ખાલિસ્તાન ઝિંદાબાદ બોલો પછી જ શિવરાત્રિ ઉજવવા દઇશું : ઓસ્ટ્રેલિયામાં ધમકી
- ઓસ્ટ્રેલિયાના મંદિરના પૂજારીને પાક.થી ફોન આવ્યો
- ભજન માટે જેને તમે બોલાવ્યો છે તે કટ્ટર હિન્દુ છે, કાર્યક્રમ રદ કરો : કાળી માતા મંદિરને પણ ચેતવણી
- ઓસ્ટ્રેલિયા, કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા હિન્દુ મંદિરોને નિશાન બનાવવાનું પ્રમાણ વધ્યું, કોઇ ખાસ કાર્યવાહી નહીં
કૈનબરા : કેનેડા ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં પણ હિન્દુ મંદિરોને ખાલિસ્તાની સમર્થકો દ્વારા વારંવાર ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. એવામાં તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ગાયત્રી મંદિરના ફોન નંબર ઉપર પાકિસ્તાનથી એક ફોન આવ્યો હતો અને ધમકી આપવામાં આવી હતી કે ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવશો તો જ તમને લોકોને શિવરાત્રિ ઉજવવા દેવાશે. જ્યારે કાળી માતા મંદિરમાં પણ ભજનનો કાર્યક્રમ રદ કરવાની ધમકી આપવામાં આવી હતી.
ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેંડના ગાયત્રી મંદિરના સંચાલકોને આ ધમકી મળી હતી. તેઓએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે અમને જ ફોન આવ્યો તેમાં ફોન કરનારાએ કહ્યું હતું કે તે પાકિસ્તાનથી વાત કરી રહ્યો છે અને સાથે ધમકી આપી હતી કે લોકોએ ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા પડશે અને તો જ અમે તમને લોકોને શિવરાત્રિની ઉજવણી કરવા દઇશું. મંદિરના પૂજારીએ આ મામલે ઓસ્ટ્રેલિયન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે ફોન કરનારાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયા ટુડેના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મેલબર્નના ક્રેગીબર્નમાં કાળી માતા મંદિરના પૂજારીને પણ પંજાબી બોલનારા એક વ્યક્તિએ ફોન કરીને આ જ પ્રકારની ધમકી આપી હતી. પૂજાએ કહ્યું હતું કે મને નો કોલર આઇડીથી ફોન આવ્યો હતો. પંજાબી બોલનારા એક વ્યક્તિએ ચાર માર્ચના રોજ થનારા એક ધાર્મિક ભજનના કાર્યક્રમને રદ કરવાની ધમકી આપી હતી. ફોન કરનારાએ કહ્યું હતું કે મને ખ્યાલ છે તમે જે વ્યક્તિને ભજન માટે આમંત્રણ આપ્યું છે તે કટ્ટર હિન્દુ છે, જો તે મંદિરે આવ્યો તો વિવાદ થઇ જશે. હાલમાં જ ખાલિસ્તાનની માગને સમર્થન કરનારા કેટલાક તત્વો દ્વારા ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાં હિન્દુ મંદિરોનું અપમાન કરતા સુત્રો લખવામાં આવ્યા હતા. આ વર્ષે જ કેરમ ડાઉન્સમાં શિવ વિષ્ણુ મંદિરના તહેવાર દરમિયાન તોડફોડ કરવામાં આવી હતી. ગયા સપ્તાહે કેનેડાના રામ મંદિરની દિવાલો પર ખાલિસ્તાન સમર્થક સુત્રો લખાયા હતા.