ભારતને પસંદ કરનારા દેશોમાં ઈઝરાયલ પહેલા નંબરે, જાણો બીજા દેશોના લોકોનો ભારત માટેનો અભિપ્રાય
image : Socialmedia
નવી દિલ્હી,તા.05 ફેબ્રુઆરી 2024,સોમવાર
ભારત વૈશ્વિક સ્તર પર એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી રહ્યુ છે ત્યારે દુનિયાના વિવિધ દેશોમાં કેટલા ટકા લોકો ભારતને પસંદ કરે છે તેના પર તાજેતરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો.
આ સર્વેના તારણો પ્રમાણે દુનિયામાં ભારતને પસંદ કરતા દેશોમાં ઈઝરાયલ પહેલા સ્થાને છે.એમ પણ ભારત અને ઈઝરાયલના લોકો એક બીજાને મિત્ર માને છે ત્યારે આ સર્વેએ બંને દેશોની મિત્રતા પર મહોર લગાવી છે.
ઈઝરાયલની સરકારે પ્યૂ રિસર્ચ સેન્ટર નામની સંસ્થા દ્વારા કરાયેલા સર્વેના તારણોને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને સાથે સાથે કહ્યુ છે કે, ભારત માટે સૌથી હકારાત્મક દ્રષ્ટિકોણ રાખનારા દેશોમાં અમે પહેલા નંબરે છે.અમે અમારા ભારતીય મિત્રોને ઘણો પ્રેમ કરીએ છે.
ઉલ્લેખનીય છે કે, આ સર્વેમાં ઈઝાયલના 71 ટકા લોકોએ ભારતને પસંદ કર્યુ છે. એ પછીનો ક્રમ બ્રિટનનો છે.ભારતીયોને પસંદ કરનારા દુનિયાના વિવિધ દેશોના લોકોની ટકાવારી નીચે પ્રમાણે છે.
ઇઝરાયલ |
71 |
બ્રિટન |
66 |
કેન્યા
|
64 |
નાઇજીરીયા |
60 |
દક્ષિણ
કોરિયા |
58 |
જાપાન |
55 |
ઓસ્ટ્રેલિયા
|
52 |
ઇટાલી |
52 |
પ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા ગત વર્ષે આ સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાં ભારતીયોના પણ મંતવ્ય જાણવામાં આવ્યા હતા. જેમાં 68 ટકા ભારતીઓએ કહ્યુ હતુ કે, દુનિયામાં ભારતનો પ્રભાવ વધી રહ્યો છે. 80 ટકા ભારતીયોએ પીએમ મોદી પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ સર્વેમાં ભારત સહિત 24 દેશોના 30861 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. ફેબ્રઆરી, માર્ચ, એપ્રિલ અને મે એમ ચાર મહિના આ સર્વે ચાલ્યો હતો. દુનિયાના સરેરાશ 46 ટકા લોકોએ ભારત માટે હકારાત્મક વિચારો રજૂ કર્યા હતા અને 34 ટકાએ નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. 16 ટકાએ કોઈ મંતવ્ય વ્યક્ત કર્યુ નહોતુ.
જ્યારે ભારતીયોને બીજા દેશો અંગે પૂછવામાં આવ્યું ત્યારે 65 ટકાએ અમેરિકા માટે, 57 ટકાએ રશિયા માટે હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. બીજી તરફ 67 ટકા ભારતીયોએ ચીન માટે અને 73 ટકા ભારતીયોએ પાકિસ્તાન માટે નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો.