નવા દલાઈ લામા પસંદગી તિબેટ કરશે કે ચીન?, જાણો ધર્મગુરુની પસંદગી કેવા કડક નિયમો હેઠળ થાય છે
Dalai Lama : ચીન વર્ષ 1950માં તિબેટને ગળી ગયું હતું, પણ તિબેટની પ્રજા આજે પણ પોતાને ચીનનો હિસ્સો માનવા તૈયાર નથી. તિબેટિયનોના આધ્યાત્મિક ગુરુ એવા 14મા દલાઈ લામાએ 1959માં ચીનના સામ્યવાદી શાસન સામે બળવો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ નિષ્ફળ જતાં તેઓ ભાગીને ભારત આવી ગયા હતા. ચીનની સ્પષ્ટ નારાજગી છતાં ભારતે તેમને શરણ આપી હતી. ત્યારથી દલાઈ લામા હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રહે છે અને તિબેટિયનોના અધિકારોનું આંદોલન ચાલુ રાખે છે.
6 જુલાઈ, 1935ના રોજ જન્મેલા વર્તમાન દલાઈ લામાની વય 90 વર્ષ થવા જઈ રહી છે ત્યારે તેમણે એમના ઉત્તરાધિકારી એટલે કે 15મા દલાઈ લામાની પસંદગીની પ્રક્રિયા શરુ કરી છે. જો કે, આ મુદ્દો વિવાદાસ્પદ છે કારણ કે, ચીને દલાઈ લામા પસંદગી પ્રક્રિયામાં હંમેશા હસ્તક્ષેપ કરતું આવ્યું છે.
દલાઈ લામાના નિવેદનથી ચીન ભડક્યું
પોતાના નવા પુસ્તક ‘વૉઈસ ફોર ધ વૉઈસલેસ’માં 14મા દલાઈ લામાએ લખ્યું છે કે, આગામી દલાઈ લામા ‘મુક્ત વિશ્વ’માં જન્મ લેશે. અહીં, મુક્ત વિશ્વ એટલે ચીનની સામ્યવાદી સરહદોની બહારનું વિશ્વ. દલાઈ લામાનું કહેવું છે કે મુક્ત વિશ્વમાં જન્મેલા દલાઈ લામા જ દયા અને સેવાની તિબેટિયન પરંપરાઓને નિષ્પક્ષ રીતે આગળ ધપાવી શકશે. ટૂંકમાં, તેમણે કહી દીધું છે કે તિબેટિયનોને સામ્યવાદના ઓછાયા ધરાવતા દલાઈ લામા મંજૂર નથી.
દલાઈ લામા સામે ચીનનું આક્રમક વલણ
દલાઈ લામાનું નિવેદન ચીન માટે સીધો પડકાર છે, કેમ કે ચીન વર્ષોથી કહેતું આવ્યું છે કે આગામી દલાઈ લામાની પસંદગી ચીન દ્વારા થશે. દલાઈ લામાના નિવેદનને ફગાવી દેતાં ચીનના વિદેશ મંત્રાલયે ભારપૂર્વક કહ્યું છે કે દલાઈ લામાના પુનર્જન્મને ચીનની મંજૂરી જોઈશે. દલાઈ લામાનો વંશ ચીનના તિબેટમાં વિકસ્યો છે અને તેમના ઉત્તરાધિકારીએ દેશના કાયદા અને પરંપરાઓનું પાલન કરવું પડશે.
દલાઈ લામાની પસંદગીની પ્રક્રિયા
દલાઈ લામાને ‘તુલકુ’ માનવામાં આવે છે, જે બોધિસત્વ અવલોકિતેશ્વરનો પુનર્જન્મ વંશ છે. તેમના અનુગામીની પસંદગીની પ્રક્રિયામાં અનેક આધ્યાત્મિક નિયમો છે. નવા દલાઈ લામાની શોધ માટે તિબેટિયન બૌદ્ધ સાધુઓ દૃષ્ટિકોણ, ચિહ્નો અને સપનાના અર્થઘટનનો આધાર લે છે.
અવિશ્વસનીય લાગે એવો એક સંકેત!
સૌથી પહેલાં વરિષ્ઠ સાધુઓ મૃત દલાઈ લામાના શરીરમાં સંકેત શોધવાની કોશિશ કરે છે. ઉદાહરણ તરીકે, 13મા દલાઈ લામાના મૃત્યુ પછી તેમને સૂવાડ્યા હતા. ત્યારે તેમનું માથું શરુઆતમાં દક્ષિણ દિશા તરફ હતું, પરંતુ પછી માથું પૂર્વ દિશા તરફ ફેરવાઈ ગયું હતું. એ ઘટનાને એક સંકેત તરીકે લઈને તેનું અર્થઘટન એવું કરવામાં આવ્યું કે દલાઈ લામાનો પુનર્જન્મ પૂર્વ દિશામાં થશે.
દલાઈ લામાની પરંપરાનો અંત લાવી દેવાશે?
