યુક્રેનની વિજય યોજના શી છે ? પશ્ચિમના દેશો તેને સાથ આપશે ?
- ફ્રાંસે કહ્યું પહેલાં અન્ય દેશોને એક સાથે રાખવા પડે, જર્મનીએ ક્રૂઝ મિસાઇલ્સની ના કહી : હંગેરીએ તે યોજના ભયંકર કહી
કીવ : યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ રશિયા સાથેનું યુદ્ધ ખત્મ કરવા નિર્ણય કર્યો છે. તે માટે તેમણે વિજય યોજના ઘડી કાઢી છે. તે યોજના અંગે પશ્ચિમના દેશોની મિશ્ર પ્રતિક્રિયા મળે છે.
ઝેલેન્સ્કીએ તે યોજનાની રૂપરેખા દેશ-વિદેશમાં રજૂ કરી છે. તેમાં યુક્રેનને નાટોમાં સામેલ થવાનું વિધિવત આમંત્રણ મળવું જોઇએ તેમ કહેવાયું છે, સાથે રશિયા ઉપર આક્રમણ કરવા માટે લાંબાઅંતરનાં મિસાઇલ્સ વાપરવા દેવાની અનુમતિ આપવાની વાત સામેલ છે.
આ બંને પગલાં તેવાં છે કે તે માટે કીવના સહયોગીઓ પહેલેથી જ અનિચ્છુક છે. ઝેલેન્સ્કીએ જો તેમના તે પ્રસ્તાવો માટે અન્ય દેશોનું સમર્થન મેળવ્યું હોય તો સૌથી પહેલાં અમેરિકાનું સમર્થન મેળવવું અનિવાર્ય છે. આ અંગે વિશ્લેષકોનું કહેવું છે કે અમેરિકામાં પાંચ નવેમ્બરે યોજાનારી પ્રમુખપદની ચૂંટણી પહેલાં બાયડેન કોઈ નિર્ણય લે તે શક્ય નથી. બીજી તરફ ઝેલેન્સ્કી તેમ માને છે કે રશિયા સાથેની શાંતિ મંત્રણા પહેલાં તેમના પ્રસ્તાવોને સમર્થન મળવું જરૂરી છે, જેથી મંત્રણામાં તેઓને લિવરેજ મળે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ તે પ્રસ્તાવો અંગે કોઈ પ્રતિબધ્ધતા દર્શાવી જ નથી. પરંતુ યુક્રેન માટે ૪૨.૫ કરોડ ડોલરનું નવું પેકેજ તે દિવસે જ જાહેર કર્યું હતું કે જે દિવસે ઝેલેન્સ્કીએ સાંસદો સમક્ષ તે યોજના દર્શાવી હતી.
અમેરિકાના સંરક્ષણ મંત્રી લૉઇડ ઓસ્ટિને કહ્યું હતું કે તે યોજનાનું જાહેરમાં મુલ્યાંકન કરવાનું મારૃં કામ નથી.
યુરોપીય દેશોનાં સ્પષ્ટ સમર્થનથી શરૂ કરી સ્પષ્ટ વિરોધ તેવી બે પરસ્પર વિરોધી પ્રતિક્રિયા મળી હતી. ફ્રાંસના વિદેશ મંત્રી જીન-નોએલ બૈરોટે શનિવારે કીવમાં કહ્યું કે તે પ્રસ્તાવના સમર્થન માટે અન્ય દેશોને એકજૂથ કરવામાં તે યુક્રેની અધિકારીઓ સાથે કામ કરશે.
જર્મનીના ચાન્સેલર ઑલાફ શોલ્ઝે કીવને 'ટોરોસ' નામક દૂર સુધી પ્રહાર કરી શકે તેવાં મિસાઇલ્સ આપવાની ના કહી દીધી છે. તેમણે કહ્યું યુક્રેનનાં રક્ષણ માટે તૈયાર છીએ પરંતુ તે મિસાઇલ્સનો રશિયા સામે ઉપયોગ થાય તો વ્યાપક યુદ્ધ ફાટી નીકળે માટે અમે તે મિસાઇલ્સ આપવાની ના કહીએ છીએ.
હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓર્બને તો સ્પષ્ટ ના કહી દીધી છે તેમણે તે યોજનાને ભયંકર કહી છે. વિક્ટર આબર્નના પુતિન સાથે ઘણા સારા સંબંધો છે તે સર્વવિદિત છે.