Get The App

આ તે કેવા કાફે ? ભૂંડના બચ્ચાને ૩૦ મીનિટ રમાડવાનો ચાર્જ ૧૨૦૦ રુપિયા

છેલ્લા કેટલાક સમયથી સુઅર પાલનની લોકપ્રિયતા વધતી જાય છે

બાળકોથી લઇને પુખ્તવયના એમ સૌને નાના પિગ્સ સાથે રહેવું ગમે છે.

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
આ તે કેવા કાફે ? ભૂંડના બચ્ચાને ૩૦  મીનિટ રમાડવાનો ચાર્જ ૧૨૦૦ રુપિયા 1 - image


ટોકયો, 8 નવેમ્બર,2024,શુક્રવાર 

જાપાનના ટોક્યો શહેરથી ૨૫ કિમી દૂર ઓસાકાના રસ્તે કેટલાક કેફે ખૂલ્યા છે જે નાના પિગ્સ (ભૂંડના બચ્ચા)ને લઇને ચર્ચામાં રહે છે. કેફમાં આવતા ગ્રાહકો નાના પિગ્સ સાથે સેલ્ફી લેવાનું કે કોઇ પાસે ફોટા પડાવવાનું ચુકતા નથી. તેમનું કેફેમાં આવવાનું કારણ જ નાના ભૂંડ છે એમ કહીએ તો પણ જરાંય અતિશયોકિત નથી. એવો દાવો કરવામાં આવે છે કે આ સૂઅર ખાસ પ્રકારની પ્રજાતિના છે જેને મિનિએચર કહેવામાં આવે છે.

લોકો પીગ્સને હાથમાં લઇને પંપાળે છે. આ નાના ભૂંડ કાફેમાં આકર્ષણ જમાવી રહયા છે. ભૂંડના બચ્ચાઓ સાથે કેફમાં સમય વિતાવવા ૩૦ મિનિટના ૨૨૦૦ યેન એટલે કે ભારતીય રુપિયામાં ૧૨૦૦ રુપિયા આપવા પડે છે. ટોક્યો આસપાસ  છેલ્લા કેટલાક સમયથી કેફેમાં સુઅર પાલનની લોકપ્રિયતા વધતી જાય છે તેને પિગ્સ કેફે કહેવામાં આવે છે. ૨૦૧૯માં ટોક્યોમાં પ્રથમ પિગ્સ કેફે ખૂલ્યું હતું. હાલમાં ૧૦ જેટલા કેફે ચાલે છે જયારે કેટલાક હજુ ખુલવાની રાહ જોઇ રહયા છે.

આ તે કેવા કાફે ? ભૂંડના બચ્ચાને ૩૦  મીનિટ રમાડવાનો ચાર્જ ૧૨૦૦ રુપિયા 2 - image

 ટોક્યોમાં અગાઉ બિલાડી કાફે હતા પરંતુ પિગ્સ કાફે એક નવો ટ્રેન્ડ શરુ થયો છે. લોકો ડિનર લઇ રહયા હોય ત્યારે પિગ આસપાસ આમ તેમ ફરતા જોઇને ગ્રાહકો રોમાંચ અનુભવે છે. બાળકોથી લઇને પુખ્તવયના એમ સૌને નાના પિગ્સ સાથે રહેવું ગમે છે. નવાઇની વાત તો એ છે કે પિગ કાફેની કોઇ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવતી નથી તેમ છતાં પ્રવાસીઓ સ્થાનિક લોકો સાથે પૂછપરછ કરીને આવે છે. ખાસ કરીને ટોકયોમાં ફરવા આવતા વિદેશી પ્રવાસીઓને ખૂબજ આકર્ષિત કરે છે.

પિગ્સ ઝડપી દોડતા હોય ત્યારે કેવી રીતે હેન્ડલ કરવા તે પણ શિખવવામાં આવે છે.પિગ્સને નજીક લાવવા માટે બળજબરીથી પ્રયાસ નહી કરવાની સૂચના આપવામાં આવે છે. કયારેક પિગ્સને રમાડવાના હેતુંથી આંગળી બતાવવામાં આવે ત્યારે ખોરાક સમજીને બાઇટ કરી શકે છે એવી ચેતવણી પણ આપવામાં આવે છે. પિગ્સને ગ્રાહક કશું પણ ખવડાવવા પર પ્રતિબંધ છે. ફોટોગ્રાફી કરવાની છૂટ મળે છે પરંતુ ફલેશ બંધ રાખવો પડે છે. ફલેશથી પિગ્સ અંજાઇને ભડકી જતા હોય છે. પિગ્સ થાકેલા હોયતો આરામ માટે અલગ ઓરડામાં લઇ જવામાં આવે છે. પશુવૈધ નિયમિત રીતે તેમના સ્વાસ્થ્યની તપાસ કરે છે.

આ તે કેવા કાફે ? ભૂંડના બચ્ચાને ૩૦  મીનિટ રમાડવાનો ચાર્જ ૧૨૦૦ રુપિયા 3 - image

યુનિવર્સિટી ઓફ લીડસના નેતૃત્વમાં જાણવા મળ્યું હતું કે આ સુંદર પ્રાણીઓને જોવાથી તણાવ અને બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે.  કેટલાક નિષ્ણાતો માને છે કે વાસ્તવમાં માઇક્રો પિગ એક કોઇ ડૂક્કરની જાતિ નથી. એક પિગની કિંમત ૧ લાખ રુપિયા આસપાસની હોય છે. કેટલાક કેફે પિગ તૈયાર કરીને વેચવાનું કામ કરે છે.  આને ગેરકાયદેસર રીતે સંવર્ધન કરીને તૈયાર કરવામાં આવે છે. કેટલાક પિગ્સને કુપોષિત કરીને પણ નાના રાખવામાં આવે છે. કેટલાકે માઇક્રો પિંગ ખરીદયા હોય તેમને છેતરામણીનો અનુભવ પણ થયો છે. ૩૦ કિલોગ્રામથી વધારે વજન વધશે નહી એવો દાવો કરવામાં આવે છે પરંતુ વજન સતત વધતું રહે છે.


Google NewsGoogle News