દરેક દેશને પોતાની રક્ષાનો અધિકાર, ઈરાન-પાકિસ્તાન સંઘર્ષમાં ભારતે ઈરાનને આડકતરી રીતે સમર્થન આપ્યુ
નવી દિલ્હી,તા.18.જાન્યુઆરી.2024
ઈરાન અ્ને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ જેવા સંજોગો ઉભા થયા છે ત્યારે ભારતે આડકતરી રીતે ઈરાનનુ સમર્થન કર્યુ છે. ઈરાને પાકિસ્તાનની ધરતી પરથી ઓપરેટ થઈ રહેલા આતંકી સંગઠનને તબાહ કરવા માટે કરેલી એર સ્ટ્રાઈક બાદ ભારતે બુધવારે રાત્રે એક નિવેદન બહાર પાડ્યુ હતુ.જેમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યુ હતુ કે, આ મામલો ઈરાન અને પાકિસ્તાન વચ્ચેનો છે.જ્યાં સુધી ભારતનો સવાલ છે ત્યાં સુધી અમારી આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ રહી છે.કોઈ પણ દેશ પોતાની રક્ષા માટે કાર્યવાહી કરી શકે છે અને આ વાતને અમે સમજી શકીએ છે.
ભારતે આમ તો પોતાના નિવેદનમાં ખુલ્લેઆમ કોઈનો પક્ષ નથી લીધો પણ આત્મરક્ષાના અધિકારની નિવેદનમાં વાત કરીને ભારતે ઈરાનને આડકતરી રીતે સમર્થન આપ્યુ છે અને સાથે સાથે પોતે ભૂતકાળમાં પાકિસ્તાન સામે કરેલી સર્જિકલ સ્ટ્રાઈક અને એ પછી બાલાકોટ એર સ્ટ્રાઈકને પણ વ્યાજબી ઠેરવી છે તેવુ જાણકારોનુ કહેવુ છે.