Get The App

સીરિયામાં બળવા પાછળનો મુખ્ય ચહેરો 'જુલાની', 10 મિલિયન ડૉલરનો ઈનામી ઈરાનની જેલમાં રહ્યો છે કેદ

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
સીરિયામાં બળવા પાછળનો મુખ્ય ચહેરો 'જુલાની', 10 મિલિયન ડૉલરનો ઈનામી ઈરાનની જેલમાં રહ્યો છે કેદ 1 - image


Syria Civil War: મધ્ય-પૂર્વમાં આવેલું સીરિયા ગૃહયુદ્ધમાં અટવાયેલું છે. વિદ્રોહી દળ હયાત તહરિર અલ શામ (HTS)એ રાજધાની દમાસ્કસ પર કબજો કરી લીધો છે. રાષ્ટ્રપતિ બશર અલ-અસદ સપરિવાર દેશ છોડીને ભાગી ગયા છે. અહેવાલ આવ્યો છે કે તેમના વિમાનને બળવાખોરોએ તોડી પાડ્યું છે અને એમાં અસદ મૃત્યુ પામ્યા છે. સીરિયન આર્મીને પણ બળવાખોરોની શરણાગતિ સ્વીકારી લેવા માટે કહેવામાં આવ્યું છે.

રાષ્ટ્રવ્યાપી બળવામાં એક અગ્રણી ચહેરો ઊભરીને સામે આવ્યો છે અને એ છે HTSનો વડો અબુ મોહમ્મદ અલ-જુલાની છે. અલ કાયદા અને આઈએસઆઈએસમાંથી બેઠો થયેલો કટ્ટરપંથી, સલાફી વિચારધારાનો અનુયાયી એવો જુલાની હાલમાં સીરિયામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ બની ગયો છે.

કોણ છે અબુ મુહમ્મદ અલ જુલાની?

જુલાનીનો જન્મ સાઉદી અરેબિયામાં થયો હતો, પણ એનો પરિવાર મૂળ સીરિયાનો છે. 1982માં જન્મેલા જુલાનીનું અસલી નામ અહેમદ હુસૈન અલ-શરા છે. તેના પિતા દમાસ્કસમાં ઓઈલ એન્જિનિયર હતા. જુલાની નાની ઉંમરમાં જ આતંકવાદી સંગઠનોમાં જોડાઈ ગયો હતો. અમેરિકાનું આક્રમણ શરૂ થયું તે પહેલા તે 2003માં ઈરાક ગયો હતો. ત્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી. 2008 માં જેલમાંથી છૂટ્યા પછી તે અલ કાયદામાં જોડાઈ ગયો હતો, જેનું નેતૃત્વ અબુ બકર અલ બગદાદી કરી રહ્યો હતો. 

આ પણ વાંચો: સીરિયામાં અસદના 24 વર્ષના શાસનનો અંત: વિદ્રોહીઓએ કઈ રીતે જોતજોતાંમાં રાજગાદી પર કર્યો કબજો?


આ રીતે સીરિયામાં સામ્રાજ્ય ફેલાવ્યું

જુલાની બગદાદીનો વિશ્વાસુ હતો. વર્ષ 2011માં સીરિયામાં પોતાનું નેટવર્ક વિસ્તારવાની જવાબદારી બગદાદીએ જુલાનીને સોંપી હતી. જુલાનીએ સીરિયામાં અલ-કાયદાની સીરિયન શાખા જભાત અલ-નુસરાની સ્થાપના કરી હતી. 2016માં તેણે અલ-કાયદાથી છેડો ફાડી લીધો અને પોતાનું અલગ જૂથ બનાવ્યું. નામ આપ્યું, તહરિર અલ-શામ. સીરિયામાં પોતાની સ્વાયત્તતા જાળવી રાખવા માટે તેણે આમ કર્યું હતું અને એમાં તે સફળ પણ રહ્યો. ઈદલિબ સહિત ઘણા વિસ્તારોમાં તેનો પ્રભાવ ઝડપથી વધ્યો. ઑક્ટોબર 2019 માં બગદાદી અમેરિકાના હવાઈ હુમલામાં માર્યો ગયો, ત્યારે તેનું જૂથ વિખેરાઈ ગયું, પણ જુલાનીએ સીરિયામાં પોતાનું સામ્રાજ્ય ફેલાવવાનું ચાલુ રાખ્યું.

ઈદલિબમાં સરકાર બનાવી

એ સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ અસદ બળવાખોરો પર અંકુશ મૂકવામાં સફળ રહ્યા હતા. જોકે, જુલાનીએ ઈદલિબ વિસ્તારમાં નિયંત્રણ જાળવી રાખ્યું. ‘ફ્રી સીરિયન આર્મી’ સાથે મળીને તેણે ઈદલિબમાં સત્તા કબજે કરી. એ દરમિયાન જુલાની ક્યારેય ઈઝરાયેલ કે અમેરિકા સામે નહોતો પડ્યો. ન તો ઈઝરાયેલ કે અમેરિકાએ તેને નિશાના પર લીધો. 

બનાવી મજબૂર સેના

અસદ સરકાર સાથે યુદ્ધ બંધ થયા પછી શાંતિના સમયગાળા દરમિયાન જુલાનીએ HTS ના નેજા હેઠળ મજબૂત સૈન્ય બનાવ્યું. એ પછી તે યોગ્ય તકની રાહ જોવા લાગ્યો. ઈઝરાયલ જ્યારે હિઝબુલ્લાહ અને ઈરાન સાથે સંઘર્ષમાં ઉતર્યું ત્યારે લાગ જોઈને જુલાનીએ અસદ સામે મોરચો ખોલ્યો, જેમાં તે સફળ થયો અને હવે તે સીરિયાનો સર્વસત્તાધીશ બનવાથી એક કદમ દૂર છે.

સીરિયામાં બળવા પાછળનો મુખ્ય ચહેરો 'જુલાની', 10 મિલિયન ડૉલરનો ઈનામી ઈરાનની જેલમાં રહ્યો છે કેદ 2 - image


Google NewsGoogle News