''આપણે હમાસ અને પુતિન જેવા અત્યાચારીઓથી મોં ફેરવી ન શકીએ'' પ્રમુખ જો બાયડેન

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
''આપણે હમાસ અને પુતિન જેવા અત્યાચારીઓથી મોં ફેરવી ન શકીએ'' પ્રમુખ જો બાયડેન 1 - image


- રાષ્ટ્રજોગ કરેલા સંબોધનમાં હમાસ અને પુતિન પર નિશાન સાધતા બાયડેને કહ્યું : ''સંકટના સમયે ઈઝરાયેલ અને યુક્રેનની સાથે ઉભા રહીશું''

વોશિંગ્ટન : ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ પેચીંદુ થઈ રહ્યું છે. હમાસ સામે લડી રહેલા ઈઝરાયલને હવે લેબેનોનનાં હિઝબુલ્લા સંગઠન સામે પણ બીજા મોર્ચા ઉપર યુદ્ધ કરવું પડે છે. તેવામાં અમેરિકાના પ્રમુખ જો બાયડેને તે યુદ્ધમાં પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. રાષ્ટ્રજોગ કરેલા સંબોધનમાં તેઓએ કહ્યું : 'પ્રમુખ તરીકે મારા માટે બંદીવાન બનાવાયેલા અમેરિકનોને સલામતીથી વધુ કોઈ પ્રાથમિકતા હોઈ શકે નહીં. ઈઝરાયલમાં મેં તેવા લોકોને જોયા છે કે જેઓ મજબૂત, દ્રઢ અને સ્થિતિ-સ્થાપક પણ છે તેઓ ગુસ્સામાં છે, આઘાતમાં છે, અને ઊંડા દર્દમાં પણ છે.'

મેં પેલેસ્ટાઇની ઓથોરિટીના પ્રમુખ અબ્બાસ સાથે પણ વાત કરી હતી, અને કહ્યું હતું કે પેલેસ્ટાઇની જીવનની દુ:ખદ હાનીથી પણ હું વ્યથિત છું. તેમાં ગાઝા હોસ્પિટલમાં થયેલો વિસ્ફોટ પણ સામેલ છે, જે ઈઝરાયલીઓએ તો કર્યો જ ન હતો. અમે દરેક નિર્દોષના જાન જવા ઉપર શોકગ્રસ્ત હોઈએ છીએ. અમે નિર્દોષ પેલેસ્ટાઇનીઓની માનવતા નજરઅંદાજ ન જ કરી શકીએ, અમે શાંતિથી રહેવા માંગીએ છીએ, તે માટે એક વધુ તક ઈચ્છીએ છીએ.

તેઓએ કહ્યું, 'આપણે ફરી એક વખત ઈસ્લામોફોબિયા અને અવિશ્વાસ તરફ જઈ રહ્યાં છીએ, જેવું આપણે ૯/૧૧ પછી જોયું હતું.'

પુતિન અંગે બોલતાં બાયડેને ક્યું, 'જો પુતિન યુક્રેનની સ્વતંત્રતા ખતમ કરી દે તો દુનિયાભરના અન્ય આક્રમણકારોને ખોટો સંદેશો મળશે. તેઓ પણ તેવા પ્રયત્નો કરવા, પ્રોત્સાહિત થશે. અમેરિકાનું નેતૃત્વ જ દુનિયાને એક સાથે રાખે છે. અમેરિકાનું ગઠબંધન આપણને સુરક્ષિત રાખે છે.'

બાયડેને ક્યું : 'અમેરિકાના મૂલ્યો જ આપણને એવા ભાગીદારો આપે છે કે જેઓ અન્ય દેશો સાથે કામ કરવા ઈચ્છે છે.'

બીજી તરફ અમેરિકાના વિદેશ વિભાગે એક્સ પોસ્ટ પર આપેલા પોતાના સંદેશામાં અમેરિકી ટૂરીસ્ટોને દુનિયાભરમાં સાવધાન રહેવા અપીલ કરી છે પણ ઈઝરાયલે, તુર્કી સ્થિત તેના તમામ રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે. સાથે પોતાના નાગરિકોને તુર્કી ન જવા જણાવી દીધું છે. તુર્કીએ પણ હવે પોતાના રાજદ્વારીઓને તેલ-અવીવથી પાછા બોલાવી લીધા છે. તેના નાગરિકોને ઈઝરાયલમાંથી પાછા આવવા કહી દીધું છે.


Google NewsGoogle News