દલાઈ લામાના ઉત્તરાધિકારીની નિમણૂંકમાં પણ ચીનનો હવે ચંચૂપાત
Image Source: Twitter
બિજિંગ, તા. 11 નવેમ્બર 2023
બૌધ્ધ ધર્મગુરુ દલાઈ લામના ઉત્તરાધિકારીની નિમણૂંકમાં પણ ચીને હવે ખુલ્લેઆમ ચંચૂપાત શરુ કર્યો છે.
ચીને કહ્યુ છે કે, તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાના ઉત્તરાધિકારીની નિમણૂંક થશે તો તે દેશની અંદરથી જ થશે અને આ માટે ચીનની સરકારની મંજૂરી લેવી પડશે.
વર્તમાન દલાઈ લામા અત્યારે 88 વર્ષના છે અને નજીકના ભવિષ્યમાં તેમના ઉત્તરાધિકારીની નિમણૂંકની કવાયત શરુ થવાની શક્યતા છે. ચીને બીજી તરફ તિબેટને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાવીને દક્ષિણ એશિયાના પ્રવેશદ્વારનો દરજ્જો આપ્યો છે. ચીનની સરકારે પોતાના વ્હાઈટ પેપરમાં કહ્યુ છે કે, દલાઈ લામા તેમજ તેમના અનુયાયીઓએ ચીનમાંથી જ પોતાના ઉત્તરાધિકારીને શોધવો પડશે.
પોતાના વ્હાઈટ પેપરમાં ચીને ભારતના અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો હિસ્સા તરીકે પણ દર્શાવ્યો છે. ચીને કહ્યુ છે કે, ઉત્તરાધિકારી તરીકે નિમણૂંક કરતા પહેલા ચીનની પરવાનગ લેવી જરુરી છે. જાણકારોનુ આ બાબતે માનવુ છે કે, દલાઈ લામના ઉત્તરાધિકારી તરીકે પંચેન લામાને ચીન પસંદ કરી રહ્યુ છે પણ તિબેટના લોકોમાં તેમની વ્યાપક સ્વીકાર્યતા નથી.હાલમાં પંચેમ લામા નંબર ટુ આધ્યાત્મિક ગુરુ છે. જેમને દલાઈ લામાએ પસંદ કરેલા ઉત્તરાધિકારીને હટાવીને ચીને નિયુક્ત કર્યા છે.
ચીનની આ હરકતો અમેરિકાએ વિરોધ કર્યો છે અને કહ્યુ છે કે. બિજિંગે દલાઈ લામાના ઉત્તરાધિકારી પસંદ કરવાની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં.