Get The App

અસદ મુક્ત સીરિયાનું ભવિષ્ય કેવું હશે? આનંદ ઉત્સાહ વચ્ચે અજંપો પણ સૌને મૂંઝવે છે

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
અસદ મુક્ત સીરિયાનું ભવિષ્ય કેવું હશે? આનંદ ઉત્સાહ વચ્ચે અજંપો પણ સૌને મૂંઝવે છે 1 - image


- આગળનો માર્ગ કઠોર છે પરંતુ સીરિયાના લોકોની સ્થિતિ સ્થાપકતા આશાનાં કિરણરૂપ બની રહી છે

દમાસ્કસ, નવીદિલ્હી : બશર-અલ-અસદનાં પતને સીરીયામાં નવા યુગનો પ્રારંભ કર્યો છે. અર્ધી સદી સુધી સીરીયા પર શાસન કરનાર અસદ્ કુટુમ્બનાં શાસનના અંતને લીધે એક બાજુ આનંદ ઉત્સાહ વ્યાપી રહ્યો છે. તો બીજી બાજુ ન જાણી શકાય તેવો અજંપો પણ જનસામાન્યને મુંઝવી રહ્યો છે.

અસદનાં પતન પછી લોકોએ જેલખાના પણ તોડી નાંખ્યા હતા. તો બીજી તરફ વિપ્લવીઓનાં કેટલાંક નાના-નાના જૂથો આપસમાં લડી રહ્યા છે. તેઓ વળી વિદેશી દળો સાથે પણ લડી રહ્યા છે. સીરીયામાં જાણે કે 'સત્તાવકાશ' થઇ ગયો છે. સામે અનેકાનેક પડકારો પણ રહ્યા છે.

એનડીટીવી સાથેની વાતચીતમાં સીરીયાના વરિષ્ઠ પત્રકાર અને ફિલ્મ મેકર અબ્દો ફયાદે (દમાસ્કસમાં) જણાવ્યું હતું કે, આ વિપ્લવી વિજયનાં મૂળ તો ૨૦૧૬માં ઇદબીલમાં રહેલા છે. પહેલા તો તે આંદોલન માત્ર એ ઉત્તર-પશ્ચિમના શહેર સુધી જ મર્યાદિત હતું. વિપ્લવોએ પછી ઇદબીલ આસપાસ કબ્જો જમાવ્યો હતો. તે પછી તેઓ આગળ વધતા ગયાં. જો કે, તે પછી તેઓએ ૨૦૧૯માં સારાક્વિબ, મારાત-અલ-નુમાન અને ખાન શેખોં જેવા મહત્વના  શહેરો પરનો કબજો ગુમાવી દીધો હતો. તે પછી ૨૦૨૪માં તેઓએ તે શહેરો ઉપર ફરી પાછો કબજો મેળવી લીધો. ઉપરાંત અલેપ્પો, હામા, હોમ્સ અને છેલ્લે દમાસ્કસ ઉપર પણ કબજો જમાવ્યો છે.

હવે મુખ્ય પ્રશ્ન સીરીયામાં રહેતી ખ્રિસ્તી અને ડ્રુનમ તથા અન્ય લઘુમતિઓની સલામતીનો છે. અલેપ્પો, હમા, દમાસ્કસ અને લટ્ટકિયાનો સાંસ્કૃતિક અને ધાર્મિક વૈવિધ્ય માટે વિખ્યાત છે. તે શહેરોમાં હજી સુધી તો લઘુમતિઓ ઉપર હુમલા થયા હોવાની કોઇ વિગતો મળી નથી. પરંતુ એક ભીંતિ હજી પણ ત્યાં રહેલા આઈએસઆઈએસના આતંકીઓનો છે. તેઓ હજી પણ કેટલાંક સ્થાને અડ્ડા નાખી પડયા છે. પરંતુ તેમના હાથમાં બહુ થોડા વિસ્તારો છે.

ફયાદે વધુમાં કહ્યું હતું કે દેશમાં કોમી એખલાસ જાળવવા અગ્રીમ નેતાઓ, દરેક ધર્મના નેતાઓને બોલાવી તેમના પ્રશ્નો ઉકેલી રહ્યા છે. ઉપરાંત રાજદ્વારીઓને સલામતીની ખાતરી આપવામાં આવી છે. આમ છતાં તે વરિષ્ઠ પત્રકાર અબ્દો ફયાદે કહ્યું હતું કે, અમારા માટે આગળનો માર્ગ કઠોર છે પરંતુ સીરીયાની જનતામાં મને વિશ્વાસ છે. તેઓની સ્થિતિ સ્થાપકતા આશાનાં કિરણરૂપ બની રહી છે.


Google NewsGoogle News