અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર 2.0, ભારત સહિત દુનિયાના અન્ય દેશો પર કેવી અસર થશે?
USA Tariff Effects: અમેરિકા દ્વારા ચીન પર ટેરિફ વધારીને 125 % કર્યા પછી બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધ છેડાઈ ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર પહેલાથી જ 20 % ટેરિફ લાદ્યો હતો. ગયા અઠવાડિયે તેમણે વધારાના 34% ટેરિફની જાહેરાત કરી. નવા ટેરિફ 9 એપ્રિલથી અમલમાં આવવાના હતા, પણ એમ થાય તેના થોડા કલાકો પહેલા જ ટ્રમ્પે 50 % ટેરિફ વધારવાની જાહેરાત કરી દીધી હતી.
એના જવાબમાં ચીને બુધવારે અમેરિકા પરનો ટેરિફ 50 % થી વધારીને 84 % કરી દીધો હતો. ચીનના આ પગલાંથી ટ્રમ્પે એ જ દિવસે ચીન પરનો ટેરિફ વધારીને 125 % કરી દીધો હતો. ચીન સિવાય દુનિયાના તમામ દેશો પરના ટેરિફ-વધારાને ટ્રમ્પે 90 દિવસ માટે મુલતવી રાખ્યા છે. એ દેશો પર પારસ્પરિક ટેરિફ ઘટાડીને એકસમાન 10 ટકા કરવામાં આવ્યો હતો, જેને લીધે ચીન સિવાયના ટેરિફના ભયનો સામનો કરી રહેલા દેશોએ રાહતનો શ્વાસ લીધો છે. ટ્રમ્પની આવી દાદાગીરી સામે ઝૂકી જવાને બદલે ચીને અંત સુધી લડી લેવાનો હુંકાર કર્યો છે.
ટ્રમ્પના વલણની શેરબજારો પર કેવી અસર પડી?
- ટ્રમ્પે કૂણું વલણ અપનાવતા બુધવારના ટ્રેડિંગ સત્રમાં દુનિયાભરના શેરમાર્કેટોમાં ઉછાળો જોવા મળ્યો હતો.
- અમેરિકન શેરબજારમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો હતો. યુએસ શેરબજાર સૂચકાંકો S&P-500 માં 9.5 %, Nasdaq માં 12.2 % અને Dow Jones માં 7.9 % નો ઉછાળો જોવા મળ્યો હતો.
- એશિયન શેરબજારોની વાત કરીએ તો જાપાનનો નિક્કી-225 8.6 %, દક્ષિણ કોરિયાનો કોસ્પી 4.8 %, તાઈવાનનો તાઈએક્સ 9.3 % અને ઓસ્ટ્રેલિયાનો ASX-200 5 % વધ્યો હતો.
- હોંગકોંગ અને ચીનમાં શેરબજારના સૂચકાંકો પણ વધ્યા હતા. હેંગ સેંગમાં 3 % અને શાંઘાઈ કમ્પોઝિટમાં 1.3 % નો વધારો થયો હતો.
ખતરો હજુ ટળ્યો નથી: બજાર નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી રાહતથી 'ભય'ની ભાવના ‘ઉત્સાહ’માં બદલાઈ ગઈ છે. જોકે, ખતરો હજુ ટળ્યો નથી કારણ કે વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.
ટ્રમ્પની દાદાગીરી પર ચીને તેવર દેખાડ્યા: ટ્રમ્પની દાદાગીરીનો જવાબ આપતાં ચીને કહ્યું હતું કે, તે 'ચુપચાપ' બેસશે નહીં. ચીનના નાગરિકોના અધિકારો અને હિતોનું ઉલ્લંઘન કરવામાં આવશે, એમાં અવરોધ ઊભો કરવામાં આવશે તો ચીનની સરકાર ચૂપચાપ બેસી રહેશે નહીં.
અમેરિકા અને ચીન વચ્ચે અબજોનો વેપાર: ગયા વર્ષે અમેરિકા અને ચીન વચ્ચે 585 બિલિયન ડોલરનો વેપાર થયો હતો. અમેરિકાએ ચીન પાસેથી 440 અબજ ડોલરનો માલ આયાત કર્યો હતો, જ્યારે ચીને અમેરિકા પાસેથી 145 અબજ ડોલરનો માલ આયાત કર્યો. આમ, આ વ્યાપારમાં ચીનને 295 બિલિયન ડોલરનો ફાયદો થયો હતો અને અમેરિકા ખાધમાં રહ્યું હતું. 295 બિલિયન ડોલરની ખાધ અમેરિકાના અર્થતંત્રના માત્ર 1 % જેટલી છે, છતાં નોંધપાત્ર તો ખરી.
