Get The App

પૂરાવા ક્યાં છે? નિજ્જર હત્યાકાંડમાં ટ્રુડોના દાવા પર કેનેડાના જ મિત્ર દેશે ઉઠાવ્યા સવાલો

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
પૂરાવા ક્યાં છે? નિજ્જર હત્યાકાંડમાં ટ્રુડોના દાવા પર કેનેડાના જ મિત્ર દેશે ઉઠાવ્યા સવાલો 1 - image


વેલિંગ્ટન,તા.13.માર્ચ.2024

ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલામાં ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરે આપેલા નિવેદનના કારણે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોની ઉંઘ ઉડી ગઈ છે.

ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ મુકયો હતો અને ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી પીએમ વિન્સટન પીટર્સે આ દાવાની હવા કાઢી નાંખતુ નિવેદન આપ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડ અને કેનેડા ફાઈવ આઈઝ નામના જાસૂસી ગઠબંધનના સભ્ય છે. જેમાં સામેલ બીજા દેશોમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનનો સમાવેશ થાય છે.

ટ્રુડોએ ફાઈવ આઈઝ ગઠબંધન દ્વારા મળેલી ગુપ્ત માહિતીનો હવાલો આપીને જ ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ મુકયો હતો.હવે વિન્સટન પીટર્સે ભારતના એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કહ્યુ છે કે, આ વિવાદ સર્જાયો ત્યારે હું ન્યૂઝીલેન્ડની સરકારમાં નહોતો પણ ક્યારેક ક્યારેક તમે ફાઈવ આઈઝ...ની ગુપ્ત માહિતીને માત્ર સાંભળતા હોય છે અને તેના પર કોઈ ટિપ્પણી કરતા નથી હોતા.તમને ખબર નથી હોતી કે જે જાણકારી મળી રહી છે તેનુ મૂલ્ય કે તેની ગુણવત્તા કેવી છે.તમે માત્ર એવુ વિચારીને ખુશ થાવ છો કે કોઈ ગુપ્ત માહિતી હાથ લાગી છે.ક્યારેક ક્યારેક આ પ્રકારે શેર થતી જાણકારી બહુ મહત્વની પણ પૂરવાર થતી હોય છે...પણ હું ફરી કહીશ કે નિજજરનો મામલો પાછલી સરકારે સંભાળ્યો હતો....

ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરે આગળ કહ્યુ હતુ કે, હું એક અનુભવી વકીલ છું અને એ રીતે જોઉં તો મને લાગે છે કે, નિજ્જર હત્યાકાંડમાં જે દાવો થયો હતો તેના પૂરાવા ક્યાં છે અને તેના બીજા તારણો પણ ક્યાં છે?...મને તો એક પણ પૂરાવો જોવા મળી રહ્યો નથી.

ફાઈવ આઈઝ સંગઠનના સભ્ય દેશ પૈકી કોઈ એક દેશે નિજજર મામલામાં કેનેડાના દાવા પર સંદેહ વ્યક્ત કર્યો હોય તેવી આ પહેલી ઘટના છે અને તેના કારણે ટ્રુડોના દાવાની વિશ્વસનિયતા પર ફરી સવાલો ઉભા થવા સ્વાભાવિક છે.

ભારત તો પહેલેથી જ નિજ્જરની હત્યામાં પોતાની કોઈ સંડોવણી હોવાનુ ઈનકાર કરતુ રહ્યુ છે.ભારતે કેનેડા પાસે તેના દાવાને પૂરવાર કરવા માટે પૂરાવા પણ માંગ્યા છે.જોકે ટ્રુડો સરકાર હજી સુધી એક પણ પૂરાવો જાહેર કરી શકી નથી.


Google NewsGoogle News