અમેરિકામાં રોજ એક ભારતીય મોતને ભેટે છે, ભારતીયોની મદદ કરતી સંસ્થાના સ્થાપકનો દાવો
વોશિંગ્ટન,તા.8.ફેબ્રુઆરી.2023
અમેરિકામાં આજકાલ ભારતીય વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાની ઘટનાઓથી ભારતમાં ચિંતા પ્રવર્તી રહી છે. બીજી તરફ ભારતીય સમુદાયના સંગઠન ટીમ એડના સ્થાપક મોહન નન્નાપનેનીનુ કહેવુ છે કે, હું કોઈ અતિશિયોક્તિ નથી કરી રહ્યો પણ અમેરિકામાં રોજ એક ભારતીયનુ મોત થાય છે.મરનારામાં મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ અથવા એચ-1 બી વિઝા પર કામ કરતા ભારતીય નાગરિકો હોય છે.
એચ વન બી વિઝા હેઠળ અમેરિકન કંપનીઓ વિદેશી લોકોની ટેકનિકલ વિશેષતાના આધારે નિમણૂંક કરી શકે છે.દર વર્ષે હજારો ભારતીયો આ વિઝા હેઠળ અમેરિકા જતા હોય છે.
ટીમ એડ સંગઠન અમેરિકામાં ફરવા આવેલા અથવા રહેવા માટે આવેલા ભારતીય સમુદાયના લોકોની મદદ કરવા માટે બનાવવામાં આવ્યુ છે.આ સંગઠન અચાનક મૃત્યુ પામેલા ભારતીયોના પરિવારજનોની મદદ કરે છે.ટીમ એડમાં લગભગ 3000 જેટલા વોલિએન્ટર્સ છે.જે ભારતીય દૂતાવાસ અને કોન્સ્યુલેટ તથા બીજા સંગઠનો સાથે મળીને કામ કરે છે.
સંગઠનના મોહન નન્નાપનેનીએ કહ્યુ હતુ કે, છેલ્લા કેટલાક સમયથી ભારતીય વિદ્યાર્થીઓ મુસીબતમાં મુકાઈ રહ્યા છે તે દુખદ વાત છે.જોકે ભૂતકાળમાં પણ આવુ બનેલુ છે અને અમે 2001થી લોકોની મદદ કરી રહ્યા છે.કેટલાક મામલામાં ભારતીય વિદ્યાર્થીઓના કાર એક્સિડન્ટ અથવા ડૂબવાથી પણ મોત થતા હોય છે.અમેરિકામાં ડ્રગ્સનુ દૂષણ વ્યાપક છે.કમનસીબે ભારતીય વિદ્યાર્થીઓ તેનો પણ શિકાર બની રહ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે, અમારુ સંગઠન મૃત્યુ પામેલા ભારતીયોના મૃતદેહ ભારત પાછા મોકલવાના, અમેરિકામાં જ અંતિમ સંસ્કાર કરવાના કે પછી હોસ્પિટલોમાં મદદ કરવાનુ કામ કરે છે.છેલ્લા કેટલાક સપ્તાહમાં ભારતીય વિદ્યાર્થીઓના અમેરિકામાં થયેલા મોતે ચિંતાનુ વાતાવરણ સર્જયુ છે.
મોહન નન્નાપનેનીએ કહ્યુ હતુ કે, સંતાનોને વિદેશ મોકલવા માટે માતા પિતા ઘણો ખર્ચો કરતા હોય છે અને જો આવા વિદ્યાર્થીઓને નોકરી ના મળે તો તેઓ તણાવમાં આવી જતા હોય છે અને તેમાંના કેટલાક આત્મહત્યા પણ કરતા હોય છે.