ટ્રમ્પ ચીન પર અગાઉ પણ ટેરિફ લાદી ચૂક્યા છે
જ્યારે ટ્રમ્પ પહેલીવાર રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે ચીની માલ પર ભારે ટેરિફ લાદ્યો હતો. તેમના અનુગામી જો બાઈડેને આ ટેરિફને યથાવત રાખ્યા હતા. આ ટેરિફને કારણે ચીનથી અમેરિકામાં થતી આયાતમાં ઘટાડો થયો હતો. 2016 માં કુલ યુએસ આયાતના 21 % હતો એ હિસ્સો ઘટીને ગયા વર્ષે 13 % થઈ ગયો હતો. આમ, છેલ્લા દાયકામાં અમેરિકાની વેપાર માટે ચીન પરની નિર્ભરતા ઓછી થઈ છે. અમેરિકા જે માલ અગાઉ ચીનમાંથી મંગાવતું હતું એ માલ હવે દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાંથી થવા લાગી છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફ પ્લાનને અમલમાં લાવનાર 'ત્રિપુટી'... જેમના આઇડિયાથી આખી દુનિયા હચમચી
ટેરિફથી બચવા ચીને અજમાવેલો પેંતરો
આ મુદ્દો એક ઉદાહરણ લઈને સમજીએ. 2018 માં ટ્રમ્પે ચીનથી આયાત કરાયેલા સૌર પેનલ્સ પર 30% ટેરિફની જાહેરાત કરી હતી. ચીની કંપનીઓ ટેરિફથી બચવા માટે ચાલાકી કરી હતી. તેમણે મલેશિયા, થાઈલેન્ડ, કંબોડિયા અને વિયેતનામ જેવા દેશોમાં તેમની એસેમ્બલી સ્થાપી હતી અને તે દેશો દ્વારા યુએસમાં માલ મોકલ્યો હતો. આ વાતના પુરાવા યુએસ વાણિજ્ય વિભાગે 2023 માં રજૂ કર્યા હતા. ડ્રેગનના આવા પેંતરાને નાથવા માટે હવે અમેરિકાએ એવા દેશો પર પણ નવા પારસ્પરિક ટેરિફ લાદવાનું નક્કી કર્યું છે, જે દેશો ચીનમાં ઉત્પાદિત માલ અમેરિકાને પધરાવે છે.
ચીન અમેરિકા પાસેથી શું ખરીદે છે?
- વર્ષ 2024 માં અમેરિકાથી ચીનમાં નિકાસ કરાયેલા માલનો સૌથી મોટો હિસ્સો સોયાબીનનો હતો, જે 9 % હતો. એનો ઉપયોગ મુખ્યત્વે ચીનના 44 કરોડ ડુક્કરોને ખવડાવવા માટે થાય છે.
- 8 % સાથે એરક્રાફ્ટ અને એન્જિન, 4 % સાથે ઈંટિગ્રેટેડ સર્કિટ, 4 % સાથે દવાઓ જેવી તમામ મેડિકલ પ્રોડક્ટ્સ અને 3 % સાથે પેટ્રોલિયમ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
- ચીનથી અમેરિકામાં નિકાસ થતા માલમાં સૌથી મોટો હિસ્સો 9 % સાથે સ્માર્ટફોનનો છે. એ પછી 7 % સાથે કમ્પ્યુટર, 3 % સાથે ઈલેક્ટ્રિક વાહનો માટેની બેટરી, 2 % સાથે રમકડાં અને 2 % સાથે ટેલિકોમના સાધનોનો સમાવેશ થાય છે.
- એપલને પણ ટેરિફ નડી ગયો
- અમેરિકા જે સ્માર્ટફોન ચીનમાંથી મંગાવે છે એનો મોટો ભાગ અમેરિકન બહુરાષ્ટ્રીય કંપની એપલ માટે મંગાવાય છે. આ જ કારણ છે કે અમેરિકા દ્વારા ચીન પર ટેરિફ લાદવામાં આવ્યા પછી એપલના બજારમૂલ્યમાં સૌથી વધુ ઘટાડો થયો છે. છેલ્લા એક મહિનામાં જ તેના શેરમાં 20%નો ઘટાડો થયો છે.
