ભારત સાથે સંબંધો મજબૂત રાખવા પશ્ચિમના દેશો મક્કમ : ટ્રુડોને તેમની ઓકાત દેખાડી દીધી
- કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત ઉપર મુકેલા ગંભીર આરોપો અસ્વીકાર્ય માની યુ.એસ., યુ.કે. ભારત સાથે સંબંધો મજબૂત રાખશે
નવી દિલ્હી : પશ્ચિમના દેશોના સમર્થન પર ખૂબ ઉછળી રહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ભારત ઉપર લગાડવામાં આવેલા ગંભીર આક્ષેપો છતાં અમેરિકા અને બ્રિટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સાથે પોતાના સંબંધો મજબૂત રાખવાના છે.
આ રીતે તે દેશોએ ટ્રુડોને તેની 'ઓકાત' દેખાડી દીધી છે.
ટ્રુડોએ પહેલાં તેવો આક્ષેપ મૂક્યો હતો કે ભારતીય રાજદ્વારીઓએ કેનેડા સ્થિત શીખ અલગતાવાદીઓ પર નજર રાખતા હતા તેમને ધમકાવતા હતા, બ્લેકમેઇલ કરતા હતા અને કોઇને તો મારી પણ નાખતા હતા. જો કે, ટ્રુડોના આ દાવાની 'બેલ્સ' ઉડી ગઈ છે. ભારત વારંવાર આ આક્ષેપો માટે સાબિતી માંગી રહ્યું હતું, માગી રહ્યું પણ છે પરંતુ કેનેડા સરકાર હજી સુધી તે અંગે પુરાવા આપી શકી નથી.
આ વિવાદ ત્યારથી શરૂ થયો છે કે, બ્રિટિશ- કોલંબિયામાં શિખ આતંકી હરદીપસિંઘ નિજ્જરની હત્યામાં ભારત સંડોવાયેલું છે તેવો આક્ષેપ કર્યો હતો તેટલું જ નહીં પરંતુ તેવો પણ આક્ષેપ કર્યો હતો કે, ભારતીય અધિકારીઓએ કેનેડાની ભૂમિ ઉપર બીજી અનેક ગેરકાનુની ગતિવિધિઓ કરી હતી. તેમણે સોમવારે ભારતના દૂતાવાસના છ અધિકારીઓને 'અસ્વીકાર્ય વ્યક્તિઓ' (પર્સોના નોન-ગ્રાટા) કહી કેનેડા છોડી દેવા આદેશ આપ્યો હતો. સામે ભારતે પણ કેનેડાના દૂતાવાસના છ અધિકારીઓને ભારત છોડી દેવા આદેશ આપ્યો હતો.
બ્લુમબર્ગના રીપોર્ટ પ્રમાણે ટ્રુડો આક્ષેપોના આધારે પશ્ચિમના દેશોને પણ ભારત સાથે સંબંધો તોડી નાખવા અનુરોધ કરતા હતા. પરંતુ અમેરિકા અને બ્રિટને મંગળવારે એક નિવેદન પ્રસિદ્ધ કરતા જણાવ્યું હતું કે, તેમના દ્રષ્ટિકોણમાં કઈ પરિવર્તન થવાનું નથી.
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું, 'અમે સ્પષ્ટ કહી દીધું છે કે, આ આક્ષેપો ઘણા ગંભીર છે, તે ગંભીરતાથી લેવાવા જ જોઈએ આમ છતાં તેણે કહ્યું 'ભારત અમેરિકાનું મજબૂત ભાગીદાર છે અને ઇન્ડો- પેસેફિક ક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.'
દરમિયાન ટ્રુડોએ બ્રિટિશ વડાપ્રધાન કીર- સ્માર્ટર સાથે ફોન પર વાત કરી પરંતુ તેમાં ભારતનો ઉલ્લેખ ન થયો. બંને નેતાઓ 'રૂલ ઓફ લૉ'ના મહત્ત્વ અંગે સહમતિ દર્શાવી અને તપાસ પૂરી થતા સુધી સંપર્કમાં રહેવા નિર્ણય કર્યો.
આમ પશ્ચિમના દેશો માટે ભારત મહત્ત્વનું છે. તેઓ ભારતને મહત્ત્વપૂર્ણ ભાગીદાર ગણે છે. ચીનના વધતા જતા પ્રભાવને લીધે પશ્ચિમ માટે ભારત મહત્ત્વનું છે. ઉપરાંત બ્રિટન સાથે ભારતનો જબરજસ્ત વ્યાપાર ચાલે છે. બંને 'ફ્રી ટ્રેડ' સમજૂતી માટે કામ કરે છે. યુ.એસ. સંરક્ષણ, સ્વચ્છ ટેક્નોલોજી અને ઊર્જા ક્ષેત્રમાં ભારતનું સહયોગી છે.
રશિયા તરફથી ઉત્તર ધુ્રવ તરફથી આક્રમણની ભીતિ નથી તથા કેનેડામાં રાખેલી ડીસ્ટન્ટ ઇમર્જન્સી વૉર્નિંગ લાઇન ક્યુ (ડીઇડબલ્યુ) લાઇનની જરૂર નથી. તે ટ્રુડો ભૂલી ગયા છે.