'અમારી પાસે વધુ સમય નથી': ઝેલેન્સ્કીએ યુક્રેન યુદ્ધ બંધ કરવા નવી યોજના કહી

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
'અમારી પાસે વધુ સમય નથી': ઝેલેન્સ્કીએ યુક્રેન યુદ્ધ બંધ કરવા નવી યોજના કહી 1 - image


- યુદ્ધ વધતું જાય છે: મૃત્યુ આંક વધતો જાય છે: ૨૮ મહિનાથી ચાલી રહેલું યુદ્ધ બંધ કરવા કૂટ-નીતિનો જ માર્ગ શ્રેષ્ઠ છે

કીવ, નવી દિલ્હી : યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે, યુદ્ધ બંધ કરવા માટે તેઓ એક વિસ્તૃત યોજના બનાવી રહ્યા છે. શુક્રવારે સ્લોવાનિયનાં પ્રમુખ નતાશા મિર્ક મુસર સાથે કીવમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં તેમણે કહ્યું કે, આ યુદ્ધ બંધ કરવા એક મહત્વની યોજના બનાવી છે, જેનું મોટા ભાગના દેશોએ સમર્થન કર્યું છે. તેઓએ કરવું જોઈએ. આ એક રાજદ્વારી (કૂટ-નીતિ)નો માર્ગ છે. જે ઉપર અમે કામ કરી રહ્યાં છીએ.

આ પૂર્વે ગુરુવારે બુ્રસેલ્સમાં યુરોપીય સંઘનાં શિખર સંમેલનમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, યુદ્ધ ખત્મ કરવા માટે થોડા મહિનાઓમા હું એક વિસ્તૃત યોજના બનાવવાનો છું.

આ સાથે સૈનિકો અને નાગરિકોના વધી રહેલા મૃત્યુ આંક પ્રત્યે ઇશારો કરતા તેમણે કહ્યું હતું કે, અમારી પાસે હવે વધુ સમય નથી.

જો કે અત્યારે તો યુદ્ધ બંધ કરવા માટે રશિયા અને યુક્રેન વચ્ચે કોઈ મંત્રણા ચાલતી નથી. શાંતિ મંત્રણા શરૂ કરવા માટે યુક્રેને શરત મુકી છે કે, રશિયાએ તેના કબજા નીચેના યુક્રેનના વિસ્તારોમાંથી તેની સેના પાછી ખેંચી લેવી.

તેમાં ક્રીમીયા પણ સામેલ છે. ૨૦૧૪માં રશિયાએ ક્રીમીયા ઉપર કબજો જમાવી દીધો હતો. યુક્રેન કહે છે કે, રશિયાએ તેના પૂર્વ અને દક્ષિણના વિસ્તારોમાંથી તેની સેના હઠાવી લેવી જોઈએ. તે પછી જ શાંતિ મંત્રણા થઇ શકે. પરંતુ રશિયાએ તે અંગે કશો જવાબ આપ્યો નથી.

અત્યારે તો પરિસ્થિતિ તેવી છે કે રશિયન સૈનિકો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. શુક્રવારે એક વધુ ગામ ઉપર તેમણે કબજો જમાવી દીધો હતો. અત્યારે યુક્રેનના ૨૫ ટકા જેટલા ભાગ ઉપર રશિયાનો કબજો છે.

યુક્રેન નાટોમાં જોડાવા ઇચ્છે છે તે સામે રશિયાને વાંધો છે.


Google NewsGoogle News