ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં યુએસએ ઉતાર્યો 'મહાકાલ' USS જેરાલ્ડ-ફોર્ડ શું છે ? દુશ્મનો તેનાથી કેમ થથરે છે ?
- દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે
- ઈરાક, ઈરાન, મિસ્ર, સીરીયા, તુર્કી, કતાર તથા લેબેનોન સહિત અનેક મુસ્લિમ દેશોએ ઈઝરાયલને ચેતવણી આપી છે ત્યારે બાયડેને નેતા ન્યુહને ટેકો આપ્યો છે
નવી દિલ્હી : હમાસ-ઈઝરાયલના યુદ્ધના ચોથે દિવસે ગાઝા પટ્ટીમાં હાલત બહુ નાજુક બની રહી છે. ઈઝરાયલમાં રાત-દિવસ સતત બોમ્બવર્ષા કરી રહ્યું છે. ત્યાં ૧૦૦ બાળકો સહિત ૭૦૦ થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે, ૩૦૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. સમગ્ર ગાઝા પટ્ટી ઉપરના આકાશમાં વારંવાર ધુમાડાના ગોટા ઉડી રહ્યા છે. ઈઝરાયલે 'બંકર-બસ્ટર' નામના પ્રચંડ બોમ્બથી ઉત્તર પશ્ચિમ ગાઝા સ્થિત બંકરોને નિશાન બનાવ્યા છે. સેના હવે ત્યાં સૈનિકો કે જનસામાન્યમાં કોઈ ફર્ક રાખતી નથી, બેરહમીથી બોમ્બવર્ષા કરી રહ્યું છે.
દુનિયા હમાસ અને ઈઝરાયલના સમર્થકો વચ્ચે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. ઈઝરાયલી હુમલાથી આરબ દેશો ઉકળી ઉઠયા છે. (હમાસની બર્બરતા વખતે કેમ ચુપ હતા તેમ નિરીક્ષકો પૂછે છે.) બગદાદ સહિત અનેક શહેરોમાં ઈઝરાયલ અને અમેરિકા વિરૂદ્ધ નારાબાજી અને દેખાવો થઈ રહ્યા છે અને ગાઝામાં શાંતિ સ્થાપવા માટે પ્રદર્શનો થાય છે. ઈરાનની સાથોસાથ લેબેનોનમાં પણ પ્રદર્શનો થાય છે. લોકો સડકો ઉપર ઉતરી પડયા છે.
ઈરાક, ઈરાન, મિસ્ર, સીરીયા, તુર્કી, કતાર અને લેબેનોન સહિત કેટલાયે આરબ દેશોએ ઈઝરાયલને ચેતવણી આપી દીધી છે. તે વચ્ચે અમેરિકાના પ્રમુખ બાયડેને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યુહને ફોન કરી કહ્યું છે કે તેઓ તેમની સાથે છે. તેટલું જ નહીં પરંતુ અમેરિકાએ દારૂગોળો તથા હાઈ-ટેક શસ્ત્રો ભરેલા જહાજો રવાના કરી દીધા છે. તેણે તેના સૌથી મોટા વિમાન-વાહક જહાજ, યુએસએસ ''જેરાલ્ડ-ફોર્ડે'' પૂર્વ ભૂમધ્ય સમુદ્ર (જેના કીનારા પર ગાઝા પટ્ટી અને ઈઝરાયેલ રહેલા છે)માં રવાના કરી દીધા છે.
અમેરિકાનું આ નેવલ-ફ્લીટ, એક નૌકાદળ બરાબર છે. જેની સાથે બાથ ભીડવાની કોઈ દેશની તાકાત નથી. અમેરિકાએ તેના આ પ્રચંડ ફાયર-પાવરને ઈઝરાયલના તટે લાંગરવા નિર્ણય લીધો છે. અમેરિકા ઉપરાંત ફ્રાંસ, બ્રિટન, ઈટાલી અને જર્મનીએ પણ ઈઝરાયલનું સમર્થન કર્યું છે.
આ યુએસએસ 'જેરાલ્ડ ફોર્ડ' એક વિમાન-વાહક જહાજ છે. જેની ઉપર ત્રિકોણાકાર મિસાઈલ્સ 'ક્રૂઝર' અને 'આર્લેગ બ્રીક'' પ્રકારના ચાર મિસાઈલ ડીસ્ટ્રોયર્સ તૈનાત છે. આ ઉપરાંત તે 'ફ્લીટ'માં એક એટમિક-સબમરીન પણ સામેલ છે.
આ 'ફ્લીટ' જોઈને જ દુશ્મન થથરી જાય છે. તે ફ્લીટને CVN-78 નામ પણ અપાયું છે.
જેરાલ્ડ ફોર્ડનું ડીસ્પેસમેન્ટ (વજન) ૧ લાખ ટન છે. ભારતનું આઈએનએસ વિક્રાંત તેથી અર્ધા વજનનું છે. તે ન્યુક્લિયર પાવરથી ચાલે છે અને દુનિયાના કોઈપણ ભાગમાં પહોંચી શકે તેમ છે. સમુદ્રમાં તેની ગતિ કલાકના ૫૬ કિ.મી.ની છે. તેની ઉપર ૩૦૦૦ નૌ-સૈનિકો રહી શકે છે. આ વિમાન વાહક જહાજ ઉપર ૯૦ વિમાનો અને હેલિકોપ્ટર્સ રહી શકે તેમ છે. અત્યારે તેની ઉપર ''સુપર-હૉર્નેટ અને એફ-૩૫ યુદ્ધ વિમાનો તૈનાત છે.
આ જંગમાં રશિયા પણ કુદી પડયું છે તે પેલેસ્ટાઈનીઓને સાથ આપે છે તેમ કહેવાય છે. રશિયા કહે છે આ યુદ્ધ અમેરિકાએ જ શરૂ કરાવ્યું છે. રશિયા કહે છે કે અમેરિકા અને પશ્ચિમના દેશો યુક્રેનની જેમ જ ઈઝરાયેલને ફસાવે છે. મિડલ-ઈસ્ટ પર પોતાનો દબદબો કાયમ રાખવા, પશ્ચિમ ઈઝરાયલનો ઉપયોગ કરે છે. મીડીયા રીપોર્ટ કહે છે કે પેલેસ્ટાઈની રાષ્ટ્રપતિ ટુંક સમયમાં જ પુતિનને મળવાના છે.
સમાચાર તેવા પણ છે કે કેટલાએ આરબી દેશોએ ઈઝરાયલ-હમાસ જંગ અંગે રશિયા સાથે મંત્રણાઓ પણ કરી છે.