અમેરિકામાં ગર્ભપાત પર શું છે કાયદો? ચૂંટણીમાં બન્યો સૌથી મોટો મુદ્દો, ટ્રમ્પના વલણથી વિમુખ થઈ શકે છે મહિલાઓ
US Presidential Election : અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે થયેલી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં મુખ્ય મુદ્દામાંથી એક ગર્ભપાતનો પણ રહ્યો. આ મુદ્દે કમલા હેરિસ અને ટ્રમ્પની વચ્ચે જોરદાર ચર્ચા થઈ હતી. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે, જો કમલા હેરિસ રાષ્ટ્રપતિ બનશે તો ગર્ભપાતનો નિયમ બદલી દેશે. આખરે અમેરિકામાં ગર્ભપાતને લઈને શું કાયદો છે અને ચૂંટણી પહેલાં તેના પર ચર્ચા કેમ થઈ રહી છે?
કેમ ચગ્યો ગર્ભપાતનો મુદ્દો?
સૌથી પહેલાં જાણીએ કે, પ્રેસિડેન્શિયલ ડિબેટમાં આ મુદ્દો કેમ ચગ્યો? ચર્ચા દરમિયાન બંને ઉમેદવારોને ગર્ભપાતના કાયદાને લઈને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. ટ્રમ્પે ડિબેટ દરમિયાન કમલા હેરિસ પર આરોપ લગાવતા કહ્યું કે, કમલા હેરિસ રાષ્ટ્રપતિ બનશે તો ગર્ભપાતના કાયદાને બદલી દેશે.
આ પણ વાંચોઃ VIDEO: ઈઝરાયલની વધુ એક એરસ્ટ્રાઈક, કમાન્ડો ઓપરેશન કરવા સેના સીરિયામાં ઘૂસી, ઈરાન લાલઘૂમ
પોતાના જ નિવેદનથી પલટી ગયાં ટ્રમ્પ
જોકે, જ્યારે ટ્રમ્પને પુછવામાં આવ્યું કે, 6 મહિને ગર્ભપાતની અનુમતિને લઈને તે પોતાના જ નિવેદનથી કેમ પલટી ગયાં? જેના પર ટ્રમ્પે કહ્યું કે, 'ડેમોક્રિટિક પાર્ટી નવમાં મહિને ગર્ભપાતની પરવાનગી આપવા ઈચ્છે છે. વર્નીનિયાના ગવર્નરનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં કહ્યું હતું કે, બાળક પેદા થયા બાદ જોયું જશે કે તેનું શું કરવું છે, જરૂર પડશે તો તેને મારી નાંખશું. આવા નિવેદનો પછી મને મારૂ નિવેદન બદલવું પડ્યું.' જેના પર કમલા હેરિસે કહ્યું કે, 'ટ્રમ્પ નહીં જણાવે કે, મહિલાઓએ પોતાના શરીર સાથે શું કરવું જોઈએ. '
બે વર્ષ પહેલાં સુધી આખા અમેરિકામાં ગર્ભપાતને લઈને એક જેવા કાયદા હતાં. જ્યાં ગર્ભપાતનો અધિકાર આપવામાં આવ્યો હતો. 1973 માં અમેરિકન સુપ્રીમ કોર્ટે રો VS વેડ ના કેસમાં ચુકાદો આપતા મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપ્યો હતો. જોકે, મહિલાઓ 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવી શકતી હતી. જૂન 2022 માં સુપ્રીમ કોર્ટે પોતાના જૂના નિર્ણયને બદલી દીધો. કોર્ટે કહ્યું કે, રાજ્ય પોત પોતાની રીતે ગર્ભપાત પર કાયદો બનાવી શકે છે.
અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ કાયદો
હાલ અમેરિકાના અલગ-અલગ રાજ્યમાં ગર્ભપાતને લઈને અલગ-અલગ કાયદા છે. અમુક રાજ્યોમાં ગર્ભપાત પર સંપૂર્ણ રીતે રોક લગાવવામાં આવી છે તો ક્યાંક તેને કાયદેસર માનવામાં આવે છે. અમેરિકામાં સાઉથ ડકોટા, ઓક્લાહામા, ટેનેસી, ઇહાડો, ઈન્ડિયાના, કેંટકી, મિસૂરી, ટેક્સાસ અને વેસ્ટ વર્જીનિયા એવા રાજ્ય છે, જ્યાં કોઈપણ પરિસ્થિતિમાં ગર્ભપાત કરાવી શકાતું નથી. ત્યાં સુધી કે, બળાત્કાર પીડિતાઓને પણ ઘણીવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમેરિકામાં 22 રાજ્ય છે, જ્યાં ગર્ભપાત પર સંપૂર્ણ અથવા આંશિક રૂપે પ્રતિબંધ છે.
આ રાજ્યોમાં શરતો સાથે ગર્ભપાતની મંજૂરી
અમેરિકામાં 8 એવા રાજ્ય છે, જ્યાં શરતોની સાથે ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે. જ્યોર્જિયા, આયોવા, સાઉથ કેરોલિના અને ફ્લોરિઝામાં 6 અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવામાં આવી છે. વળી, નેબ્રાસ્કા અને નોર્થ કેરોલિનામાં આ સીમા 12 અઠવાડિયા છે. આ સિવાય એરિઝોનામાં 15 અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવામાં આવી છે. યૂટા રાજ્યમાં મહિલાઓ 18 અઠવાડિયા સુધીમાં ગર્ભપાત કરાવી શકે છે.
આ રાજ્યોમાં છે ગર્ભપાતનો અધિકાર
અમેરિકાના 26 રાજ્યોમાં ગર્ભપાતને કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો છે. વોશિંગ્ટન ડીસી, કેલિફોર્નિયા, ન્યૂ જર્સી, ન્યૂયોર્ક, વર્જીનિયા, અલાસ્કા, ન્યૂ મેક્સિકો, વોશિંગ્ટન, મેસાચુએટ્સ, મિશિગન, મિનેસોટા, નેવાદા, ઓરેગન, કંસાસ, ન્યૂ હેમ્પશાયર, ઓહાયો, વિસ્કૉન્સિન, કોલોરાડો, કનેક્ટિકટ, ડેલાવેયર, હવાઈ, ઇલિનોઇસ, મેન, મેરીલેન્ડ, પેનસિલ્વેનિયા, રોડ આઇલેન્ડ અને વર્માઉન્ટમાં ગર્ભપાતને કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો છે. અહીં 22 થી 24 અઠવાડિયા સુધી મહિલાઓ ગર્ભપાત કરાવી શકે છે. અલાસ્કા, વોશિંગ્ટન ડીસી, કોલોરાડો, મિનેસોટા, ન્યૂ મેક્સિકો, ઓરેગન અને વર્માઉન્ટમાં આવી કોઈ સીમા નથી.