અમેરિકન અને ચીની બંને પ્રજાનો મરો થવાનો
જ્યારે ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન ચીન પર 20% ટેરિફ લાદ્યો હતો, ત્યારે ચીનથી અમેરિકામાં આયાત થતી વસ્તુઓની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો હતો. હવે તમામ માલ પર ૧૨૫% ટેરિફ લાદવામાં આવતાં અમેરિકન ગ્રાહકો પર તેની અસર અનેકગણી વધશે. આવી સ્થિતિ ચીનમાં પણ થવાની છે. બદલો લેવા માટે અમેરિકન નિકાસ પર ટેરિફ લાદવાથી ચીનમાં પણ અમેરિકન ચીજોની કિંમત વધશે અને તેનો બોજ ચીની ગ્રાહકો પર પડશે. આમ, બંને દેશમાં ગ્રાહકોનો મરો થશે.
બંને દેશ એકબીજાનું નાક દબાવવામાં પડ્યા છે
- ટેરિફ યુદ્ધનો ફટકો સામેવાળા દેશને પાડવા માટે અમેરિકા અને ચીન બીજી ચાલ પણ ચાલી શકે એમ છે. જેમ કે,
- ચીને અત્યંત જરૂરી એવા સાત દુર્લભ ખનિજોની નિકાસ પર રોક લગાવી દીધી છે, જેથી અમેરિકાના ઉદ્યોગોને બ્રેક લાગે.
- સામે પક્ષે અમેરિકા પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે અત્યંત જરૂરી એવી અદ્યતન માઈક્રોચિપ્સની નિકાસ બંધ કરીને ચીનનું નાક દબાવી શકે છે.
- અમુક દેશો સામે ‘અમેરિકા સાથે વેપાર કરવો હોય તો ચીન સાથેનો વેપાર બંધ કરી દો’ એવી શરત મૂકીને ચીનનો વેપાર ખોરંભે ચડાવવાનો દાવ પણ ટ્રમ્પ રમી શકે એમ છે. આવા દેશોમાં કંબોડિયા, મેક્સિકો અને વિયેતનામના નામ સૌથી ઉપર છે.
વેપાર યુદ્ધની અન્ય દેશો પર શું અસર પડી શકે છે?
‘આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ’ (IMF) અનુસાર આ વર્ષે કુલ વૈશ્વિક અર્થતંત્રમાં અમેરિકા અને ચીનના અર્થતંત્રોનો હિસ્સો લગભગ 43 % છે. જો આ બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધ ફાટી નીકળશે તો બંનેનો વિકાસ દર ધીમો પડશે. બંને દેશ મંદીમાં ધકેલાઈ જશે. તેની અસર વૈશ્વિક વ્યાપાર પર પડશે અને અન્ય દેશોની અર્થવ્યવસ્થાને પણ નુકસાન થશે.
ચીનનું ‘વધારાનું પ્રોડક્શન’ જોખમી સાબિત થઈ શકે છે
ચીન વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. સ્થાનિક માંગ કરતાં ઘણું વધારે ઉત્પાદન તે કરે છે. તે બાકીના વિશ્વમાંથી ખરીદે છે તેના કરતાં વધુ માલ નિકાસ કરે છે. વધારાનો માલ બનાવીને તે એનો ભરાવો કરી રાખે છે. આવો ‘સરપ્લસ ગૂડ્ઝ’ અમેરિકા નહીં ખરીદે તો ચીન એ માલ બીજા દેશોમાં સસ્તામાં કે પછી ઉધારમાં પધરાવવા માંડે એવું બની શકે. આમ થાય તો તે દેશના ગ્રાહકોને તો માલ સસ્તામાં મળશે, પણ તે દેશોના ઉદ્યોગો પર પ્રતિકૂળ અસર થશે, ત્યાં નોકરીઓ જશે અને બેરોજગારી વધશે.
ટૂંકમાં, ચીન અમેરિકાની જોહુકમી સાંખી લે એ વાતમાં માલ નથી. યેનકેન પ્રકારે તે પોતાનું અર્થતંત્ર ટકાવી રાખવાના દાવ અજમાવતું રહેશે. અમેરિકાએ પણ વચલો રસ્તો ન કાઢ્યો તો દુનિયાને મંદીમાં ધકેલાતા વાર નહીં લાગે. ચીન અને અમેરિકા વચ્ચેનું આ વેપાર યુદ્ધ ભારત સહિત દુનિયાના તમામ દેશોને દઝાડશે.