VIDEO: લેબેનોનમાં વાયરલેસ ડિવાઈસથી ફરી અનેક વિસ્ફોટ, હિઝબુલ્લાહે ઈઝરાયલ પર ઝીંકી મિસાઇલો
Walkie Talkies Blast : લેબેનોનમાં ગઈકાલે (17 સપ્ટેમ્બર) પેજર સીરિયલ બ્લાસ્ટ તો આજે (18 સપ્ટેમ્બર) મોબાઈલ, લેપટોપ, વોકી-ટોકીઝ સહિતના અનેક વાયરલેસ ડિવાઈસમાં વિસ્ફોટો થયા બાદ ભારે ખૂંવારી સર્જાઈ છે, જેમાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત અને 300થી વધુ ઈજાગ્રસ્ત થયા છે, ત્યારે આ ઘટનાને લઈ લેબેનોનના સંગઠન હિઝબુલ્લાહ પણ ભડકે બડ્યું છે અને તેણે ઈઝરાયેલ પર અનેક મિસાઈલો ઝીંકી છે. તો બીજીતરફ ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ યુદ્ધની જાહેરાત કરી દીધી છે.
લેબનોનમાં આજે પણ અનેક વાયરલેસ ડિવાઈસમાં બ્લાસ્ટ
ગઈકાલ બાદ આજે પણ લેબેનોનમાં અનેક સ્થળે મોબાઈલ, લેપટોપ, વોકી-ટોકીઝ જેવા ડિવાઇસમાં અચાનક બ્લાસ્ટ થયા છે, જેમાં 300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે.
ગઈકાલે લેબનોનમાં થયા હતા ‘પેજર સીરિયલ બ્લાસ્ટ’
જણાવી દઈએ કે, ગઈકાલે લેબેનોન અને સીરિયાના કેટલાક વિસ્તારમાં તબક્કાવાર પેજર બ્લાસ્ટ થયા હતા. જેમાં 12 લોકોના મોત અને 4000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે હવે પેજર બ્લાસ્ટ બાદ હિઝબુલ્લાહના ગઢ બેરૂતમાં વોકી ટોકીઝ બ્લાસ્ટની ઘટના સામે આવી છે.
આ અંગે સમાચાર એજન્સી એએફપીએ માહિતી આપી છે. જણાવી દઈએ કે, બુધવારે બ્લાસ્ટ થયેલા તમામ ડિવાઇસ 5 મહિના પહેલાં ખરીદાયા હતા.
આ પણ વાંચોઃ પેજરની જેમ મોબાઈલને પણ હેક કરી બ્લાસ્ટ થઈ શકે? જવાબ જાણી તમે પણ હચમચી જશો!
ઉચ્ચ હિઝબુલ્લાહ અધિકારી હાશેમ સફીદદીને બ્લાસ્ટને લઈને કહ્યું કે, 'સંગઠન ખરાબ સમયનો સામનો કરી રહ્યું છે, પરંતુ તેનો બદલો લેવામાં આવશે.'
આ પણ વાંચોઃ મોસાદના પાંચ દિલધડક ઓપરેશન, લેબેનનના પેજર બ્લાસ્ટથી માંડીને પરમાણુ વિજ્ઞાનીઓની હત્યા
રૉયટર્સના અનુસાર, આ વાયરલેસ રેડિયો સેટ હિઝબુલ્લાહના જવાનો દ્વારા ઉપયોગ કરાઈ રહ્યા હતા. દેશના દક્ષિણ ભાગ અને રાજધાની બરૂતના દક્ષિણી પેટાનગરોમાં આ કોમ્યુનિકેશન સેટ બ્લાસ્ટ થયા છે. એક બ્લાસ્ટ તે જગ્યાએ પણ થયો, જ્યાં હિઝબુલ્લાહ દ્વારા પેજર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર કરાઈ રહ્યા હતા.
કોઈના ખિસ્સા તો કોઈના હાથમાં..કલાક સુધી પેજર થયા હતા બ્લાસ્ટ
ગઈકાલે પેજર્સમાં સિરિયલ બ્લાસ્ટના કારણે લેબેનોન અને સીરિયાની સરહદે આવેલા કેટલાક વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે જ્યારે 4000થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોમાં લેબેનોનમાં ઈરાનના રાજદૂતનો પણ સમાવેશ થાય છે.
હિઝબુલ્લાહનો મોટો દાવો
એવી ચર્ચા છે કે પેજર્સને હેક કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ પેજર્સનો ઉપયોગ હિઝબુલ્લાહના લડાકુઓ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ હેકિંગ પાછળ ઈઝરાયેલનો હાથ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હિઝબુલ્લાહનું કહેવું છે કે તે આ હુમલા માટે ઈઝરાયેલ જ જવાબદાર છે. જો કે, ઈઝરાયેલે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ વિસ્ફોટો સ્થાનિક સમય અનુસાર મંગળવારે બપોરે લગભગ 3.30 કલાકે થયા હતા.
શું મોસાદે પેજર્સ હેક કર્યા?
ઘણા અહેવાલો અનુસાર ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદે લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહને નિશાન બનાવતી વખતે આ પેજર્સ સાથે છેડછાડ કરી હતી. આ પેજર સાથે છેડછાડ કરીને પાંચ મહિના પહેલા જ તેમાં વિસ્ફોટક ફીટ કરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો.
એક કલાક સુધી પેજર બ્લાસ્ટ થતા રહ્યા
મંગળવારે અચાનક લેબેનોનમાં ઘરો, શેરીઓ અને બજારોમાં લોકોના ખિસ્સામાં વિસ્ફોટ થવાનું શરું થયું હતું. લગભગ એક કલાક સુધી લેબેનોનથી સીરિયા સુધી વિસ્ફોટો થયા હતા. લેબેનોનનું કહેવું છે કે ઈઝરાયેલે હિઝબુલ્લાહને નિશાન બનાવી સીરીયલ પેજર બ્લાસ્ટ કર્યા હતા. આ હુમલાને હિઝબુલ્લાહની કોમ્યુનિકેશન સિસ્ટમ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.
પેજર બાદ વોકી-ટોકીઝ બ્લાસ્ટથી લેબેનોનમાં સનસનાટી મચી
લેબેનોનમાં સનસનાટી મચી ગઈ જ્યારે એક પછી એક વોકી-ટોકીઝ બ્લાસ્ટ થવા લાગ્યા. ગઈકાલે પેજર કોઈના ખિસ્સામાં તો કોઈના હાથમાં ફાટ્યા હતા. ત્યારે હવે આજે વોકી-ટોકીઝે હડકંપ મચાવી દીધો છે.