દલાઈ લામા તો એમ પણ કહી ચૂક્યા છે કે, જો તિબેટિયન લોકો ‘દલાઈ લામા પરંપરા’નો અંત લાવવાનું નક્કી કરે તો પણ કોઈ વાંધો નથી. અલબત્ત, તિબેટીયનો આ પરંપરા ચાલુ રાખવા માંગે છે.
અમેરિકા કોના પક્ષે છે, ચીન કે તિબેટ?
દલાઈ લામાના ઉત્તરાધિકારીના પ્રશ્ને વૈશ્વિક નેતાઓ અને માનવ અધિકારોના હિમાયતીઓનું ધ્યાન ખેંચ્યું છે. આ મુદ્દે જગતજમાદાર અમેરિકા તિબેટને પક્ષે છે. અમેરિકાએ કહી દીધું છે કે, તે ચીન દ્વારા પસંદ કરાયેલા દલાઈ લામાને માન્યતા આપશે નહીં.
દલાઈ લામાએ પુસ્તકમાં ચીનને આપી ચેતવણી
દલાઈ લામાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, ‘ઇતિહાસ સાક્ષી છે કે કોઈપણ પ્રજાને લાંબો સમય માટે દમન કરીને તાબામાં રાખી શકાતી નથી. સત્તાધીશો જનતાને કાયમ માટે નાખુશ રાખશે તો સ્થિર સમાજનું નિર્માણ ક્યારેય નહીં થાય.’
પવિત્ર તળાવ સંકેત આપે છે
નવા દલાઈ લામાની ખોજ માટે વરિષ્ઠ સાધુઓ તિબેટના પવિત્ર ગણાતા ‘લામોઈ લાત્સો’ તળાવના દર્શન કરવા જાય છે. માનવામાં આવે છે કે આ તળાવ દલાઈ લામાના પુનર્જન્મના સ્થાન વિશે સંકેત આપે છે.
શ્રેણીબદ્ધ પરીક્ષણોની પરીક્ષા
એકવાર દલાઈ લામાના સંભવિત પુનર્જન્મની ઓળખ થઈ જાય પછી એ બાળકે શ્રેણીબદ્ધ પરીક્ષણોમાંથી પસાર થવું પડે છે. જેમાં તેને અગાઉના દલાઈ લામા દ્વારા વપરાયેલી ચીજ-વસ્તુઓને ઓળખવાનું કહેવાય છે. જો બાળક એમ કરવામાં સફળ થાય તો તેને નવા દલાઈ લામા તરીકે સ્વીકારી લેવામાં આવે છે.
આ પણ વાંચો : 'યુક્રેન સાથે સીઝફાયરમાં અડચણ પેદા કરશો તો તબાહી...', ડોનાલ્ડ ટ્રમ્પની પુતિનને ચેતવણી
ફક્ત બે વર્ષની વયે વરણી પામ્યા!
વર્તમાન દલાઈ લામાનો જન્મ ‘લામો ધોન્ડુપ’ તરીકે થયો હતો. તેમના પરીક્ષણ દરમિયાન તેમણે તેમના પુરોગામી દ્વારા ઉપયોગમાં લેવાતી ધાર્મિક વસ્તુઓને સચોટ રીતે ઓળખી બતાવી હતી. દલાઈ લામા ત્યારે ફક્ત બે વર્ષના હતા!
દલાઈ લામાની પસંદગીમાં ચીનની દખલગીરીના કારણ
ચીનનો દાવો છે કે દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગી ચીનની મંજૂરીથી જ થશે. ચીનની સામ્યવાદી પાર્ટી દલાઈ લામાને એક અલગતાવાદી તરીકે જુએ છે, તેથી તિબેટ પર પકડ જાળવી રાખવા માટે ચીન નવા દલાઈ લામાની પસંદગીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. નવા દલાઈ લામાને ચીન પોતાના કહ્યાગરા બનાવીને રાખવાની ગણતરી રાખી બેઠું છે.
ચીને કેમ છ વર્ષના બાળ-સાધુને ગાયબ કરી દીધા?
દલાઈ લામા પછી તિબેટના બીજા ક્રમની સર્વોચ્ચ આધ્યાત્મિક વ્યક્તિ ‘પંચેન લામા’ ગણાય છે, જેના પર ચીનનું નિયંત્રણ છે જ. વર્ષ 1995માં દલાઈ લામાએ છ વર્ષના છોકરા ‘ગેધુન ચોએકી ન્યિમા’ની નિમણૂક પંચેન લામા તરીકે કરી હતી, પણ ચીની સત્તાવાળાઓએ તેમનું અપહરણ કરી લીધું હતું અને તેમને સ્થાને પોતાના ઉમેદવાર ‘ગ્યાનકેઈન નોર્બુ’ને બેસાડી દીધા. ગેધુન ચોએકી ન્યામા ક્યાં ગુમ થઈ ગયા, એ આજ દિન સુધી રહસ્ય જ રહ્યું છે.
