હમાસ સાથે યુદ્ધ વચ્ચે ઈઝરાયલના આ કૃત્યથી WHO પ્રમુખ થયા ગુસ્સે, અનેક લોકોના જીવ જોખમમાં
ગાઝામાં સહાય સામગ્રી લઈ જતાં ટ્રક અને એમ્બ્યુલન્સ પર ફાયરિંગની ઘટના
તપાસ લાંબી ચલાવાતા દર્દીઓના મોત પર WHO ચિંતિત
Israel vs Hamas war | ઈઝરાયલ પર 7 ઓક્ટોબરે થયેલા હમાસના આતંકી હુમલા બાદથી યુદ્ધની સ્થિતિ હજુ યથાવત્ છે. બે મહિનાથી વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી યુદ્ધ અટકવાનું નામ લઈ રહ્યું નથી. દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ઈઝરાયલની આ હરકતથી અકળાયું હતું અને તેણે ચેતવણી પણ ઉચ્ચારી હતી.
શું કહ્યું WHOએ?
WHOએ ઈઝરાયલ પર આરોપ મૂક્યો છે કે તેના દ્વારા લાંબી ચલાવાતી તપાસને કારણે ગાઝામાં એક ઘાયલ દર્દીને સમયસર સારવાર મળી શકી નહોતી જેના લીધે તે મૃત્યુ પામી ગયો. WHO પ્રમુખ ટેડ્રોસ અદનહોમ ગ્રેબેસિયસે ઈઝરાયલ પર સ્વાસ્થ્યકર્મીઓને કસ્ટડીમાં લઈને અને સહાય સામગ્રી ધરાવતા ટ્રકો પર હુમલો કરીને ગાઝામાં સ્વાસ્થ્ય અને બચાવ મિશનમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આ કૃત્યને લીધે ગંભીર રીતે ઘાયલ દર્દીનું મોત નીપજ્યું હતું.
ટેડ્રોસે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
ટેડ્રોસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે અમને ગાઝામાં અલ અહલી હોસ્પિટલમાં ચલાવાઈ રહેલા ડબ્લ્યૂએચઓના મિશન વિશે જાણકારી મળી. લાંબા સમય સુધી તપાસ અને સ્વાસ્થ્યકર્મીઓને અટકાયતમાં રખાઇ રહ્યા છે. જેના લીધે અનેકના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે. અમને આ વાતની ચિંતા થઈ રહી છે કે આવી હરકતથી દર્દીઓના જીવ પણ ખતરામાં પડી રહ્યા છે. અમારા મિશનને વાદી ગાઝા ચોકી પર બે વખત અટકાવાયું, ઘણા કર્મચારીઓની અટકાયત કરાઈ. સહાયતા સામગ્રી લઈ જતાં ટ્રક અને એમ્બ્યુલન્સ ઉપર પણ ગોળીબાર કરાયો. તેમણે આગળ કહ્યું કે ગાઝાના લોકોને સ્વાસ્થ્ય સુવિધા મળે એ તેમનો અધિકાર છે.