નેવલ ઑબ્ઝર્વરેટરીમાં રહેશે જે. ડી. વેન્સ અને ઉષા, ત્રણ માળના આ બંગલૉમાં બુશે કરી હતી 900 પાર્ટી
US Vice President Residence: અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસ સ્થાનનું નામ વ્હાઇટ હાઉસ છે. દૂધિયા રંગમાં ચમકતી આ આલિશાન ઈમારતને જોવા લોકો દૂર-દૂરથી અહીં પહોંચે છે. કારણકે, આ અમેરિકન પ્રમુખનું નિવાસ સ્થાન છે, તેથી અહીં ખૂબ જ કડક સુરક્ષા હોય છે.
6 નવેમ્બરે અમેરિકન પ્રમુખની ચૂંટણીના પરિણામો બાદ હવે એ વાતની ચર્ચા થઈ રહી છે કે, અમેરિકન પ્રમુખ તો વ્હાઇટ હાઉસમાં રહે છે, પરંતુ ઉપ પ્રમુખના રહેવા માટે શું નક્કી કરવામાં આવ્યું છે? શું અમેરિકન ઉપપ્રમુખને પણ સત્તાવાર નિવાસ મળે છે કે તે પોતાના જ ઘરે રહે છે? ચાલો જાણીએ અમેરિકાના નવા ઉપ પ્રમુખ બનવા જઈ રહેલાં જેડી વેન્સ અને તેમની ભારતીય મૂળની પત્ની ઉષા ચિલુકુરી વેન્સ હવે ક્યાં રહેશે?
આ પણ વાંચોઃ ટ્રમ્પની વાપસીથી દુનિયામાં રોકાઈ જશે યુદ્ધ? અગાઉ પણ કટ્ટર દુશ્મનો વચ્ચે કરાઇ હતી મિત્રતા
ક્યાં છે ઉપપ્રમુખનું ઘર?
વ્હાઇટ હાઉસની સત્તાવાર વેબસાઇટ અનુસાર, અમેરિકન ઉપ પ્રમુખ જે જગ્યાએ રહે છે, તે ઘર અમેરિકાની સૌથી જૂની વૈજ્ઞાનિક એજન્સીઓમાંથી એક યુએસ નેવલ ઑબ્ઝર્વેટરીના મેદાનમાં સ્થિત છે. વોશિંગ્ટન ડીસીમાં સ્થિત આ ઘરને 1893માં યુએસ નેવલ ઑબ્ઝર્વેટરી (USNO)ના અધિક્ષક માટે બનાવવામાં આવ્યું હતું.
પહેલાં અલગ હતી વ્યવસ્થા
ઈતિહાસમાં ડોકિયું કરતા જણાય છે કે, અમેરિકાના પહેલાં ઉપ પ્રમુખ પોતાના જ ઘરમાં રહેતા હતા, પરંતુ એક સમય એવો આવ્યો કે અમેરિકામાં પોતાનું ઘર ખરીદવું મોંઘું અને મુશ્કેલ થતું ગયું. ત્યાર પછી ઉપ પ્રમુખ માટે પણ સત્તાવાર નિવાસ બનાવવાની જરૂરિયાતનો અનુભવ થયો.
પહેલીવાર આ ઉપપ્રમુખને મળ્યું સરકારી આવાસ
1974માં નંબર વન ઑબ્ઝર્વેટરી સર્કિલના ઘરને કોંગ્રેસે અપડેટ કર્યું અને તેને ઉપપ્રમુખના સત્તાવાર આવાસ તરીકે અધિકૃત કરવામાં આવ્યું હતું. ત્રણ વર્ષ બાદ 1977માં વોલ્ટર મોંડેલ આ આવાસમાં રહેનાર અમેરિકાના પહેલાં ઉપપ્રમુખ બન્યા. મોંડેલ અમેરિકાના 42માં ઉપપ્રમુખ હતાં.
શું પ્રવાસીઓ લઈ શકે મુલાકાત?
આ ઘરને ક્વિન એની શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. ગોળ બુર્જ ઓરડા અને મોટા રેપરાઉન્ડ ઝરૂખા તેની વિશેષતા છે. આ ત્રણ માળનું ઘર 12 એકર જમીન (9150 વર્ગફૂટ)માં ફેલાયેલું છે. લોકોના મનોરંજન માટે અહીં ઘણું બધું છે. ઉપ પ્રમુખ તરીકેના 8 વર્ષના કાર્યકાળમાં જ્યોર્જ ડબ્લ્યુ બુશે અહીં 900 પાર્ટી યોજી હતી. જો કે વ્હાઈટ હાઉસથી વિરૂદ્ધ ઑબ્ઝર્વેટરી સર્કલમાં સામાન્ય પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે.