'અમે યુદ્ધ નહીં, વાતચીત અને વ્યૂહનીતિના સમર્થક', બ્રિક્સ મંચ પરથી દુનિયાને વડાપ્રધાન મોદીનો મેસેજ
PM Modi In BRICS Summit 2024: વિશ્વની સૌથી ઝડપી વિકાસશીલ અર્થવ્યવસ્થાઓના સમૂહ બ્રિક્સ (BRICS) ની 16મી સમિટ રશિયામાં યોજાઈ રહી છે. મોસ્કો નજીક આવેલા કઝાન શહેરમાં આયોજિત આ સમિટમાં રશિયા, ચીન, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા સહિત 28 દેશોના વડાઓ ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બ્રિક્સ શિખર સમ્મેલનથી વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે. પીએમએ કહ્યું કે, 'આજની બેઠકના શાનદાર આયોજન માટે હું પ્રમુખ પુતિનનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું. હું ખૂબ જ ખુશ છું કે આજે આપણે વિસ્તૃત બ્રિક્સ પરિવાર તરીકે પ્રથમ વખત મળી રહ્યા છીએ. બ્રિક્સ પરિવાર સાથે જોડાયેલા તમામ નવા સભ્યો અને સાથીઓનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.'
વિશ્વ અનેક પડકારોથી ઘેરાયેલું છે
વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું કે, 'છેલ્લા એક વર્ષમાં રશિયાની સફળ અધ્યક્ષતા માટે પ્રમુખ પુતિનને અભિનંદન પાઠવું છું. મિત્રો આપણી બેઠક એક એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વ યુદ્ધો, સંઘર્ષો, આર્થિક અનિશ્ચિતતા, ક્લાયમેટ ચેન્જ, આતંકવાદ જેવા અનેક પડકારોથી ઘેરાયેલું છે. વિશ્વમાં ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમને તોડવાની વાત થઈ રહી છે. મોંઘવારી નિવારણ, અન્ન સુરક્ષા, ઊર્જા સુરક્ષા, આરોગ્ય સુરક્ષા, જળ સુરક્ષા એ તમામ દેશો માટે પ્રાથમિકતાના વિષયો છે અને ટેકનોલોજીના યુગમાં સાયબર સુરક્ષા, ડીપ ફેક, ફેક ન્યૂઝ વગેરે નવા પડકારો બની ગયા છે. આવી સ્થિતિમાં બ્રિક્સને લઈને ઘણી અપેક્ષાઓ છે.'
'વિભાજનકારી નહીં જાહેર હિતનું ગ્રુપ છે બ્રિક્સ'
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'મારું માનવું છે કે, વૈવિધ્યસભર અને સર્વસમાવેશક પ્લેટફોર્મ તરીકે બ્રિક્સ તમામ મુદ્દાઓ પર સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. આપણે વિશ્વને આ સંદેશ આપવો જોઈએ કે, BRICS એ વિભાજનકારી નહીં પરંતુ જાહેર હિતનું જૂથ છે.'
'અમે યુદ્ધ નહીં, વાતચીત-કૂટનીતિના સમર્થક'
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ યુદ્ધનો મુદ્દો પણ છેડ્યો. તેમણે કહ્યું કે, 'અમે યુદ્ધ નહીં, વાતચીત અને વ્યૂહનીતિનું સમર્થન કરીએ છીએ અને જે રીતે આપણે સાથે મળીને કોવિડ-19 જેવા પડકારને હરાવ્યો છે. એવી જ રીતે અમે ભાવિ પેઢીઓ માટે સુરક્ષિત, મજબૂત અને સમૃદ્ધ ભવિષ્ય માટે નવી તકો ઊભી કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છીએ. આતંકવાદ અને ટેરર ફન્ડિંગનો સામનો કરવા માટે આપણે બધાએ એક મત થઈને દ્રઢતાથી સહયોગ આપવો પડશે. આવા ગંભીર વિષય પર બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી. આપણા દેશના યુવાનોમાં કટ્ટરતાને રોકવા માટે આપણે સક્રિય પગલાં લેવા જોઈએ. યુએનમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલનના પેન્ડિંગ મુદ્દા પર આપણે સાથે મળીને કામ કરવું પડશે. એવી જ રીતે સાયબર સિક્યોરિટી, સેફ અને secure AI માટે વૈશ્વિક નિયમો માટે કામ કરવું જોઈએ.'