દલાઈ લામાએ ચીનનો પ્રભાવ ખાળવા આપ્યા સૂચન
ઉત્તરાધિકારીની પસંદગીમાં ચીનની દખલ રોકવા માટે દલાઈ લામાએ અમુક સૂચનો આપ્યા છે. તેમણે એવી શક્યતા વ્યક્ત કરી છે કે, તેઓ મૃત્યુ પહેલા જ પોતાના પુનર્જન્મની શોધ કરીને તેની જાહેરાત કરી દેશે, જેથી તેમના અવસાન બાદ નવા દલાઈ લામાને શોધવાની જરૂરિયાત જ ન રહે.
તો શું નવા દલાઈ લામા ભારતમાં જન્મશે?
દલાઈ લામાના મતે, ભારતમાં 100,000થી વધુ તિબેટિયન શરણાર્થી રહેતા હોવાથી નવા દલાઈ લામાનો જન્મ મોટેભાગે તો ભારતમાં જ થશે. તેમના આ નિવેદનને સમર્થન એટલા માટે આપવું રહ્યું, કેમ કે આજ સુધીના અનેક દલાઈ લામા તિબેટમાં નથી જન્મ્યા. ચોથા દલાઈ લામા ‘યોંટેન ગ્યાત્સો’નો જન્મ 1589માં મોંગોલિયામાં થયો હતો અને છઠ્ઠા દલાઈ લામા ‘ત્સાંગ્યાંગ ગ્યાત્સો’નો જન્મ 1682માં ભારતના અરુણાચલ પ્રદેશના તવાંગમાં થયો હતો.
દલાઈ લામા મહિલા પણ હોઈ શકે?
14 મા દલાઈ લામાએ તો એવું પણ કહ્યું છે જે આજ સુધી બન્યું નથી. બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, ‘નવા દલાઈ લામા એક મહિલા તરીકે જન્મે એવું પણ બની શકે.’ જો કે, પછી એમણે હળવી મજાક કરતાં કહ્યું હતું કે, ‘જો એમ થાય તો તેણી દેખાવે ખૂબ સુંદર હોય તો સારું કારણ કે સારો દેખાવ હશે તો દુનિયામાં બૌદ્ધ ઉપદેશોને ફેલાવવામાં મદદ મળશે.’
દલાઈ લામાની પસંદગીની રીત, આ વખતે કોઈ મહિલા તરીકે જન્મે તેવું બની શકે
‘વૉઇસ ફોર ધ વૉઇસલેસ’ નામના પુસ્તકમાં 14મા દલાઈ લામાએ લખ્યું છે કે, આગામી દલાઈ લામા ‘મુક્ત વિશ્વ’માં જન્મ લેશે. મુક્ત વિશ્વ એટલે ચીનની સામ્યવાદી સરહદોની બહારનું વિશ્વ. ચીને કહ્યું - દલાઈ લામાના પુનર્જન્મને ચીનની મંજૂરી જોઈશે. દલાઈ લામાનો વંશ ચીનના તિબેટમાં વિકસિત થયો છે અને તેમના ઉત્તરાધિકારીએ દેશના કાયદા અને પરંપરાઓનું પાલન કરવું પડશે.
દલાઈ લામાની પસંદગી કઈ રીતે કરવામાં આવે છે?
- નવા દલાઈ લામાની શોધ માટે તિબેટિયન બૌદ્ધ સાધુઓ દૃષ્ટિકોણ, ચિહ્નો અને સપનાના અર્થઘટનનો આધાર લે છે.
- સૌપ્રથમ વરિષ્ઠ સાધુઓ મૃત દલાઈ લામાના શરીરમાં સંકેત શોધવાના પ્રયાસ કરે છે.
- એ પછી વરિષ્ઠ સાધુઓ તિબેટમાં આવેલા પવિત્ર ગણાતા 'લામોઈ લાત્સો' તળાવના દર્શન કરવા જાય છે. એવું મનાય છે કે આ તળાવ દલાઈ લામાના પુનર્જન્મના સ્થાન વિશે સંકેત આપે છે.
- દલાઈ લામાના સંભવિત પુનર્જન્મ જેવા લાગતા બાળકે શ્રેણીબદ્ધ પરીક્ષણોમાંથી પસાર થવું પડે છે. જેમાં તેને અગાઉના દલાઈ લામા દ્વારા વપરાયેલી ચીજ-વસ્તુઓને ઓળખવાનું કહેવામાં આવે છે. જો બાળક એમ કરવામાં સફળ થાય તો તેને નવા દલાઈ લામા તરીકે સ્વીકારી લેવામાં આવે છે.
- વર્તમાન દલાઈ લામા ફક્ત બે વર્ષની વયે આ રીતના પરીક્ષણોમાં પાસ થઈને વરણી પામ્યા હતા.
- છઠ્ઠા દલાઈ લામા ‘ત્સાંગ્યાંગ ગ્યાત્સો’નો જન્મ 1682માં ભારતના અરુણાચલ પ્રદેશના તવાંગમાં થયો હતો. 15 મા દલાઈ લામાનો જન્મ પણ ભારતમાં થવાની શક્યતા છે.
- નવા દલાઈ લામા એક મહિલા તરીકે જન્મે એવું પણ બની શકે.
- ચીન દ્વારા પસંદ કરાયેલા દલાઈ લામાને માન્યતા આપવાનો અમેરિકાનો ઇન્કાર.