Get The App

વડોદરાના પટેલ બનશે અમેરિકાની સર્વોચ્ચ સુરક્ષા એજન્સી CIAના વડા? જાણો, કોણ છે ટ્રમ્પના એ વિશ્વાસુ સાથીદાર

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
વડોદરાના પટેલ બનશે અમેરિકાની સર્વોચ્ચ સુરક્ષા એજન્સી CIAના વડા? જાણો, કોણ છે ટ્રમ્પના એ વિશ્વાસુ સાથીદાર 1 - image


Who is Kash Patel : દુનિયાભરની નજર જેના પર હતી એ અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણી આખરે પતી ગઈ. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને હરાવીને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું પ્રમુખપદ જીતી લીધું છે. આગામી દિવસોમાં ટ્રમ્પ તેમના નવા મંત્રીમંડળ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓની પસંદગીની પ્રક્રિયા હાથ ધરશે. ગુજરાતી મૂળના હેરિસ ભલે નવી સરકાર બનાવવામાં નિષ્ફળ નીવડ્યા, પણ ગુજરાતી મૂળના એક અન્ય પ્રતિભાશાળી અધિકારીનું નામ ટ્રમ્પના મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે આગળ પડતું હોવાની ચર્ચા ઊઠી છે. ચાલો જાણીએ કે કોણ છે એ અધિકારી.

ગુજરાતી મૂળના એ અધિકારી કોણ છે? 

ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુ અને નિકટના સહયોગી ગણાતા ગુજરાતી મૂળના એ અધિકારીનું નામ છે કાશ પટેલ. સાચું નામ કશ્યપ પટેલ, પણ અમેરિકનો માટે કાશ પટેલ. ચર્ચા ચાલી રહી છે કે ટ્રમ્પ તેમને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત એક મોટું પદ આપે એવી શક્યતા છે. 

કાશ પટેલને શક્યતઃ આ સન્માનનીય હોદ્દો મળશે

રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલી સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA) અમેરિકાની અત્યંત પ્રતિષ્ઠિત અને મહત્ત્વપૂર્ણ એજન્સી છે. એમાં કામ કરવું એ જ સન્માનની વાત ગણાય છે, તો એના ચીફ બનવું એ તો કેટલો સન્માનનીય હોદ્દો ગણાય! કાશ પટેલને CIA ના ચીફ પદે નિયુક્ત કરાય એવી પ્રબળ સંભાવના છે. 

કોણ છે કાશ પટેલ?

44 વર્ષના કાશ પટેલનો જન્મ 25 ફેબ્રુઆરી, 1980ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો. તેમના મૂળિયાં ગુજરાતના વડોદરા શહેરમાં છે. તેમના માતા-પિતા ગુજરાતથી પૂર્વ આફ્રિકા ગયા હતા, અને પછી ત્યાંથી કેનેડાના રસ્તે થઈને અમેરિકામાં વસી ગયા હતા. 



વકીલાતનો અભ્યાસ અને કામનો મજબૂત અનુભવ 

કાશ પટેલે ન્યૂયોર્કની પેસ યુનિવર્સિટીની લૉ સ્કૂલમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો છે. એમના કાર્યક્ષેત્ર પર નજર નાંખીએ તો,

- વર્ષ 2005 માં સ્નાતક થતા બાદ તેઓ પબ્લિક ડિફેન્ડર (સરકારી વકીલ) બની ગયા હતા. માયામીના ન્યાયાલયોમાં તેમણે લગભગ 9 વર્ષ કામ કર્યું હતું. એ સમયગાળામાં તેમણે હત્યા, નશીલા પદાર્થોની ફેરાફેરી અને નાણાકીય ગુનાઓ સહિતના જટિલ કેસો ઉકેલ્યા હતા. 

- 2014 માં તેમને ‘ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ’માં ટ્રાયલ એટર્ની તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અલ-કાયદા અને ISIS જેવા આતંકવાદી જૂથો સાથે સંકળાયેલ વ્યક્તિઓની તપાસ કરવાનું કામ કર્યું હતું. 

- 2017 માં તેમને ‘હાઉસ ઇન્ટેલિજન્સ કમિટિ’ ખાતે આતંકવાદ વિરોધી વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

- 2019 માં તેમને રાષ્ટ્રપતિ ટ્રમ્પની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (NSC)ના કર્મચારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ જ વર્ષે તેમને કાઉન્ટરટેરરિઝમ ડિરેક્ટોરેટના વરિષ્ઠ નિયામક પણ બનાવવામાં આવ્યા હતા. 

- ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા રાષ્ટ્રપતિ-કાર્યકાળ દરમિયાન કાશ પટેલે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં ટ્રમ્પના આતંકવાદ વિરોધી સલાહકાર તરીકે તથા સંરક્ષણ સચિવ ક્રિસ્ટોફર મિલરના ચીફ ઓફ સ્ટાફ તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો. 

આમ, કાયદા, સંરક્ષણ અને ઈન્ટેલિજન્સ ક્ષેત્રે નોંધપાત્ર કામ કરવાનો બહોળો અનુભવ ધરાવતા હોવાથી કાશ પટેલને CIA ના ચીફ પદે નિયુક્ત કરવામાં આવે, એની શક્યતા છે ખરી. 

કાશ પટેલની કારકિર્દીનો ટર્નિંગ પોઇન્ટ   

2016ની પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પ રશિયન હસ્તક્ષેપ દ્વારા જીત્યા હતા, એવી વાત ચગી હતી, જેની તપાસ માટે જે સમિતિની નિમણૂક કરવામાં આવી હતી એનું નેતૃત્વ કાશ પટેલને સોંપાયું હતું. ભારે જવાબદારીપૂર્વકના એ કામમાં પટેલે સરસ રિપોર્ટ તૈયાર કર્યો હતો. ત્યારથી ટ્રમ્પ પટેલની ક્ષમતાથી પ્રભાવિત થઈ ગયા હતા. 

જાસૂસી મિશન પણ પાર પાડ્યું છે

2020માં સીરિયાની રાજધાની દમાસ્કસમાં અમેરિકા દ્વારા એક ગુપ્ત મિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ કાશ પટેલે કર્યું હતું. સીરિયા દ્વારા ધરપકડ પામેલા સાયકોથેરેપિસ્ટ મજદ કમલમાઝ અને પત્રકાર ઓસ્ટિન ટાઈસની મુક્તિ માટે એ મિશન યોજવામાં આવ્યું હતું.

સીનિયરોના વિરોધે પાછળ પાડ્યા

અમેરિકાની સુરક્ષા અને સંરક્ષણના મુદ્દાઓ બાબતે કાશ પટેલના વિચારો અને કામથી ટ્રમ્પ એટલા બધા પ્રભાવિત થયા હતા કે પોતાના પ્રથમ રાષ્ટ્રપતિ-કાર્યકાળમાં જ ટ્રમ્પ પટેલને સુરક્ષા ક્ષેત્રે ઊંચો હોદ્દો આપવા માંગતા હતા. તેમનો વિચાર પટેલને CIA અથવા FBIના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવાનો હતો, પણ અમુક વધુ અનુભવી રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓએ ‘પટેલને હજુ આ ક્ષેત્રનો પૂરતો અનુભવ નથી’ એમ કહીને વિરોધ કર્યો હતો, જેને લીધે એ સમયે ટ્રમ્પ પટેલને ઉચ્ચ હોદ્દો નહોતો આપી શક્યા. એ વખતે જે નહોતું થઈ શક્યું, એ આ વખતે થઈ જાય એવી શક્યતા ઘણી વધારે છે.   

ટ્રમ્પ પ્રત્યેની વફાદારી અને લેખન

2021 માં ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થયા બાદ પણ કાશ પટેલ ટ્રમ્પના એજન્ડાને પ્રોત્સાહન આપતા રહ્યા છે. તેમણે ‘ગવર્મેન્ટ ગેંગસ્ટર્સ: ધ ડીપ સ્ટેટ, ધ ટ્રુથ એન્ડ ધ બેટલ ફોર અવર ડેમોક્રેસી’ નામનું સંસ્મણાત્મક પુસ્તક લખ્યું છે. ઉપરાંત તેમણે બાળકો માટે ચિત્રવાર્તાઓનું પુસ્તક ‘ધ પ્લોટ અગેઇન્સ્ટ ધ કિંગ’ લખ્યું છે, જેમાં તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કરાયેલા રાજકીય કાવતરાંની વાસ્તવિક લાગે એવી કાલ્પનિક વાર્તા આલેખી છે.

ભારત પણ આવી ચૂક્યા છે કાશ પટેલ

ફેબ્રુઆરી 2020માં, ટ્રમ્પ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે કાશ પટેલ પણ એમના દળમાં સામેલ હતા. 2024ના ચૂંટણી પ્રચાર દરમિયાન પણ પટેલ અવારનવાર ડોનાલ્ડ ટ્રમ્પની રેલીઓમાં દેખાતા હતા.


Google NewsGoogle News