Get The App

અમેરિકાનો માસ્ટર સ્ટ્રોક, હવે યુક્રેનની સેના રશિયામાં ઘૂસ્યા વિના તેના શહેરોમાં તબાહી મચાવી શકશે

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
JASSM


Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં અમેરિકાએ એવો માસ્ટર સ્ટ્રોક રમ્યો છે, જેનાથી સાપ પણ મરી જાય અને લાઠી પણ તૂટે નહીં. અમેરિકા રશિયા પર યુક્રેનની મદદથી પોતાના હથિયારોથી ઘાતક હુમલો પણ કરશે, અને તેમાં તેનો ઉલ્લેખ પણ નહીં થાય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાએ યુક્રેનને લાંબા અંતરની ક્રુઝ મિસાઈલ JASSM આપવાનો નિર્ણય લીધો છે. વોશિંગ્ટન અને કીવ આ હથિયાર માટે કરાર કરવા જઈ રહ્યું છે. JASSM મિસાઈલ યુક્રેનની સરહદ પરથી છોડવામાં આવશે, પરંતુ તે રશિયાની અંદર જઈ તબાહી મચાવશે.

મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે, અમેરિકી સેનાના પૂર્વ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ બેન હોજેસે અમેરિકા દ્વારા યુક્રેનને JASSM મિસાઈલ આપવાના નિર્ણયને આવકાર્યો છે. હોજેસ લાંબા સમયથી માગ કરી રહ્યા કે, કીવને લાંબા અંતરની મારક ક્ષમતા ધરાવતા હથિયાર આપવામાં આવે. જેથી રશિયા વિરૂદ્ધ આક્રમક મોરચા સાથે લડી શકે. આ કામ પહેલાં જ થઈ જવુ જોઈતુ હતું. યુક્રેન સતત અમેરિકા સહિત તમામ પશ્ચિમી દેશો પાસેથી લાંબા અંતરની મિસાઈલનો સપ્લાય કરવા અને ઉપયોગની મંજૂરી માગી રહ્યુ છે, પરંતુ અમેરિકાએ મંજૂરી આપી ન હતી, કારણકે રશિયામાં પશ્ચિમી દેશોના હથિયારોના ઉપયોગથી યુદ્ધની ભીતિ વધશે. તેમજ પરમાણુ હથિયારોનો ઉપયોગ થવાની અને વિશ્વયુદ્ધ શરૂ થવાની આશંકા પણ છે.

JASSM મિસાઈલ શું છે?

જોઈન્ટ એર-ટુ-સરફેસ સ્ટેન્ડઓફ મિસાઈલ્સ (JASSM) હવાની સ્પીડે હુમલો કરનારી સ્ટેન્ડઓફ મિસાઈલ છે. જે એફ-16 જેવા લડાકૂ વિમાનોની મદદથી હવામાં લોન્ચ કરી શકાય છે અને નક્કી કરેલ ટાર્ગેટને ધ્વસ્ત કરે છે. આ ક્રુઝ મિસાઈલ છે, જેની મારક ક્ષમતા 530 કિલોમીટરથી 925 કિલોમીટર સુધી છે. જેમાં જીપીએસ નેવિગેશન સિસ્ટમ લગાવવામાં આવે છે, જે ટાર્ગેટને વીંધી નાખે છે. તે ઈન્ફ્રારેડ હોમિંગ આધારિત છે.

તેનુ વજન 450 કિગ્રા હોય છે, જેમાં 109 કિગ્રા વિસ્ફોટક ભરેલો હોય છે. એક JASSMની કિંમત 30 લાખ ડોલર છે. એક એફ-16 લડાકૂ વિમાન બે JASSM મિસાઈલ પોતાની સાથે લઈ જઈ શકે છે. ટાર્ગેટ કરતી વખતે મિસાઈલ જમીનની અંદર 79 ફૂટ સુધી ઘુસી શકે છે. તેનાથી દુશ્મનના ઠેકાણાંઓ પર તબાહી મચી શકે છે. મિસાઈલને રડારથી ડિટેક્ટ કરવી મુશ્કેલ છે.

યુક્રેનની ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો થશે

અમેરિકાએ અગાઉ એફ-16 લડાકુ વિમાનોનો સપ્લાય યુક્રેનમાં કરી દીધો છે. હવે તે JASSM મિસાઈલ મળવાથી એફ-16 લડાકૂ વિમાનોની ક્ષમતામાં વૃદ્ધિ ઉપરાંત યુક્રેનની સેનાને પોતાની ભૌગોલિક સરહદમાં રહીને જ રશિયાના વિવિધ ક્ષેત્રોમાં તારાજી મચાવી શકશે. આ મિસાઈલની ઉપલબ્ધતાથી યુક્રેનની યુદ્ધ ક્ષમતામાં વધારો થશે. 


અમેરિકાનો માસ્ટર સ્ટ્રોક, હવે યુક્રેનની સેના રશિયામાં ઘૂસ્યા વિના તેના શહેરોમાં તબાહી મચાવી શકશે 2 - image


Google NewsGoogle News