આ છે બલુચિસ્તાનના 30 વર્ષના ડૉક્ટર મહરંગ બલુચ, પાકિસ્તાન પણ તેમનાથી ડરી રહ્યું છે
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં બલુચિસ્તાનમાં સેનાના અત્યાચાર સામે મહિલાઓનો દેખાવો
Activist Mahrang Baloch: પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં છેલ્લા એક અઠવાડિયાથી બલુચ આંદોલન ચાલી રહ્યું છે. બલુચિસ્તાનમાં સુરક્ષા દળો દ્વારા યુવાનોની ગેરકાયદે હત્યા અને નકલી એન્કાઉન્ટર સામે આ આંદોલન ચાલી રહ્યું છે. કડકડતી ઠંડીમાં મહિલાઓ આ આંદોલનનું નેતૃત્વ કરી રહી છે. પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવર-ઉલ-હક કાકરે આ લોકોને ભારતના ઈશારે કામ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ વચ્ચે આંદોલનના નેતા ડો. મહરંગ બલુચે સંયુક્ત રાષ્ટ્રની ઓફિસ બહાર ધરણા કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, અમે સુરક્ષાની માગ નહોતી કરી, પરંતુ ડરાવવા માટે મોટી સંખ્યામાં ફોજ ખડકી દેવા માં આવી છે. તો જાણીએ કોણ છે મહરંગ બલુચ…
મહરંગના પિતા પણ બલુચિસ્તાનમાં સેનાના ત્રાસનો ભોગ બન્યા
ડો. મહરંગ બલુચ માત્ર 30 વર્ષની હોવા છતાં પણ બલુચિસ્તાન ખૂબ જ લોકપ્રિય છે, તેનું કારણ એ છે કે તે અવારનવાર પાકિસ્તાની સેના દ્વારા બલુચ પર થતા અત્યાચારનો મુદ્દો ઉઠાવે છે. 1993માં બલુચ પરિવારમાં જન્મેલા મેહરંગે એમબીબીએસનો અભ્યાસ કર્યો છે. તેમના પિતા અબ્દુલ ગફાર જે મજૂરી કરતા હતા અને પરિવાર ક્વેટામાં રહેતો હતો, પરંતુ તેમની સારવારને કારણે કરાચીમાં સ્થાયી થયો હતો. મહરંગના પિતા પણ બલુચિસ્તાનમાં સેનાના ત્રાસનો ભોગ બન્યા હતા.
મહરંગના પિતાનું અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી
જ્યારે તેના પિતા અબ્દુલ ગફારનું અપહરણ બાદ હત્યા કરવામાં આવી ત્યારે મહરંગ માત્ર 16 વર્ષની હતી, ત્યારથી તેમણે આંદોલન કરવાનું શરૂ કર્યું. પિતાના દુ:ખમાં રસ્તા પર ઉતરેલી મેહરંગ હવે બલૂચિસ્તાનમાં વિરોધનો ચહેરો છે. આ માટે તે યુવાનો માટે આશા બની ગઈ છે. તેના પિતાનું અપહરણ થયાના બે વર્ષ બાદ જુલાઈ 2011માં મૃત હાલતમાં મળી આવ્યા હતા. એટલું જ નહીં તેમના ભાઈનું પણ ડિસેમ્બર 2017માં અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને ત્રણ મહિના સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.
મેહરંગ 1600 કિલોમીટરની કૂચ કરીને ઈસ્લામાબાદ પહોંચી
બલુચિસ્થાનના ગ્રામીણ વિસ્તારોના લોકો માટે અનામતમાં ઘટાડા સામે ડો. મેહરંગ બલુચે આંદોલન કર્યું હતું. હાલમાં તેઓ રાજ્યમાં શોષિત માટે આશાથી ભરેલો ચહેરો છે. તેમના નેતૃત્વમાં બલુચિસ્તાનથી 1600 કિલોમીટરની કૂચ કરીને ઈસ્લામાબાદ પહોંચી હતી. મહિલાઓ માટે કટ્ટરવાદી સમાજમાં તેમનું આગળ આવવું મોટી આશા સમાન છે. આ જ કારણ છે કે હજારો બલુચ મહિલાઓ પણ તેમની પાસેથી પ્રેરણા લઈને રસ્તા પર ઉતરી છે. એટલું જ નહીં, આ મોટી સંખ્યામાં લોકો ટ્રકમાં સામાન ભરીને આંદોલનમાં પહોંચે છે.