દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફાના માલિક કોણ છે? નિર્માણમાં રાષ્ટ્રપતિએ કરી હતી આર્થિક મદદ
ઇમારત
Burj Khalifa: જ્યારે પણ દુબઈનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે બુર્જ ખલીફાનું નામ ચોક્કસપણે યાદ આવે છે. આ ઈમારત 828 મીટર લાંબી છે અને તેમાં 163 માળ છે. આ વિશ્વની સૌથી ઊંચી ઈમારત છે. બુર્જ ખલીફાનું બાંધકામ વર્ષ 2004માં શરૂ થયું હતું અને વર્ષ 2010માં પૂર્ણ થયું હતું, એટલે કે આ ઊંચી ઈમારતને બનાવવામાં 6 વર્ષ લાગ્યા.
તમે બુર્જ ખલીફાની અંદરના ગ્લેમર વિશે ઘણું સાંભળ્યું અને વાંચ્યું હશે. તેમજ તેના ફ્લેટ અને હોટલની કિંમત વિશે પણ સાંભળ્યું હશે. પરંતુ શું તમને ખબર છે કે દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફાના માલિક કોણ છે?
બુર્જ ખલીફાના માલિક કોણ છે?
એમાર પ્રોપર્ટીઝ બુર્જ ખલીફાની માલિકી ધરાવે છે, જે સંયુક્ત આરબ અમીરાતની પ્રખ્યાત રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની છે. આ કંપનીની સ્થાપના વર્ષ 1997માં થઇ હતી. એમાર પ્રોપર્ટીઝના ચેરમેન મોહમ્મદ અલબર છે, તેમણે જ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને વાસ્તવિકતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, ત્રણેય કંપનીઓની પોતપોતાની અલગ-અલગ કુશળતા હોવાથી બુર્જ ખલીફા ત્રણ કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું હતું.
ત્રણ કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી હતી આ ઇમારત
જો એ ત્રણ કંપનીઓની વાત કરવામાં આવે તો તેમાં સેમસંગ C&T, બેઝિક્સ અને અરબટેકનો સમાવેશ થાય છે. સેમસંગ C&T એ સાઉથ કોરિયન કંપની છે જે તેની અદ્યતન એન્જિનિયરિંગ ક્ષમતાઓ માટે જાણીતી છે. સેમસંગ C&T એ ટાવરની ડિઝાઇન અને નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યારે બેઝિક્સ એ બેલ્જિયન કંપની છે અને તેણે બુર્જ ખલીફા બનાવવા માટે તેની તકનીકી કુશળતા અને સંસાધનોનો ઉપયોગ કર્યો હતો. તેમજ અરબટેક સંયુક્ત આરબ અમીરાતની કંપની છે. અરબટેકે બાંધકામ પ્રક્રિયામાં ફાળો આપ્યો છે.
એમાર પ્રોપર્ટીઝ, બુર્જ ખલીફાની માલિકીની કંપની, માત્ર બુર્જ ખલીફા માટે જાણીતી નથી, પરંતુ તેણે દુબઈ મોલ, દુબઈ ફાઉન્ટેન અને ઘણા રહેણાંક અને વ્યાપારી પ્રોજેક્ટ્સ પણ પૂરા કર્યા છે.
આ પણ વાંચો: ચીનની ફરી આડોડાઈ, ભારત સાથેની સરહદે સૈન્ય અભ્યાસ કર્યો, ડ્રેગનના ખરા ઈરાદા શું છે?
દુબઈ સરકારના સમર્થનથી થયું હતું બુર્જ ખલીફાનું નિર્માણ
આ કંપનીની સ્થાપના દુબઈના અગ્રણી ઉદ્યોગપતિ મોહમ્મદ અલી રશીદ અલ અબ્બાર દ્વારા કરવામાં આવી હતી, જેઓ કંપનીના ચેરમેન પણ છે. તેમજ બુર્જ ખલીફા એ એમાર પ્રોપર્ટીઝનો મુખ્ય પ્રોજેક્ટ છે, જેનું નિર્માણ દુબઈ સરકારના સમર્થન અને UAE ના બીજા પ્રમુખ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નાણાકીય સહાયથી શક્ય બન્યું હતું. તેમના નામ પરથી બુર્જ ખલીફા નામ આપવામાં આવ્યું હતું.