'નાટો, જો અન્ય વિસ્તારોની સલામતી સંભાળવાની ખાતરી આપે તો, યુદ્ધ-વિરામ માટે અમે તૈયાર છીએ'
- આખરે ઝેલેન્સ્કી થાક્યા છે !!?
- રશિયાએ જે વિસ્તારો પર કબજો જમાવ્યો છે, તેનો ઉકેલ મંત્રણા દ્વારા પછીથી થઈ શકે : ઝેલેન્સ્કી
કીવ : યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, જો નાટો યુક્રેનના કબજામાં રહેલા વિસ્તારોનાં સંરક્ષણ અને સલામતિ માટે ખાતરી આપે તો તેઓ યુદ્ધ વિરામ માટે તૈયાર છે. આ સાથે તેઓે અત્યારે રશિયાના કબજા નીચે રહેલા યુક્રેનના વિસ્તારો અંગે કહ્યું હતું કે, તેનો ઉકેલ મંત્રણા દ્વારા આવી શકે.
ઝેલેન્સ્કીનાં આ વિધાનો અંગે નિરીક્ષકો કહે છે કે, તેઓના આ વિધાનો તેમણે ગુમાવેલી તમામ ભૂમિ પરત મેળવવાના તેઓના સંકલ્પમાં બાંધ છોડ કરવાની તૈયારી દર્શાવે છે. ગમે તે કહો પરંતુ પોણા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી ચાલતાં આ યુદ્ધથી પ્રમુખ ઝેલેન્સ્કી થાક્યા હોય તેમ સ્પષ્ટ લાગે છે. તેઓ તે પણ જાણે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦મી જાન્યુઆરી ૨૦૨૫ના દિને સત્તા સંભાળશે તે પછી યુક્રેનને મળતી પશ્ચિમની અઢળક શસ્ત્ર સહાય અને નાણાંકીય મદદ બંધ થઈ જશે.
બીજી તરફ નાટો સમુહમાં ભળવાની તેઓની અદમ્ય ઇચ્છા છે.
સ્કાઈ ન્યૂઝને આપેલી મુલાકાતમાં તેઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, જો આપણે યુદ્ધના ઉકળતા ચરૂને ઠંડો પાડવા માગતા હોએ તો સૌથી પહેલી જરૂર અત્યારે પણ યુક્રેનના તાબામાં રહેલા વિસ્તારોને નાટો છત્રથી રક્ષણ મળવું જોઈએ. આ સૌથી પહેલી જરૂરીયાત છે. સૌથી મહત્વની જરૂરિયાત છે. તે પછી બાકી રહેલા ભાગો (જે રશિયાના તાબામાં છે.) તેનો રાજદ્વારી - મંત્રણામાંથી ઉકેલ લાવી શકાય.
તેઓએ આ સાથે તેઓ તર્ક રજૂ કર્યો હતો કે, કોઈ પણ દેશે હજી સુધીમાં પોતાના દેશના માત્ર અમુકની જ સુરક્ષા માટે માગણી કરી નથી. યુક્રેન પહેલો જ તેવો દેશ છે કે જેણે આવી દરખાસ્ત મુકી હોય.
બીજી તરફ નાટો દેશો યુક્રેનને તેમની સાથે જોડવા તૈયાર નથી. કારણ કે જો યુક્રેન નાટોનું સભ્ય બને તો પારસ્પરિક સંધિ પ્રમાણે નાટોના કોઈ પણ દેશ ઉપર હુમલો થાય તો અન્ય દેશોએ તેની સહાયે દોડવું જ જોઈએ. જે નોર્થ એટલાન્ટિક-ટ્રીટ્રી ઓર્ગેનાઈઝેશન (એનએટીઓ-નાટો) દેશો સ્વીકારી શકે તેમ નથી.
ઉલ્લેખનીય છે કે પ્રમુખ પુતિને પણ શાંતિ મંત્રણા માટે તૈયારી દર્શાવી હતી. પરંતુ સાથે તેમ કહ્યું હતું કે રશિયા, યુક્રેનના રશિયન ભાષી વિસ્તારો છોડવા તૈયાર નથી. તેમજ ૨૦૧૪ની મિન્કસ ટ્રીટી પ્રમાણે બેમાંથી એક પણ દેશે વિરોધી દેશો સાથે જોડાવું ન જોઈએ. હવે નાટો જ યુક્રેનને સાથે જોડવા તૈયાર નથી. બીજી તરફ યુક્રેને આ તબક્કે તો રશિયાના કબજા નીચે રહેલા પ્રદેશો પાછા મેળવવાની વાત પણ સ્પષ્ટ શબ્દોમાં કરી નથી. તેથી યુદ્ધ વિરામની આશા વધી છે. કદાચ યુદ્ધ પણ બંધ થવાની દૂર દૂર આશા દેખાય છે.