અમેરિકાના ખોટા ખર્ચ અટકાવવાની જવાબદારી ભારતીય મૂળના વ્યક્તિને અપાઈ, જાણો કોણ છે વિવેક રામાસ્વામી
Vivek Ramaswamy: અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં જીત મેળવનાર ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ 2025માં 20 જાન્યુઆરીએ ફરી એકવાર પ્રમુખ તરીકે શપથ લેશે. તેમણે પોતાની સરકારને અસરકારક અને કાર્યક્ષમ બનાવવા માટે અત્યારથીજ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. જેમાં ટ્રમ્પે હવે ભારતીય-અમેરિકન વિવેક રામાસ્વામીને તેમની કેબિનેટમાં મહત્વની જવાબદારી સોંપી છે. 37 વર્ષીય વિવેક રામાસ્વામી ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DoGE) વિભાગના વડા તરીકે જવાબદારી સંભાળશે.
DOGE will soon begin crowdsourcing examples of government waste, fraud, & and abuse. Americans voted for drastic government reform & they deserve to be part of fixing it. https://t.co/iRXmgT6ZuQ
— Vivek Ramaswamy (@VivekGRamaswamy) November 13, 2024
આ વર્ષે ચૂંટણીની રેસમાં ઉતર્યા હતા
ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામી પ્રમુખપદની ચૂંટણી લડવાનું નક્કી કરનાર પ્રથમ વ્યક્તિ હતા. તેમણે રિપબ્લિકન પાર્ટીથી ઉમેદવારી નોંધાવી હતી. બાદમાં, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા અને લીડને જોઈને, રામાસ્વામીએ ખુલ્લેઆમ તેમનું સમર્થન કર્યું. આખરે જનતાએ ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા છે.
કોણ છે વિવેક રામાસ્વામી?
તેમનું પૂરું નામ વિવેક ગણપતિ રામાસ્વામી છે. વિવેકનો જન્મ 9 ઓગસ્ટ, 1985ના રોજ દક્ષિણ પશ્ચિમ ઓહિયોના સિનસિનાટીમાં થયો હતો. વિવેક રામાસ્વામી અમેરિકન રાજકારણી અને ઉદ્યોગસાહસિક છે. તેમણે 2014 માં ફાર્માસ્યુટિકલ કંપની રોઇવન્ટ સાયન્સની સ્થાપના કરી. ફેબ્રુઆરી 2023 માં, રામાસ્વામીએ 2024 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીમાં પોતાની ઉમેદવારીની જાહેરાત કરી.
રામાસ્વામીના માતા-પિતા અને ભારત સાથે સંબંધ
વિવેક રામાસ્વામીના પિતા વી.ગણપતિ રામાસ્વામી મૂળ પલક્કડ, કેરળના છે. કેરળની સ્થાનિક કોલેજમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેમના પિતા વી.જી. રામાસ્વામીએ ઓહાયોના ઈવેન્ડેલમાં જનરલ ઇલેક્ટ્રિક પ્લાન્ટમાં કામનું શરુ કર્યું હતું. વિવેકની માતા સિનસિનાટીમાં મનોચિકિત્સક હતા. તેમના પત્ની અપૂર્વા તિવારી રામાસ્વામી ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી વેક્સનર મેડિકલ સેન્ટરમાં ડૉક્ટર છે.
રામાસ્વામીના શિક્ષણ પર એક નજર
રામાસ્વામીએ પ્રારંભિક શિક્ષણ સિનસિનાટીની સેન્ટ ઝેવિયર હાઈસ્કૂલમાંથી મેળવ્યું હતું. તેમજ તેમણે ઉચ્ચ શિક્ષણ હાર્વર્ડ અને યેલ લો સ્કૂલમાંથી લીધું છે. રામાસ્વામીએ હાર્વર્ડમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી અને યેલ ખાતે કાયદાની ડિગ્રી મેળવી. કોલેજમાં બાયોલોજીનો અભ્યાસ પણ કર્યો હતો.
આ ઉદ્યોગસાહસિક પાસે કેટલી સંપત્તિ છે?
જાન્યુઆરી 2024 માં, ફોર્બ્સે રામાસ્વામીની કુલ સંપત્તિ $960 મિલિયન કરતાં વધુ હોવાનો અંદાજ મૂક્યો હતો. તેમની સંપત્તિ બાયોટેક અને નાણાકીય વ્યવસાયોમાંથી આવે છે.
બાયોટેક બિઝનેસમાં છે જાણીતો ચહેરો
વિવેક રામાસ્વામી બાયોટેક બિઝનેસમાં જાણીતો ચહેરો છે. તેઓ દવાઓ બનાવે છે અને બાયોટેક કંપની રોઇવન્ટ સાયન્સ ચલાવે છે. તેમણે 2016માં સૌથી મોટી બાયોટેકનોલોજી ફર્મ Myovant Sciencesની સ્થાપના કરી છે. એપ્રિલમાં કંપનીની રચના કર્યા પછી, તેણે પ્રોસ્ટેટ કેન્સરની દવા અને સ્ત્રી વંધ્યત્વની દવા માટે ટાકેડા ફાર્માસ્યુટિકલ્સ સાથે કરાર કર્યો હતો.
વિવેક રામાસ્વામી બાયોફાર્મા સ્પેસમાં માયોવન્ટ સાયન્સ, યુરોવન્ટ સાયન્સ, એંજિવન્ટ થેરાપ્યુટિક્સ, અલ્ટાવન્ટ સાયન્સ અને સ્પિરોવન્ટ સાયન્સ જેવી કંપનીઓના સ્થાપક પણ છે.
સેકન્ડ જનરેશન ઇન્ડિયન અમેરિકન રામાસ્વામીએ બહુ ઓછા સમયમાં બાયોટેક ફિલ્ડમાં પોતાનું નામ બનાવ્યું છે. તેમને 2015 માં ફોર્બ્સ મેગેઝિનના કવર પેજ પર સ્થાન મળ્યું હતું. તેમજ ફોર્બ્સ મેગેઝિન અનુસાર, 2014માં વિવેક 30 વર્ષથી ઓછી વયના ધનિક ઉદ્યોગસાહસિકોમાં 30મા ક્રમે હતા. 2016 માં, તે 40 વર્ષથી ઓછી ઉંમરના 24મા સૌથી ધનિક ઉદ્યોગસાહસિકમાં સ્થાન ધરાવે છે.