Get The App

એક તરફ વડાપ્રધાન મોદી અમેરિકા ગયા, બીજી તરફ પાકિસ્તાન પહોંચ્યા તૂર્કિયેના રાષ્ટ્રપતિ, કાશ્મીર રાગ આલાપ્યો

Updated: Feb 13th, 2025


Google NewsGoogle News
એક તરફ વડાપ્રધાન મોદી અમેરિકા ગયા, બીજી તરફ પાકિસ્તાન પહોંચ્યા તૂર્કિયેના રાષ્ટ્રપતિ, કાશ્મીર રાગ આલાપ્યો 1 - image

Turkish President Tayyip Erdogan in Pakistan : હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે છે. ત્યારે પડોશી દેશ પાકિસ્તાનમાં પણ એક મોટી હલચલ જોવા મળી છે. પાકિસ્તાનની મુલાકાતે તૂર્કિયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન રાવલપીંડીના નૂર ખાન એરબેસ પર ઉતર્યા હતા. લગભગ આખી પાકિસ્તાનની સરકાર એર્દોગનનું સ્વાગત કરવા ઍરપોર્ટ પર પહોંચી ગઈ હતી. 

રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી, વડા પ્રધાન શાહબાઝ શરીફ, પ્રથમ મહિલા આસિફા ભુટ્ટો, નાયબ વડા પ્રધાન અને વિદેશમંત્રી ઇશાક ડાર અને અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા. એર્દોગનનું 21 તોપોની સલામી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. એર્દોગન એશિયાના ચાર દિવસના પ્રવાસ પર છે. મલેશિયા અને ઇન્ડોનેશિયા પછી તેમનો છેલ્લો પડાવ પાકિસ્તાન છે.  

શાહબાઝ શરીફે ફરીથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો  

એર્દોગન અને શાહબાઝ શરીફ વચ્ચે મહત્ત્વપૂર્ણ મુદાઓ અંગે ચર્ચા થઈ હતી. બંને દેશ વચ્ચે 24 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન શાહબાઝ શરીફે ફરીથી કાશ્મીરનો રાગ આલાપતા કહ્યું હતું કે, 'તૂર્કિયેએ હંમેશા કાશ્મીર મુદે પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. એર્દોગન ઇસ્લામિક જગતના ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને આદરણીય નેતા છે. તૂર્કિયેના રાષ્ટ્રપતિ એર્દોગન હંમેશા ગાઝા, પેલેસ્ટાઇન અને કાશ્મીરના લોકોના અધિકારો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે.'  

એર્દોગને કર્યું કાશ્મીર મુદે પાકિસ્તાનનું સમર્થન  

આ અંગે એર્દોગને પણ કાશ્મીર પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, 'અમે કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે પાકિસ્તાનના પ્રયાસોનું સમર્થન કરીએ છીએ. કાશ્મીર મુદ્દાનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રના નિર્ણયો અને કાશ્મીરના લોકોની અપેક્ષાઓ અનુસાર વાતચીત દ્વારા જ થઈ શકે છે. તૂર્કિયે કાશ્મીરી ભાઈઓ સાથે એકજૂટ થઈને ઊભું છે.'

પાકિસ્તાન અને તૂર્કિયે વચ્ચે મજબૂત થતાં સંબંધો

એર્દોગનની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે તૂર્કિયે અને પાકિસ્તાન સંરક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારી રહ્યા છે. તાજેતરમાં પાકિસ્તાને તૂર્કિયે પાસેથી નૌકાદળના જહાજો ખરીદવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. બંનેએ જાન્યુઆરીમાં પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં નૌકાદળના અભ્યાસો કર્યા હતા. તૂર્કિયે પાકિસ્તાનની સેનાને સતત મજબૂત બનાવી રહ્યું છે. તૂર્કિયે પાકિસ્તાનને T129 ATAK હેલિકોપ્ટર, MILGEM-ક્લાસ કોર્વેટ્સ અને વિવિધ સંરક્ષણ પ્રણાલીઓ પૂરી પાડી રહ્યું છે.

એક તરફ વડાપ્રધાન મોદી અમેરિકા ગયા, બીજી તરફ પાકિસ્તાન પહોંચ્યા તૂર્કિયેના રાષ્ટ્રપતિ, કાશ્મીર રાગ આલાપ્યો 2 - image



Google NewsGoogle News