કોણ છે કીર સ્ટાર્મર જેમણે સુનકને આપી ધોબી પછાડ, લેબર પાર્ટીનો વનવાસ પૂરો કરી UKના PM બનશે
UK Election Result 2024: બ્રિટનમાં ગુરુવારે સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે. મતદાન પૂર્ણ થયા બાદ અહીં મતગણતરી કરવામાં આવી હતી. મતગણતરી હજુ ચાલુ છે પરંતુ લેબર પાર્ટીને બહુમતી હાંસલ કરી લીધી છે. લેબર પાર્ટીના ઉમેદવાર કીર સ્ટાર્મર જીતી ગયા છે. એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને 650માંથી 410 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. બીજી તરફ ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને 131 બેઠકો મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. એક્ઝિટ પોલના અંદાજો પરિણામોમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે. લેબર પાર્ટીનો 14 વર્ષનો વનવાસ પૂરો થઈ ચૂક્યો છે. આ સાથે જ સુનકને સત્તા પરથી હટાવીને સ્ટાર્મર વડાપ્રધાન બનશે. હવે સવાલ એ છે કે કીર સ્ટાર્મર કોણ છે? ચાલો જાણીએ કીર સ્ટારર વિશે.
તમને જણાવી દઈએ કે, સ્ટાર્મર હાલના વડાપ્રધાન ઋષિ સુનક સામે ચૂંટણી લડ્યા હતા, સુનકે કન્ઝર્વેટિવ પાર્ટીની સત્તા પર પકડ બનાવી રાખવાના તમામ પ્રયાસ કર્યા પરંતુ મતદારો પાર્ટીના 14 વર્ષના કાર્યકાળથી થાકી ચૂક્યા હતા. એપ્રિલ 2020માં ડાબેરી જેરેમી કોર્બિન પાસેથી નેતા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદથી સ્ટાર્મરને પોતાના પક્ષને રાજકીય કેન્દ્ર તરફ લઈ જવા અને પોતાના રેન્કની અંદર યહૂદી વિરોધી ભાવનાને દૂર કરવા બદલ પ્રશંસા મળી છે. તેમના સમર્થકો તેમને વ્યવહારુ અને ભરોસાપાત્ર નેતા તરીકે જુએ છે, જેઓ બ્રિટનને તેની આર્થિક મંદીમાંથી બહાર કાઢવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.
કીર સ્ટાર્મર કોણ છે?
વર્ષ 1963માં સરેમાં એક મજૂર-વર્ગ પરિવારમાં જન્મેલા સ્ટાર્મરનો ઉછેર મુશ્કેલીભર્યો રહ્યો હતો. તેમના પિતા ટૂલમેકર હતા. સ્ટાર્મરનો તેમના પિતા સાથે થોડો અણબનાવ હતો. જ્યારે તેમની માતા જેઓ નર્સ હતા તેઓ એક જૂની બીમારીથી પીડિત હતા. સ્ટાર્મરનું અસામાન્ય પ્રથમ નામ તેમના સમાજવાદી માતા-પિતાએ લોબર પાર્ટીના સંસ્થાપક પિતા કીર હાર્ડીને શ્રદ્ધાંજલિના રૂપમાં પસંદ કરવામાં આવ્યું હતું.
રાજકારણમાં સ્ટાર્મરની એન્ટ્રી અપોક્ષા કરતા મોડી થઈ. તેઓ 52 વર્ષની વયે 2015માં હોલબોર્ન અને સેન્ટ પેનક્રાસ માટે સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. એક કુશળ વકીલ તરીકેની તેમની પ્રતિષ્ઠાએ તેમના રાજકીય ઉત્થાનનો માર્ગ મોકળો કર્યો. તેઓ ટૂંક સમયમાં આ પદ પર આવ્યા, અને ભૂતપૂર્વ લેબર નેતા જેરેમી કોર્બીન હેઠળ બ્રેક્ઝિટ સેક્રેટરી તરીકે સેવા આપી હતી.
સ્ટાર્મરના વાયદા
આવાસ ક્ષેત્રમાં સ્ટાર્મરનો લક્ષ્ય પ્રથમ વખત ઘર ખરીદનારાઓને પ્રોત્સાહન આપવાનું છે. આ માટે એક યોજના શરૂ કરવામાં આવી છે જે તેમને નવા આવાસ વિકાસમાં પ્રાથમિકતા આપે છે. આ સાથે જ 1.5 મિલિયન નવા ઘર બનાવવા માટે આયોજન કાયદામાં સુધારો કરવાનું વચન પણ આપવામાં આવ્યું છે. શિક્ષણ પણ એક બીજી પ્રાથમિકતા છે. સ્ટાર્મરે 6,500 શિક્ષકોની ભરતી કરવાનું અને પ્રાઈવેટ સ્કૂલો માટે ટેક્સ બ્રેક્સ સમાપ્ત કરીને તેમના પગાર માટે નાણાં પૂરાં પાડવાનું વચન આપ્યું છે.