Golden Era of Hockey- જયારે બર્લિન ઓલિમ્પિકમાં જર્મનીને ભારત સામે હારતું જોઇને હિટલરે મેદાન છોડી દીધેલું
બર્લિન ઓલિમ્પિક સમયે આંતરરાષ્ટ્રીય રાજકારણ ખુબજ પેંચિદુ બન્યું હતું
હિટલરે પણ ભારતની હોકી ટીમ અને ધ્યાનચંદની રમત વખાણી હતી
નવી દિલ્હી,8 ઓગસ્ટ,2024,ગુરુવાર
ટોક્યો પછી પેરિસ ઓલિમ્પિકમાં પણ ભારતની હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેળવીને હોકીના ગોલ્ડન દિવસોની યાદ તાજી કરાવી છે. એક જમાનામાં હોકીના જાદૂગર તરીકે મેજર ધ્યાનચંદ નું નામ ખૂબ આદરથી લેવાતું હતું. ચાર વર્ષે રમાતો વિશ્વ રમતોત્સવ 1936માં જર્મની દેશનાં બર્લિનમાં યોજાયો હતો. હોકીની રમત માટે ગોલ સમ્રાટ ધ્યાનચંદે એજસ્ટડર્મ અને લોસ એન્જેલસમાં ગોલ્ડ મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. .
બર્લિન ઓલિમ્પિકના સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણ ખુબજ પેંચિદુ બન્યું હતું જર્મનીના સરમુખત્યાર હિટલર અને ઇંગ્લેન્ડ તથા સાથી દેશો વચ્ચે સંબંધો બની રહ્યા હતા પુર્ણ કક્ષાનું વિશ્વ યુધ્ધ ફાટી નીકળે તેના ભણકારા સંભળાતા હતા. બર્લિન ઓલિમ્પિકમાં ગેલ્ડ મેળવવા માટે ભારતી ય હોકી ટીમે તથા ધ્યાનચંદે ખુબજ પ્રેકિટસ કરી હતી પરંતુ ઓલિમ્પિક શરુ થાય તે પહેલા ધ્યાનચંદની રેજીમેન્ટ વઝિરીસ્તાન ખાતે મોરચો સંભાળી રહી હોવાથી આર્મિએ બર્લિન ઓલિમ્પિકમાં રમવાની ધ્યાનચંદને મંજુરી આપવા તૈયાર ન હતી.
ધ્યાનચંદ વગરની હોકી ટીમ ખુબજ નબળી જણાતી હતી. છેવટે પાછળથી બર્લિન જવાની મંજુરી મળી જતા ધ્યાનચંદ ટીમમાં જોડાઇ ગયા હતા. ધ્યાનચંદે ઓલિમ્પિકમાં હોકીનું નેતૃત્વ સંભાળતા ભારતની હોકી ટીમમાં એક નવા ઉત્સાહનો સંચાર થયો હતો. ઓલિમ્પિકની સ્પર્ધાત્મક મેચ શરુ થાય તે પહેલા જર્મની સામે રમાયેલી એક મૈત્રી મેચમાં હોકી ટીમનો પરાજય થયો હતો.
ભારતીય ટીમે ગોલ્ડ મેડલ માટે ફાઇનલ મેચ જર્મની સામે રમવાની હતી. ભારતના હોકી ખેલાડીઓએ મેદાન પર ખેલાડીઓએ દેશને ગૌરવ થાય તેવું પ્રદર્શન કરવાનું શરુ કર્યું. હોકીની જાદુઇ સ્પર્શ જોતજોતામાં ગોલ ફેરવાઇ જતો ત્યારે જર્મન પ્રેક્ષકની છાવણીમાં સોંપો પડી જતો. પહેલા હાફમાં એક માત્ર ગોલ ભારત તરફથી થયો. જર્મની 1-0 થી પાછળ રહી ગયેલું. બીજા હાફમાં ગોલની સરસાઇ મેળવવા જર્મન ટીમ મરણિયા પ્રયાસો કરવા માંડી પરંતુ ઉપરાછાપરી ગોલ ફટકારીને જર્મનીને ખુબજ પાછળ મુકી દીધું. જર્મનોની રમતમાં કૌશલ્ય કરતા આવેશ, ઉતેજના અને નકારાત્મકતા વધારે જોવા મળતી હતી.
