અમે સીરીયાની બાબતમાં પડીશું નહીં પરંતુ જો હુમલા કરશો તો વળતો કઠોર પ્રહાર કરીશું
- નેતન્યાહૂની સીરીયન બળવાખોરોને ચીમકી
- આ સાથે ઇરાન સાથે પણ સંબંધો રાખવા સામે બળવાખોરોને ચેતવ્યા : દરમિયાન અંધાધૂંધીનો લાભ લઈ વ્યૂહાત્મક ગોલન-હાઈટસ કબજે કરી
તેલ અવિવ : ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સીરીયાના બળવાખોરોને ચીમકી આપતાં કહ્યું હતું કે, અમે સીરીયાની આંતરિક બાબતોમાં પડવા માગતા નથી. પરંતુ જો અમારી ઉપર હુમલા કરવામાં આવશે તો તેનો વળતો કઠોરતમ જવાબ અપાશે. સાથે ઇરાન સથે કોઈ પણ સંબંધ રાખવા અંગે તેઓએ બળવાખોરોને ચેતવ્યા હતા. તેઓએ વધુમાં કહ્યું કે, જે વ્યૂહાત્મક સ્થળો ઉપર જેહાદીઓએ કબજો જમાવ્યો છે, તેની ઉપર બોમ્બીંગ કરવા અમે વિમાન દળોને જણાવી દીધું છે.
ઉલ્લેખનીય તો તે છે કે, એક તરફ ઇઝરાયલ શાંતિ સલામતીની વાતો કરે છે. તો બીજી તરફ વિપ્લવીઓ અને તે સમયે સીરીયાનાં સત્તાવાર સૈન્ય સાથે થયેલા સંઘર્ષને લીધે, ગોલન-હાઇટસ પાસેથી સીરીયાનું સૈન્ય ખસી ગયું હતું. તેનો લાભ લઈ ઇઝરાયલે તે વ્યુહાત્મક પર્વતીય પ્રદેશ ઉપર સંપૂર્ણ કબજો જમાવી દીધો છે. કહે છે કે, આ તો માત્ર વચગાળાની વ્યવસ્થા છે. પછી અમે તે છોડી દેશું અને તે વિસ્તાર બફર-ઝોન તરીકે રહેવા દેશું. પરંતુ નિરીક્ષકો સ્પષ્ટ માને છે કે, હવે ઇઝરાયલ તે વ્યૂહાતમક વિસ્તાર ગોલન હાઇટ્સ છોડશે નહીં.