પહેરેલી અર્ધનગ્ન તસવીરો છપાતી હતી. છતાં અમેરિકનોને મેલેનિયાનો એ ભૂતકાળ કદી નડ્યો નથી, તેમણે એમનો ક્યારેય વિરોધ નથી કર્યો, કેમ કે તેઓ શ્વેત છે. એમના કરતાં ‘વધુ અમેરિકન’ હોવા છતાં ઉષાનો વિરોધ થાય છે. આ બાબત પણ અમેરિકનોના બેવડા ધોરણો અને છીછરી માનસિકતા દર્શાવે છે.
શ્વેત અમેરિકનોનો સૂર કંઈક આવો છે
ભારતીયો અમેરિકામાં રહીને ભલે વધુ કાર્યક્ષમતા દેખાડે અને સમૃદ્ધ બને, પણ MAGA ચળવળમાં એમનું કોઈ કામ નથી, અમેરિકાના રાજકારણમાં એમને ઉચ્ચ હોદ્દા નહીં મળવા જોઈએ, એવો સૂર શ્વેત અમેરિકનો સીધી કે આડકતરી રીતે કરી રહ્યા છે. અમેરિકામાં રાજકારણની રાહ આસાન બને એ માટે બોબી જિંદાલ અને નિક્કી હેલી જેવાએ તો હિન્દુત્વ છોડીને ખ્રિસ્તી ઓળખ અપનાવી લીધી છે. વિવેકે પોતાની હિંદુ ઓળખ ન છોડી, એમાં અમેરિકનોના રોષનો ભોગ બની ગયા. વિવેકનો કિસ્સો અમેરિકન રાજકારણમાં આગળ વધવા માંગતા ભારતીયો માટે લાલબત્તી સમાન છે.
હિન્દુફોબિક વર્ગ વધી રહ્યો છે
અમેરિકામાં હિન્દુફોબિક વર્ગ વધી રહ્યો છે. એવા અમેરિકનો ભારતીયો સામેના વંશીય પૂર્વગ્રહનું પ્રદર્શન છાશવારે કરતા રહે છે. એને લીધે જ તેઓ ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિનું સમર્થન ખુલીને કરે છે. ભારતીયો તેમની નોકરી ખાઈ જતાં હોવાના વિચારે જ અમેરિકામાં અવારનવાર ભારતીયો પર શારીરિક હુમલા થતા રહે છે.
આ મુદ્દે ટ્રમ્પ શું પગલું લેશે?
અમેરિકાના અર્થતંત્રમાં ભારતીયોના કૌશલનું પ્રદાન સૌ જાણે છે. અમેરિકાને ભારતીય ભણેશ્રીઓ વિના ચાલવાનું નથી. તેથી ડોનાલ્ડ ટ્રમ્પ ઉચ્ચ કુશળતા ધરાવતા ભારતીયોને તો તગેડી નહીં જ શકે. અલબત્ત, શ્વેત અમેરિકનોને ખુશ કરવા માટે તેઓ ભારતીયો લાયક હોવા છતાં એમને પોતાના વહીવટીતંત્રમાં ઉચ્ચ પદે લાંબો સમય ન રાખે, એવું બની શકે. પણ, ટ્રમ્પ માટે ભારતીયો પર સદંતર ચોકડી મૂકવું શક્ય તો નથી જ.