પેજર બોમ્બ કોણે બનાવ્યા? ઈઝરાયલ કે કોઈ અન્ય દેશ, જાણો કોણ છે ભયાનક હુમલાનો માસ્ટરમાઇન્ડ
Image : Twitter |
Lebanon Pagers Blast : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે આ વચ્ચે લેબનોનમાં મંગળવારે હિઝબુલ્લાહના આતંકવાદીઓના પેજર્સમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થતાં 9 લોકોના મોત થયા છે. લગભગ એક કલાક સુધી પેજરમાં બ્લાસ્ટ થતા રહ્યા હતા. જો કે, હજુ મૃતકોનો આંક વધવાની શક્યતા છે. આ હુમલામાં 3,000થી વધુ લોકો ઘાયલ થયા છે. લેબનોન સરકારે આ હુમલા પાછળ ઈઝરાયેલનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે. લેબનોનમાં એક સાથે પેજરના શ્રેણીબદ્ધ વિસ્ફોટની આ ઘટના સંભવત: વિશ્વની પહેલી ઘટના છે. સીરિયામાં પણ આ જ પ્રકારના વિસ્ફોટમાં 7 લોકોના મોત થયા છે. હવે સવાલ એ થાય છે કે, આ મોટા હુમલાનો માસ્ટર માઇન્ડ કોણ છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈઝરાયેલી ગુપ્ત એજન્સી મોસાદે પાંચ મહિના પહેલાં જ પેજરમાં વિસ્ફોટક ફીટ કરી દીધા હતા. હવે આવી સ્થિતિમાં તાઇવાનની કંપનીની ભૂમિકા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે ઈઝરાયેલે હિઝબુલ્લાહ વિરુદ્ધ મોસાદના ગુપ્ત ઑપરેશન હેઠળ આ પેજર્સમાં વિસ્ફોટકો ફીટ કરી દીધા હતા. હિઝબુલ્લાહે તાઇવાનની 'Gold Apollo' નામની કંપનીને લગભગ 3000 પેજરનો ઑર્ડર આપ્યો હતો. પરંતુ આ પેજરો લેબનોન પહોંચે તે પહેલા જ તેની સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ પેજર આ વર્ષે એપ્રિલ અને મે વચ્ચે તાઈવાનથી લેબનોન મોકલવામાં આવ્યા હતા. તેનાથી લાગે છે કે આ હુમલાના ષડયંત્રને ઘણા મહિનાઓ પહેલા જ અંજામ આપી દેવામાં આવ્યો હતો.
અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે, આ પેજર તાઈવાનની કંપનીના AP924 મોડલના હતા. પેજરનો જે જથ્થો તાઈવાનથી લેબનોન મોકલવામાં આવ્યો હતો તેમાં દરેક પેજર પર એક થી બે ઔંસ વિસ્ફોટક લગાવવામાં આવ્યો હતો. આ વિસ્ફોટકને પેજરમાં લાગેલી બેટરીની બાજુમાં લગાવવામાં આવ્યો હતો. અહેવાલ પ્રમાણે લેબનોનમાં બપોરે 3:30 વાગ્યે આ પેજર્સ પર એક મેસેજ આવ્યો હતો. આ મેસેજે પેજરમાં લાગેલા વિસ્ફોટને એક્ટિવ કરી દીધા.
દાવો કરવામાં આવી રહ્યો છે કે, પેજર ડિવાઇસોમાં વિસ્ફોટ પહેલા સેંકડો સુધી બીપનો અવાજ સંભળાયો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હકીકતમાં મોસાદે પેજરની અંદર એક નાનું બોર્ડ ઇન્જેક્ટ કર્યું હતું, જેમાં વિસ્ફોટક હતા. આ વિસ્ફોટકને કોઈ ડિવાઇસ કે, સ્કેનરથી ડિકેક્ટ કરવું ખૂબ મુશ્કેલ છે.
મોસાદે પેજરમાં લગાવ્યો હતો PETN વિસ્ફોટક
ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદે હિઝબુલ્લાહના પેજરની અંદર PETN ફીટ કર્યું હતું. વાસ્તવમાં આ એક પ્રકારનો વિસ્ફોટક છે જેને પેજરની બેટરીમાં લગાવવામાં આવ્યો હતો. આ પેજર્સમાં બેટરીનું તાપમાન વધારીને વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આ વિસ્ફોટકનું વજન 20 ગ્રામથી પણ ઓછું હતું.
હુમલા બાદ તાઈવાનની કંપની રડાર પર
આ હુમલા બાદ રડાર પર આવેલી તાઈવાનની ગોલ્ડ અપોલો પાર્ટીના ફાઉન્ડર અને ચેરમેન સુ ચિંગ કુઆંગ (Hsu Ching Kuang)એ કહ્યું છે કે અમારી કંપનીએ આ પેજર્સ નથી બનાવ્યા. આ પેજર્સ યુરોપિયન કંપની દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ કંપની પાસે અમારી કંપનીની બ્રાન્ડનો ઉપયોગ કરવાનો અધિકાર છે.
મોસાદે અગાઉ પણ આ પ્રકારનો હુમલો કર્યો છે
ઈઝરાયેલે અગાઉ પણ આ પ્રકારનો હુમલો કર્યો હતો. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા ગુપ્તચર વિશ્લેષક ડેવિડ કેનેડીએ જણાવ્યું કે, ઈઝરાયલે 1996માં હમાસના નેતા યાહયા અયાશની હત્યા કરવા માટે તેમના ફોનમાં 15 ગ્રામ આરડીએક્સ વિસ્ફોટક પ્લાન્ટ કર્યો હતો. આ ડિવાઇસમાં એ સમયે વિસ્ફોટ થયો જ્યારે તેમણે તેમના પિતાને ફોન કર્યો.