યમનના દરીયામાં 25 પ્રવાસી ભરેલી બોટ ડુબી, 11 મહિલા સહિત 13ના મોત, 14 લાપતા
Boat Sank Off Yemen Coast : યમનના દરિયાકાંઠે બોટ ડૂબી જવાથી 25 પ્રવાસીમાંથી 11 મહિલા સહિત 13 લોકોના મોત થયા છે. યુનાઈટેડ નેશન્સ માઈગ્રેશન એજન્સીના અહેવાલ મુજબ, બોટ દુર્ઘટનામાં 14 લાપતા લોકોને શોધવાના પ્રયાસો થઈ રહ્યાં છે. ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન (IOM) અનુસાર, ગત મંગળવારે યમનના તાઈઝ પ્રાંતના દરિયાકાંઠે એક પ્રવાસી બોટ પલટી ગઈ હતી. આ બોટમાં પૂર્વ આફ્રિકન દેશ ઈથોપિયાના 25 નાગરિકો સવાર હતા. જેમાંથી બે લોકો યમનના હતા. બોટ પૂર્વ આફ્રિકન દેશ જીબુતીથી રવાના થઈ હતી.
બોટમાં 11 મહિલા અને 2 બાળકો પણ હતા
બોટ ડૂબી જવાની દુર્ઘટ સંબંધિત IOMની રિપોર્ટ પ્રમાણે, બોટમાં 11 મહિલા અને 2 બાળકો પણ હતા. જ્યારે રાહત અને બચાવ કાર્ય કરી રહેલી એજન્સી 14 લાપતા લોકોની તપાસ કરી રહ્યાં છે. લાપતા લોકોમાં યમનના કેપ્ટન અને તેમના સહયોગી સાથે હતા. જહાજ ડૂબી જવા પાછળનું કારણ બહાર આવ્યું નથી. યમનમાં IOM મિશનના કાર્યકારી વડાએ કહ્યું કે, 'ખતરનાક હોવા છતાં, મોટી સંખ્યામાં પ્રવાસ કરનારાઓ આ દરિયાઈ માર્ગેથી મુસાફરી કરે છે. જૂન-જુલાઈમાં પણ બોટ પલટી જવાની ઘટનાઓ બની છે.'
આ પણ વાંચો : ઈઝરાયલમાં નેતન્યાહૂ સામે રોષ, લાખો લોકો રસ્તા પર ઊતર્યા, હમાસ સામે નિષ્ફળ થવાનો આરોપ
2023માં 97200 પ્રવાસીઓ યમન આવ્યાં
મળતી માહિતી પ્રમાણે, 2022 કરતા વધારે 2023માં 97200 પ્રવાસીઓ યમન આવ્યાં હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં લોકો દરિયાઈ માર્ગે મુસાફરી કરે છે. 10 વર્ષથી વધુ સમયથી આ દેશ ગરીબીની સાથે સાથે ગૃહયુદ્ધથી પણ પીડાઈ રહ્યો છે. લોકો સાઉદી અરેબિયા અને અન્ય ખાડી દેશોમાં મજૂરો અને ઘરેલું કામદારો તરીકે કામ કરવા માટે તમામ પ્રયાસો કરે છે.