Get The App

કોણ છે નિખિલ ગુપ્તા? અમેરિકાએ ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો મૂક્યો છે આરોપ

અમેરિકાએ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

અમેરિકા અને ચેક રિપબ્લિક વચ્ચે દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ હેઠળ આ વર્ષે 30 જૂને ચેક રિપબ્લિકના અધિકારીઓ દ્વારા ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
કોણ છે નિખિલ ગુપ્તા? અમેરિકાએ ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો મૂક્યો છે આરોપ 1 - image


Who is Nikhil Gupta | અમેરિકાની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદી (Khalistani pannu) ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવા બદલ અમેરિકાએ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ન્યૂયોર્કમાં અમેરિકી એટર્ની ડેમિયન વિલિયમ્સે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે પ્રતિવાદીએ ભારતથી ન્યૂયોર્ક સિટીમાં મુસાફરી કરી રહેલા ભારતીય-અમેરિકન નાગરિકની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું, જે જાહેરમાં શીખો માટે અલગ વતન બનાવવાની હિમાયત કરે છે. જોકે તેમાં ગુરપતવંત સિંહ પન્નુનું નામ નથી લખ્યું.

અમેરિકી ન્યાય વિભાગે શું કહ્યું? 

આ ઘટસ્ફોટ બાદ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં તણાવ પેદા થઈ શકે છે. અમેરિકી ન્યાય વિભાગે એક અખબારી યાદી બહાર પાડીને દાવો કર્યો હતો કે હત્યાના કાવતરાં માટે અજાણ્યા ભારતીય સરકારી અધિકારી દ્વારા ભરતી કરવામાં આવ્યાં તે પહેલાં નિખિલ ગુપ્તા માદક દ્રવ્યો અને હથિયારોની આંતરરાષ્ટ્રીય દાણચોરીમાં સામેલ હતો. ગુરપતવંત સિંહ પન્નુ જેને અમેરિકી મીડિયા દ્વારા એક ટારગેટ તરીકે વર્ણવવામાં આવ્યો છે તે શીખ ભાગલાવાદી ખાલિસ્તાની ચળવળનો એક મુખ્ય સભ્ય છે અને પંજાબને ભારતથી અલગ કરવાની હિમાયત કરે છે. ભારત તેને આતંકી ગણાવે છે. 

કોણ છે નિખિલ ગુપ્તા?

અમેરિકી ન્યાય વિભાગની પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે 52 વર્ષીય નિખિલ ગુપ્તા એક ભારતીય નાગરિક છે. અમેરિકા અને ચેક રિપબ્લિક વચ્ચે દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ હેઠળ આ વર્ષે 30 જૂને ચેક રિપબ્લિકના અધિકારીઓ દ્વારા ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. એક કથિત ભારતીય સરકારી કર્મચારી જેનું નામ દસ્તાવેજમાં નથી પરંતુ તેને CC-1 તરીકે સંબોધિત કરાયો છે. એવું કહેવાય છે કે CC-1 નિખિલ ગુપ્તા સહિત અન્ય લોકો સાથે ભારતમાં અને અન્ય સ્થળોએ અમેરિકાની ધરતી પર વકીલ અને રાજકીય કાર્યકરની હત્યાનું કાવતરું ઘડવાનું કામ કરી રહ્યો હતો. દસ્તાવેજમાં CC-1ને સુરક્ષા અને ગુપ્તચર વિભાગ સાથે સંકળાયેલી વ્યક્તિ હોવાનું વર્ણવવામાં આવ્યું છે.

હત્યારો અમેરિકન એજન્ટ નીકળ્યો!

અમેરિકી ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર ભારતમાં બેઠેલા CC-1ના કહેવા પર નિખિલ ગુપ્તાએ હત્યા માટે 'કિલર'ની શોધ શરૂ કરી હતી. આ શોધ દરમિયાન નિખિલ એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો જે ગુનેગારો સાથે સંબંધ ધરાવતો હતો. પરંતુ આ વ્યક્તિ કોઈ કિલર નહીં પણ અમેરિકન એજન્સીઓનો એક ગુપ્તચર હતો. આ ગુપ્તચરે નિખિલ ગુપ્તાને 'હિટમેન' (સોપારી કિલર) બતાવી એક વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો હતો. એટલે કે આ ગુપ્તચર અને કથિત હિટમેન બંને DEA (ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન) સાથે કામ કરતા હતા. એટલે કે હિટમેન પણ અમેરિકન એજન્સીઓનો અંડરકવર ઓફિસર પણ હતો.

નિજ્જરની હત્યાનો ઉલ્લેખ

જૂનમાં ટાર્ગેટ વિશેની અંગત માહિતી નિખિલ ગુપ્તાને પૂરી પાડવામાં આવી હતી જેણે તે કથિત હિટમેનને આપી દીધી હતી. દસ્તાવેજમાં કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો ઉલ્લેખ છે અને કહેવાયું છે કે નિખિલ ગુપ્તાએ કથિત હિટમેન (અંડરકવર ઓફિસર)ને કહ્યું હતું કે નિજ્જર પણ નિશાને હતો. દસ્તાવેજમાં જણાવાયું છે કે નિખિલ ગુપ્તા 30 જૂનના રોજ અથવા તેની આસપાસ ભારતથી ચેક રિપબ્લિક ગયો હતો જ્યારે અમેરિકાની વિનંતી પર અધિકારીઓ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

એડવાન્સ પેમેન્ટ પણ કર્યું હતું! 

ખુલાસા અનુસાર CC-1એ નિખિલ ગુપ્તાને તેના ટાર્ગેટ વિશે વિગતવાર વ્યક્તિગત માહિતી પૂરી પાડી હતી, જેમાં તેનું ઘરનું સરનામું, ફોન નંબર અને ન્યૂયોર્ક સિટીમાંના રોજિંદા વર્તનનો સમાવેશ થતો હતો. CC-1 એ અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્ટને હિટમેન માની લઈને તેને 100,000 ડૉલરમાંથી  $15,000 ની એડવાન્સ પેમેન્ટ આપવાની પણ વ્યવસ્થા કરી હતી. ગુપ્તાએ CC-1 સાથે ન્યૂયોર્ક કાવતરાંની ઈમરજન્સી વિશે વાત કરી અને કહ્યું કે ટારગેટને મારવા માટે 'હવે રાહ જોવાની જરૂર નથી'.

કોણ છે નિખિલ ગુપ્તા? અમેરિકાએ ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો મૂક્યો છે આરોપ 2 - image


Google NewsGoogle News