સિક્રેટ સર્વિસ શું છે: કોની પાસે હતી ટ્રમ્પની સુરક્ષાની જવાબદારી, લોકો કેમ કરી રહ્યાં છે વિરોધ

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
સિક્રેટ સર્વિસ શું છે: કોની પાસે હતી ટ્રમ્પની સુરક્ષાની જવાબદારી, લોકો કેમ કરી રહ્યાં છે વિરોધ 1 - image


Image Source: Twitter

Donald Trump Secret Service: ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ સુરક્ષા કરી રહેલી એજન્સી હવે લોકોના નિશાન પર છે. પ્રમુખ પદના ઉમેદવાર અમેરિકાના પેન્સિલવેનિયામાં રેલી કરી રહ્યા હતા ત્યારે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ પર 20 વર્ષના યુવકે ફાયરિંગ કર્યું હતું. ગોળી ટ્રમ્પના કાન પાસેથી નીકળી ગઈ હતી. સદભાગ્યે મોટું નુકસાન નહોતું થયું. હવે લોકો ટ્રમ્પની સુરક્ષા કરી રહેલી 'સિક્રેટ સર્વિસ' પર સવાલ ઉઠાવી રહ્યા છે. ઘણા લોકો તો એજન્સીના ડાયરેક્ટરના રાજીનામાની માગ કરી રહ્યા છે. કારણ કે રેલી દરમિયાન સુરક્ષા એજન્સીના એજન્ટ પણ સાથે જ હતા. બીજી તરફ કિમ્બરલી એ ચીટલ સિક્રેટ સર્વિસના ડાયરેક્ટર છે. તેમના પર જ સૌથી વધુ સવાલ ઉઠી રહ્યા છે કારણ કે, અનેક લોકો દાવો કરી રહ્યા છે કે ફાયરિંગ પહેલા સિક્રેટ સર્વિસને ઘટનાસ્થળ પર શંકાસ્પદ વ્યક્તિની હાજરી અંગે જણાવવામાં આવ્યું હતું પરંતુ તે સમયે તેના પર કોઈ કાર્યવાહી ન કરી. 

શું છે સિક્રેટ સર્વિસનું કામ?

1865માં શરૂ થયેલી સિક્રેટ સર્વિસની રચના ડોલરની નકલ રોકવા માટે કરવામાં આવી હતી પરંતુ 1901માં ન્યૂયોર્કમાં તત્કાલિન પ્રમુખ વિલિયમ મૈકિનલેની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ સિક્રેટ સર્વિસને ફેક કરન્સીનું ચલણ રોકવા અને પ્રમુખની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. હાલમાં સિક્રેટ સર્વિસ પ્રમુખ અને ઉપ-પ્રમુખની સુરક્ષા ઉપરાંત સિક્રેટ સર્વિસ ફાયનાન્શિયલ ફ્રોડ પર પણ નજર રાખે છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિઓ અને તેમના પતિ અથવા પત્નીને જીવનભર પ્રોટેક્શન આપવાની જવાબદારી પણ સિક્રેટ સર્વિસની છે. 

આ કારણોસર જરૂરી હતી ટ્રમ્પની સુરક્ષા

ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા એટલા માટે વધારે જરૂરી હતી કારણ કે, તેઓ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલમાં પ્રમુખ પદના દાવેદાર પણ છે. નિયમ છે કે, સિક્રેટ સર્વિસ વાઈસ પ્રેસિડેન્ટ અને વાઈસ-પ્રેસિડેન્ટના મજબૂત દાવેદારોને ચૂંટણીના 120 દિવસ પહેલાથી જ સુરક્ષા આપવાનું શરૂ કરી દે છે. નાની પાર્ટીઓના ઉમેદવારને સુરક્ષા આપવામાં નથી આવતી. બીજી તરફ આ એજન્સી પાસે વોરંટ ઈશ્યૂ કરવાનો પાવર પણ હોય છે પરંતુ આ એજન્ટ વોરંટ વિના પણ ધરપકડ કરી શકે છે. તેના કુલ 3 હજાર 200 સ્પેશિયલ એજન્ટ્સ છે. તેમ છતાં ટ્રમ્પ પર આ હુમલો થયો. 


Google NewsGoogle News