ટ્રમ્પ પર હુમલા પાછળ પાકિસ્તાનીનો હાથ? FBIની ઝપટમાં આવેલો આસિફ મર્ચન્ટ કોણ છે? જાણો
Image Source: Twitter
Who Is Asif Merchant: ઈરાન સાથે સબંધ ધરાવનાર પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટની ગત મહિને અમેરિકામાં રાજનેતાઓ અને અમેરિકી અધિકારીઓની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આસિફ મર્ચન્ટે કથિત રીતે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ ટાર્ગેટ કરવાનું ષડયંત્ર રચ્યુ હતું. જોકે, ટ્રમ્પ પર પેન્સિલવેનિયામાં થયેલા હુમલામાં તેનો હાથ હતો કે, નહીં તેની પુષ્ટિ નથી થઈ. અમેરિકી જસ્ટિસ વિભાગે જણાવ્યું કે, 46 વર્ષીય આસિફ મર્ચન્ટે અમેરિકામાં કોઈ રાજનેતા અથવા અધિકારીની હત્યા માટે એક હત્યારાને હાયર કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે તે રિવોલ્યુશનરી ગાર્ડ્સ કમાંડર કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માંગતો હતો.
FBI ડિરેક્ટર ક્રિસ્ટોફર રે એ એક નિવેદનમાં જણાવ્યું કે, આ ખતરનાક હત્યાનું ષડયંત્ર કથિત રીતે ઈરાન સાથે ગાઢ સબંધ ધરાવનાર એક પાકિસ્તાની નાગિરિકે કરી હતી અને તે જાહેર રીતે ઈરાનની વ્યૂહનીતિનો હિસ્સો છે. કોઈ જાહેર અધિકારી અથવા કોઈ અમેરિકી નાગરિકને મારવાનું વિદેશી ષડયંત્ર દેશની સુરક્ષા માટે ખતરો છે.
આસિફ મર્ચન્ટ કોણ છે?
કોર્ટના દસ્તાવેજો પ્રમાણે આસિફ મર્ચન્ટ એક પાકિસ્તાની નાગરિક છે. મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, તેનો જન્મ 1978ની આસપાસ કરાચીમાં થયો હતો. FBIએ જણાવ્યું કે, આસિફ મર્ચન્ટની પત્ની અને બાળકો ઈરાનમાં છે અને પાકિસ્તાનમાં તેનું વધુ એક પરિવાર છે. અમેરિકી જસ્ટિસ વિભાગે જણાવ્યું કે, તેના ટ્રાવેલ રેકોર્ડ પ્રમાણે આસિફ મર્ચન્ટ મોટા ભાગે ઈરાન, સીરિયા અને ઈરાક જતો હતો.
હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં ધરપકડ
FBIએ જણાવ્યું કે, આસિફ મર્ચન્ટ એપ્રિલ 2024માં પાકિસ્તાનથી અમેરિકા આવ્યો હતો અને તેણે એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો જે તેની હત્યાના કાવતરામાં મદદ કરી શકતો હતો. ત્યારબાદ તેણે જૂનમાં ન્યૂયોર્કમાં તે વ્યક્તિ સાથે મુલાકાત કરી જેણે બાદમાં અધિકારીઓને મર્ચન્ટની યોજના વિશે જાણ કરી. મર્ચન્ટે કથિત હિટમેનને જણાવ્યું કે, તેના ટાર્ગેટ પર જે છે તે અમેરિકા છે. તે વ્યક્તિએ જણાવ્યું કે, તેના કાવતરામાં અનેક ગુનાહિત યોજનાઓ સામેલ હતી જેમાં કોઈના ઘરેથી દસ્તાવેજો અથવા યુએસબી ડ્રાઈવની ચોરી કરવી, વિરોધ પ્રદર્શનની યોજના બનાવવી અને કોઈ રાજનેતા અથવા સરકારી અધિકારીની હત્યા કરવાનું પણ સામેલ હતું.
FBIએ જણાવ્યું કે, મર્ચન્ટે કથિત હિટમેનને જણાવ્યું કે, હત્યા હું અમેરિકા છોડુ ત્યારબાદ કરવામાં આવશે અને હું કોડ વર્ડની મદદથી વિદેશથી તારી સાથે વાતચીત કરીશ. FBIના નિવેદન પ્રમાણે મર્ચન્ટનો પ્લાન ઓગસ્ટના અંતિમ સપ્તાહ અથવા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં એક અધિકારીની હત્યા કરવાનો હતો. 21 જૂનના રોજ મર્ચન્ટે હિટમેનને ષડયંત્રને અંજામ આપવા માટે 5,000 અમેરિકી ડોલર પણ આપ્યા હતા. આ પછી તેણે દેશ છોડવાની તૈયારી કરી અને 12 જુલાઈએ અમેરિકા જવાની યોજના બનાવી. જો કે, તે બહાર નીકળે તે પહેલા જ અધિકારીઓએ તેનો દબોચી લીધો હતો.
ટ્રમ્પ પર હુમલો
તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવાનિયામાં એક રેલીને સંબોધી રહ્યા હતા ત્યારે એક 20 વર્ષીય હુમલાખોરે તેમના ઉપર ગોળી ચલાવી હતી, તે પૈકીની એક તેમના કાનના ઉપરના ભાગને છરકો કરી ચાલી ગઈ હતી. આ હુમલામાં પૂર્વ પ્રમુખ માંડ-માંડ બચી ગયા હતા.