જર્મનીને 8-1ના મોટા માર્જિનથી પરાજય આપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો
એક જમાનામાં સરમુખત્યાર હિટલરે જર્મન પ્રજામાં કટ્ટર રાષ્ટ્રવાદ ભરી દીધો હતો. આ મેચ જોવા માટે ખુદ હિટલર હાજર રહેવાથી તેનું મહત્વ જર્મનો માટે ખુબજ વધી ગયું હતું. જર્મન ટીમના ખેલભાવના વગરના પક્ષપાતિ વ્યહવારથી જાદુગર ધ્યાનચંદનો એક દાંત હરીફ ટીમના ખેલાડીની હોકી સ્ટીક વાગવાથી તૂટી ગયો હતો. જો કે ધ્યાનચંદે જરા પણ વિચલિત થયા વિના હોકી રમવાનું ચાલું રાખ્યું. છેવટે જર્મનીને 8-1ના મોટા માર્જિનથી પરાજય આપીને હોકી રમતનો સુવર્ણચંદ્રક સતત ત્રીજી વખત જીત્યો. ધ્યાનચંદે આ મેચમાં કુલ 6 ગોલનો ફાળો આપ્યો હતો.
હોકી મેચ પુરી થયા પછી હિટલરે ભારતના કેપ્ટનને મળવા બોલાવ્યા હતા
ધ્યાનચંદ્ જર્મનની જીત જોવા માટે જીવ ઉંચો નીચો કરીને મેચને રસપૂર્વક નિહાળનાર જર્મનોમાં હિટલર ખુદ હતો. પરંતુ ભારતનું જીતનું પલ્લુ ભારે જણાતા હિટલર અધવચ્ચેથી જ મેચ છોડીને જતો રહ્યો. ખાસ તો ધ્યાનચંદની રમતથી એટલો પ્રભાવિત થયો કે તાત્કાલિક ધ્યાનચંદ વિષે માહિતી મંગાવી હતી. મેચ પુર્ણ થયા બાદ હિટલરે મળવા માટે બોલાવ્યા હતા.
જર્મન ટીમને ખુબજ ખરાબ રીતે હરાવી તેના બદલામાં હિટલર કંઇક પગલાં ભરશે એવો કદાંચ ધ્યાનચંદને ડર પણ હતો.હિટલરની કૃર સરમુખત્યાર તરીકેની વિશ્વમાં છાપ હતી. ધ્યાનચંદ હિટલરને મળ્યા ત્યારે હિટલરે જર્મન લશ્કરમાં ફિલ્ડમાર્શલનો હોદ્દો આપવાની લલચામણી ઓફર કરી. તેમજ હોકીની રમતના ખુબજ વખાણ કર્યા. હિટલરના આ પ્રસ્તાવને ધ્યાનચંદે ખુબજ નમ્રતા પૂર્વક ફગાવી દીધો હતો.
ભારતની હોકી ટીમ બર્લિન ઓલમ્પિકમાંથી પાછી ફરી ત્યારે દેશમાં રાજ કરતી અંગ્રજ સરકારે ખુબજ વખાણ કર્યા. ખાસતો હિટલરની હાજરીમાં જર્મનીની ટીમને ધુળ ચાટતી કરી તેનું મહત્વ હતું એનાથી પણ ખાસ તો ધ્યાનચંદે હિટલરની લલચામણી ઓફરને ફગાવી દીધી તેનું તો ખુબજ મહત્વ હતું. અંગ્રેજ સરકારે બર્લિન વિજયની ખુશીમાં ધ્યાનચંદને આર્મિમાં નાયક બનાવી દિધા હતા.