USથી દુઃખદ સમાચાર, બેફામ ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, અન્ય ઘટનામાં 600 રાઉન્ડ ફાયરિંગ
એકથી વધુ સ્થળોએ ફાયરિંગની ઘટનામાં અનેક લોકો ઘાયલ થયાની માહિતી
America Firing News | અમેરિકા ફરી એકવાર ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયું છે. એક પછી એક ફાયરિંગની ઘટનાઓને કારણે દુનિયા સમક્ષ તેનું માથું નમી ગયું છે અને લોકો અમેરિકા જતાં ડરવા લાગ્યા છે. તાજેતરની ઘટના અનુસાર અરકન્સાસમાં એક કરિયાણા સ્ટોરને નિશાન બનાવી ફાયરિંગ કરવામાં આવતા 14 લોકોને ગોળી વાગી હતી જેમાં 11 જેટલાં સ્થાનિક નાગરિકો હતા. તેમાં દસારી ગોપી ક્રિશ્ના નામના ભારતીય યુવકનું મોત નીપજ્યું હતું. તે આંધ્રપ્રદેશનો રહેવાશી હતો. આ હુમલામાં લગભગ 4 લોકો મૃત્યુ પામી ગયા હતા. જ્યારે બીજી બાજુ અમેરિકન રાજ્ય અલબામાની રાજધાની મોન્ટગોમેરીમાં પાર્ટી દરમિયાન અંધાધૂંધ ગોળીબારમાં 9 લોકો ઘાયલ થયાની માહિતી સામે આવી છે. અહીં 600 થી વધુ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેના પછી સર્જાયેલી અરાજકતામાં અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા.
એક પછી એક ગોળીબારની ઘટનાઓ
આ સિવાય ઓહાયો રાજ્યની રાજધાની કોલંબસમાં એક શકમંદે અંધાધૂંધ ગોળીબાર કરીને 10 લોકોને ઘાયલ કર્યા હતા. ન્યૂયોર્કના રોચેસ્ટર વિસ્તારના એક પાર્કમાં ગોળીબારની ઘટનામાં છ લોકો ઘાયલ થયા છે. જ્યારે અરકન્સાસની ઘટનામાં ભારતીય ગોપી ક્રિશ્ના સહિત શર્લી ટેલર, રોય સ્ટરગિસ, એલન શેરમ, કેલી વીમ્સનું મોત નીપજ્યું હતું. અહીં ટ્રેવિસ યુજેન નામના શકમંદે હુમલો કર્યાનો પોલીસે દાવો કર્યો છે.
મોન્ટગોમેરીમાં પાર્ટીમાં 600 થી વધુ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો
બીજી બાજુ મોન્ટગોમેરીના મેયર સ્ટીવન એલ. રીડે ફાયરિંગની ઘટના વિશે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસ અને પેરામેડિક્સે રવિવારે સવારે 1:30 વાગ્યાની આસપાસ ગોળીબારની માહિતી મળતાં કાર્યવાહી કરી હતી. રવિવારની મધ્યરાત્રિની આસપાસ લોકોની ભીડ ધરાવતી પાર્ટી પર 600 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું.