Simla Agreement: શિમલા કરાર શું છે, પાકિસ્તાન તેને રદ કરવાની ધમકી કેમ આપી રહ્યું છે? જાણો ભારત પર તેની અસર
Simla Agreement : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ એક પછી એક શખ્ત નિર્ણય લેવામાં આવી રહ્યા છે. જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવી, પાકિસ્તાની નાગરિકોને વિઝા ન આપવા અને દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના સ્ટાફની સંખ્યામાં ઘટાડો જેવા પગલાંથી પાકિસ્તાનની શહબાઝ સરકાર પર દબાણ વધ્યું છે. ભારતની આ કાર્યવાહીના જવાબમાં પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની એક બેઠક યોજાઈ હતી. મળતી માહિતી મુજબ, પાકિસ્તાને હવે શિમલા કરાર રદ કરવાની ધમકી આપવાનું શરૂ કરી દીધું છે. હવે સવાલ એ છે કે, આ શિમલા કરાર ખરેખર શું છે?
શિમલા કરાર ક્યારે થયો હતો?
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971ના યુદ્ધ પછી શિમલા કરારનો પાયો નાખવામાં આવ્યો હતો. આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનના પૂર્વ ભાગ હાલના બાંગ્લાદેશને મુક્ત કરાવ્યો હતો અને પાકિસ્તાની સેનાએ આત્મસમર્પણ કર્યું હતું. લગભગ 90 હજાર પાકિસ્તાની સૈનિકોને ભારતે બંદી બનાવ્યા હતા.
જ્યારે ભારતી પશ્ચિમ પાકિસ્તાનનો લગભગ 5 હજાર ચોરસ માઇલનો કબજો પણ મેળવી લીધો હતો. આ યુદ્ધના લગભગ 16 મહિના પછી, 2 જુલાઈ 1972 ના રોજ, હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચે આ ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર થયા હતા.
શિમલા કરાર શા માટે કરવામાં આવ્યો હતો?
શિમલા કરાર વાસ્તવમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવા અને ભવિષ્યમાં કોઈપણ વિવાદને શાંતિ અને વાતચીત દ્વારા ઉકેલવાની પ્રતિબદ્ધતા છે. આ કરારમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન તેમના તમામ મુદ્દાઓ પરસ્પર વાતચીત દ્વારા ઉકેલશે. કોઈ ત્રીજા દેશ કે સંગઠનને આમાં દખલ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ કરારનો એક મહત્ત્વપૂર્ણ મુદ્દો એ હતો કે, ભારત અને પાકિસ્તાન પરસ્પર સંમતિથી કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC)ને માન્યતા આપશે અને કોઈપણ પક્ષ તેને એકપક્ષીય રીતે બદલશે નહીં. બંને દેશોએ એ પણ સંકલ્પ કર્યો કે તેઓ એકબીજા સામે બળનો ઉપયોગ, યુદ્ધ કે ભ્રામક પ્રચારનો આશરો લેશે નહીં. તેઓ શાંતિ જાળવી રાખશે અને સંબંધોમાં સુધારો કરશે.
આ કરાર હેઠળ, ભારતે કોઈપણ શરત વિના 90 હજાર પાકિસ્તાની સૈનિકોને મુક્ત કર્યા અને કબજા હેઠળનો વિસ્તાર પણ છોડી દીધો હતો. પાકિસ્તાને કેટલાક ભારતીય કેદીઓને પણ મુક્ત કર્યા હતા. પરંતુ દાયકાઓ પછી જ્યારે ભારતે આતંકવાદી પ્રવૃત્તિઓ પર પાકિસ્તાનને ઘેરી લીધું છે અને સિંધુ જળ સંધિ જેવા પગલાં લીધા છે, ત્યારે પાકિસ્તાન શિમલા કરારનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યું છે.
આ પણ વાંચો: પહલગામ આતંકી હુમલા પર સર્વદળીય બેઠક, રાહુલ ગાંધીએ કહ્યું- 'સરકારને અમારો પૂરો સપોર્ટ'
પાકિસ્તાન તરફથી શિમલા કરાર રદ કરવાની ધમકી ફક્ત એક રાજકીય યુક્તિ છે. ભારતે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય છે અને શિમલા કરાર તેનો આધાર છે. આ કરાર રદ કરવાની ધમકી આપીને, પાકિસ્તાન ફક્ત તેની આંતરરાષ્ટ્રીય છબીને નુકસાન નહીં પહોંચાડશે, પરંતુ તે સાબિત કરશે કે તે શાંતિપૂર્ણ ઉકેલમાં માનતું નથી.