ઝેલેન્સ્કીના ઉગ્ર વલણથી અમેરિકા નારાજ, હવે કોઈ ફંડિંગ નહીં, વ્હાઈટ હાઉસે કરી મોટી જાહેરાત
USA Will Stop Funding To Ukraine: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને વિશ્વની મહાસત્તા ધરાવતો દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે શુક્રવારે ઉગ્ર વિવાદ થતાં અમેરિકા નારાજ થયુ છે. અમેરિકાના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે, અમેરિકા યુક્રેનને હવે કોઈ સૈન્ય સહાયતા આપશે નહીં. તેની પ્રાથમિકતા શાંતિ વાર્તા છે. સ્થાયી શાંતિ વિના અમે અન્ય કોઈ દેશને યુદ્ધ માટે ફંડ આપીશુ નહીં.
અબજો ડોલરની સૈન્ય સહાય પણ અટકાવાશે
ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે ચડભડ બાદ ટ્રમ્પ સરકાર યુક્રેનમાં મોકલવામાં આવી રહેલા અબજો ડોલરની સૈન્ય સહાયની શિપમેન્ટ પણ અટકાવવા વિચારી રહ્યું છે. ઝેલેન્સ્કીના યુદ્ધ તરફી વલણને ધ્યાનમાં રાખતાં અમેરિકા અબજો ડોલરની રડાર, આર્મી વાહન, બોમ્બ-વિસ્ફોટક અને મિસાઈલનો પુરવઠો અટકાવશે.
બ્રિટનમાં ઝેલેન્સ્કીને આવકાર
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ વિશ્વની મહાસત્તા ધરાવતા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે બાખડ્યા બાદ આજે રવિવારે લંડનમાં યુરોપિયન દેશઓની એક સમિટમાં ભાગ લેવા પહોંચ્યા છે. ઝેલેન્સ્કીના વ્હાઈટ હાઉસમાં ઉગ્ર વલણ બાદ પણ યુરોપના દેશો યુક્રેનના સમર્થનમાં છે. શનિવારે ઈંગ્લેન્ડ પહોંચતાં જ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે ઝેલેન્સ્કીને ગળે મળ્યા હતાં. અને ઉમેળકાભેર સ્વાગત કર્યું હતું. રસ્તાઓ પર લોકોએ સુત્રોચ્ચાર સાથે ઝેલેન્સ્કીને આવકાર્યો હતો. લંડનમાં આજે યોજનારી સમિટમાં ફ્રાન્સ, જર્મની, ડેનમાર્ક, ઈટલી સહિત 13 યુરોપિયન દેશ સામેલ થશે. તેમજ NATOના મહાસચિવ અને યુરોપિયન યુનિયન તથા યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડન્ટ પણ સામેલ રહેશે.
યુક્રેનને 24,000 કરોડની લોન
બ્રિટને યુક્રેનને રૂ. 24,000 કરોડની લોન આપી છે. જેના પર શનિવારે બ્રિટિશ પીએમ સ્ટાર્મર અને યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ધ કીવ પોસ્ટના રિપોર્ટ અનુસાર, જી7 દેશોના એક્સ્ટ્રા-ઓર્ડિનરી રેવેન્યુ એક્સિલરેશન (ERA) પહેલ હેઠળ આ લોન આપવામાં આવી છે. યુક્રેન આ લોનનો ઉપયોગ જરૂરી હથિયાર ખરીદવા માટે કરશે. ગતવર્ષે ઓક્ટોબરમાં G7 દેશોએ યુક્રેનને 50 અબજ ડોલર (રૂ. 4.3 લાખ કરોડ)ની સહાય આપવાનું વચન આપ્યું હતું.
EUના બે દેશનો યુક્રેનને ટેકો નહીં
યુક્રેનને સપોર્ટ આપવા મુદ્દે યુરોપિયન યુનિયનમાં પણ દરાર જોવા મળી છે. સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકોએ જણાવ્યું છે કે, તે યુક્રેનને આર્થિક અને સૈન્ય રૂપે મદદ નહીં કરે. અગાઉ હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓરબાને પણ ઝેલેન્સ્કી વિરૂદ્ધ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને સમર્થન આપ્યું હતું. તેમજ તેમણે ઝેલેન્સ્કીને નબળો નેતા ગણાવ્યો હતો.