હવે શું કરશે ભારત? શેખ હસીના વિરુદ્ધ વોરંટ જાહેર, 18 નવેમ્બર સુધી હાજર થવા આદેશ
Image: Facebook
Arrest Warrant Issued against Sheikh Hasina: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલી વધી ગઈ છે. બાંગ્લાદેશની એક કોર્ટે તેમના વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. કોર્ટે 18 નવેમ્બર સુધી શેખ હસીનાને રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT) ના મુખ્ય ફરિયાદી મોહમ્મદ તજુલ ઈસ્લામે આ વાતની જાણકારી શેર કરી. શેખ હસીના વિરુદ્ધ બાંગ્લાદેશમાં માનવાધિકાર હનન સાથે જોડાયેલા ઘણા મામલાની તપાસ ચાલી રહી છે. તેમની પર વિદ્યાર્થી આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર ઘણા વિદ્યાર્થીઓની હત્યાનો પણ આરોપ છે.
આ પણ વાંચો: ભારત માટે શરમજનક સ્થિતિ હશે...: શેખ હસીનાના પ્રત્યર્પણ મામલે બાંગ્લાદેશના વિદેશ મંત્રીનું મોટું નિવેદન
બાંગ્લાદેશમાં પ્રત્યર્પણની માગ ઉઠી
બાંગ્લાદેશમાં ઘણી વખત શેખ હસીનાના પ્રત્યર્પણની માગ ઉઠી ચૂકી છે. આ મામલે ભારતની સામે રાજદ્વારી સંકટ પણ ઊભુ થઈ ગયુ છે. માનવામાં આવી રહ્યું છે કે શેખ હસીનાના કારણે બંને દેશોની વચ્ચે સંબંધો પર પણ અસર પડી શકે છે. ભારત અને બાંગ્લાદેશની વચ્ચે એક પ્રત્યર્પણ સંધિ 2013માં થઈ હતી. હવે સવાલ ઉઠે છે કે જો બાંગ્લાદેશની વચગાળાની સરકાર શેખ હસીનાના પ્રત્યર્પણની માગ કરે છે તો શું ભારત તેની વિનંતીનો સ્વીકાર કરશે.
ભારત-બાંગ્લાદેશ વચ્ચે સંધિ શું છે?
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે થયેલી પ્રત્યર્પણ સંધિ અનુસાર સરહદ પર ઉગ્રવાદ, આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ પેદા કરનાર ગુનાગારોને કોઈ પણ દેશ વિનંતી પર પાછા મોકલશે. ખાસ વાત એ છે કે વ્યક્તિ પર લાગેલા આરોપ બંને દેશોમાં દંડનીય ગુના હેઠળ વર્ગીકૃત થવા જોઈએ.
આ પણ વાંચો: શેખ હસીનાની પાર્ટીના કાર્યકરોની હાલત કફોડી, ઘરે જવા લાખો રૂપિયાની થઈ રહી છે વસૂલી
ભારત પ્રત્યર્પણની ના પાડી શકે છે
શેખ હસીના પર નરસંહાર, હત્યા સહિત ઘણા ગંભીર આરોપ લાગેલા છે. 2016ના સંશોધન અનુસાર પ્રત્યર્પણ માટે પુરાવાની જરૂરિયાતને પણ ખતમ કરી દેવામાં આવી છે. હવે જો કોઈ પણ દેશની કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યું છે તો પ્રત્યર્પણ કરવું પડશે. જોકે સંધિના અનુચ્છેદ 6 અનુસાર જો ગુનો રાજકીય પ્રકૃતિનો છે તો પ્રત્યર્પણથી ઈનકાર કરી શકાય છે. આ સિવાય સૈન્ય ગુના સાથે જોડાયેલા મામલામાં પણ પ્રત્યાર્પણથી ઈનકાર કરી શકાશે.
પાંચ ઓગસ્ટે દેશ છોડ્યો હતો
આ વર્ષે જુલાઈ મહિનામાં બાંગ્લાદેશમાં અનામત વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી વિદ્યાર્થી આંદોલન થયુ હતુ. એક મહિના સુધી ચાલેલા આંદોલનમાં 400થી વધુ લોકોના જીવ ગયા હતા. તે બાદ ઉગ્ર વિદ્યાર્થીઓએ રાજધાની ઢાકા તરફ કૂચ કરી હતી. પાંચ ઓગસ્ટે સુરક્ષાના કારણે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધુ હતુ અને સેનાના હેલિકોપ્ટરથી ભારત આવી ગયા હતા. ત્યારથી શેખ હસીનાએ ભારતમાં શરણ લીધું છે.